જોધુપર : ફિલ્મ અભિનેતા સલમાન ખાન (Salman Khan) કાળિયાર શિકાર કેસ (Black Buck Poaching Case)માં શુક્રવારે જોધપુર કોર્ટ (Jodhpur Court)માં રજૂ થશે. આ પહેલા કાળિયાર શિકાર અને ગેરકાયદેસર હથિયાર મામલામાં સલમાન ખાન કોઈક કારણસર કોર્ટમાં હાજર નહોતો રહી શક્યો. ત્યારબાદ કોર્ટે તેને ફટકાર લગાવતાં આજે એટલે કે 27 સપ્ટેમ્બર સુધીનો સમય આપ્યો હતો. કોર્ટે એમ પણ કહ્યુ છે કે જો આ વખતે પણ સલમાન ખાન હાજર નહીં થાય તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
સીજીએક કોર્ટ દ્વારા સલમાનને 5 વર્ષની જેલની સજા ફટકારી હતી જેની વિરુદ્ધ સલમાન તરફથી રજૂ કરવામાં આવેલી અપીલ પર અહીં જિલ્લા તથા સત્ર જિલ્લા જોધપુર જજ ચંદ્રકુમાર સોનગરાની કોર્ટમાં સુનાવણી થવાની છે. સુનાવણી દરમિયાન સલમાન ખાન કોર્ટમાં હાજર રહેશે.
નોંધનીય છે કે, કાળિયાર શિકાર કેસમાં સલમાન ખાનને 4 જુલાઈએ કોર્ટમાં રજૂ થવાનું હતું, પરંતુ તે હાજર નહોતો રહ્યો. તેના વકીલ હસ્તીમલ સારસ્વતે હાજરી માફી રજૂ કરી અને તેની પર કોર્ટે નારાજગી વ્યક્ત કરતાં કહ્યું હતું કે સલમાન કેમ હાજર નથી રહ્યો? આગામી સુનાવણી દરમિયાન સલમાનને હાજર રહેવું પડશે, નહીં તો જામીન રદ કરવામાં આવશે.
ડીજે ગ્રામીણ કોર્ટે અગાઉની સુનાવણીમાં સલમાનના વકીલને કહ્યું હતું કે લાંબા સમયગી સલમાન હાજરી માફી લઈ રહ્યા છે. શક્ય થાય તો આગામી સુનાવણી દરમિયાન તેમને હાજર રહેવા માટે કહેવામાં આવે. સલમાનના વકીલ નિશાંત બોડાએ 4 જુલાઈએ થયેલી સુનાવણી દરમિયાન ન પહોંચતા સલમાન તરફથી કોર્ટમાં હાજરી માફી રજૂ કરી હતી.
શું છે મામલો?
વર્ષ 1998માં ફિલ્મ હમ સાથ સાથે હૈના શૂટિંગ દરમિયાન સલમાન ખાન અને સહ કલાકારો પર કાંકણી ગામમાં કાળિયારના શિકારનો આરોપ લગાવ્યો હતો. જેમાં સલમાનને દોષી માનતાં સીજેએમ દેવકુમાર ખત્રીની કોર્ટે સલમાનને પાંચ વર્ષની સજા ફટકારી હતી. સાથોસાથ સૈફ અલી ખાન, નીલમ, તબ્બૂ, સોનાલી બેન્દ્રે તથા દુષ્યત સિંહને સંદેહનો લાભ આપતાં મુક્ત કર્યા હતા.
પહેલીવાર ધરપકડ
આ મામલામાં પહેલીવાર સલમાન ખાનની 12 ઑક્ટોબર 1998ના રોજ ધરપકડ થઈ હતી. ત્યારબાદ બીજા જ દિવસે જોધપુરના વન વિભાગની ઓફિસમાં તપાસ અધિકારીઓએ સલમાન ખાન અને સાક્ષીઓના નિવેદન નોંધ્યા હતા. નિવેદન નોંધવાની કાર્યવાહી કેમેરામાં કેદ થઈ હતી.
રૂમમાંથી પિસ્તોલ અને રાઇફલ મળી આવી હતી
પાંચ દિવસ જેલમાં રહ્યા બાદ 17 ઑક્ટોબરે સલમાન જામીન પર જોધપુર જેલથી મુક્ત થયો હતો. ધરપકડ દરમિયાન સલમાનના રૂમમાંથી પોલીસને પિસ્તોલ અને રાઇફલ મળી આવી હતી. આ હથિયારોના લાઇસન્સીની અવધિ ખતમ થઈ ગઈ હતી. જેથી સલમાન પર આર્મ એક્ટ હેઠળ ચોથો કેસ નોંધવામાં આવ્યો હતો.
વધુમાં વધુ 6 વર્ષની સજા થઈ શકે છે
વાઇલ્ડ લાઇફ એક્ટની કલમ 149 હેઠળ કાળિયાર શિકારના કરવા પર સાત વર્ષની વધુમાં વધુ સજાની જોગવાઈ છે. થોડાક વર્ષ પહેલા તેની સજા 6 વર્ષ હતી. કોર્ટ આ મામલામં ઓછી સજા પણ સંભળાવી શકે છે. સલમાનનું પ્રકરણ 21 વર્ષ જૂનું છે, એવામાં વધુમાં વધુ 6 વર્ષની સજાની જોગવાઈ લાગુ થશે.