ન્યૂઝ18 ગુજરાતી : ભાજપે આજે લોકસભા ચૂંટણી 2019 માટે "સંકલ્પ પત્ર"ની જાહેરાત કરી હતી. ભાજપ તરફથી ગૃહમંત્રી રાજનાથસિંહે આ સંકલ્પ પત્ર જાહેર કરતા જમ્મી-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 અને 35એ હટાવવાની જાહેરાત કરી હતી. સંકલ્પ પત્ર જાહેર કરવાના કાર્યક્રમ દરમિયાન પીએમ નરેન્દ્ર મોદી, બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ સહિતના લોકો હાજર રહ્યા હતા.
વિવિધ માધ્યમોથી અમે લોકોના મનની વાત જાણી
સંકલ્પ પત્ર જાહેર કરતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જણાવ્યું કે, "ભારતના મનની વાત જાણવા માટે અમે લાંબો કાર્યક્રમ ચલાવ્યો હતો. અલગ અલગ માધ્યમથી અમને લાખો પ્રતિભાવ મળ્યા છે. આ માટે 300 રથ, ચાર હજારથી વધારે "ભારતના મનની વાત"ના કાર્યક્રમો કર્યા છે. સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોનાં મનની વાત સમજવાનો પ્રયાસ કર્યો. ચૂંટણી પહેલા દરેક રાજકીય પાર્ટી તરફથી મેનિફેસ્ટો જાહેર કરવામાં આવે છે. લોકોને અલગ અલગ વચનો આપવામાં આવે છે. જો આ વચનો આંશિક રીતે પણ પૂરા થઈ ગયા હોત તો ભારત આજે દુનિયાનો તાકાતવાર અને સમૃદ્ધ દેશ બની ગયો હોત. 2014માં અમે મેનિફેસ્ટો જાહેર કર્યો હતો તેમાં અમે કહ્યું હતું તે કરી બતાવ્યું છે."
સોનાના અક્ષરોથી લખાશે આ પાંચ વર્ષ
ચૂંટણી સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા અમિત શાહે જણાવ્યું હતું કે, હું આજે અહીં 2014ની યાદ અપાવવા માટે આવ્યો છું. 2014માં ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પીએમ પદના ઉમેદવાર બનાવીને ભાજપ આવી હતી. એ વખતે અમે દેશને વિઝન આપ્યું હતું. ભારતનો ઇતિહાસ લખાશે ત્યારે 2014થી 2019ના પાંચ વર્ષના કાર્યકાળને સોનાના અક્ષરોથી લખવો પડશે. ગરીબોને બહાર કાઢવા માટે અમે ભગિરથ કામ કર્યા છે. પ્રાથમિક જરૂરિયાતોને લોકો સુધી પહોંચાડવા માટે મોદી સરકારને સફળતા મળી છે.
દેશની અર્થવ્યવસ્થાને અમે પાટા પર ચડાવી
અમિત શાહે વધુમાં જણાવ્યું કે, "દેશની અર્થવ્યવસ્થાને પાટા પર લાવવાનું કામ મોદી સરકારે કર્યું છે. અમે સાશન હાથમાં લીધું ત્યારે દેશની અર્થવ્યવસ્થા દેશમાં 11માં નંબરે હતી, આજે તે છઠ્ઠા નંબર છે. સર્જિકલ સ્ટ્રાઇક અને એર સ્ટ્રાઇકના માધ્મથી અમે આતંકવાદના મૂળ પર અમે ઘા કર્યો છે. આખી દુનિયામાં સંદેશ ગયો છે કે ભારતની સીમા સાથે કોઈ છેડછાડ નથી કરી શકતા."
દેશ મહાશક્તિ બન્યો
અમિત શાહે કહ્યુ કે, "એક પછી એક સ્કેમની સ્કિમ પછી અમારી સરકાર બની હતી. પારદર્શક સરકાર કેવી હોય તેનું અમે ઉદાહરણ આપ્યું છે. દેશ દુનિયામાં મહાશક્તિ બનીને ઉભર્યો છે. ભારતે દુનિયામાં પોતાની ઓળખ બનાવી છે. અમારા સાશનમાં કોઈ સ્કેમ નથી થયું. ભાજપા સરકારે પાંચ વર્ષમાં સરકારે અનેક પગલાં ભર્યાં. 50થી વધારે મોટા પગલાં ભર્યા છે, જે ઇતિહાસનો ભાગ બનશે. 60 વર્ષના સાશનમાં જે નિરાશા જન્મી હતી તેનાથી નરેન્દ્ર મોદીમાં આશા જન્મી હતી."
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર