Russia-Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધની વચ્ચે ચીનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાએ તેના દુશ્મનોની યાદી બનાવી છે, જેમાં અમેરિકા અને બ્રિટન જેવા દેશોનો સમાવેશ થાય છે. આ લિસ્ટમાં કુલ 31 દેશો હોવાનું કહેવાય છે.
રશિયા અને યુક્રેન (Russia-Ukraine War) વચ્ચે થઇ રહેલા યુદ્ધની વચ્ચે ચીનના સરકારી મીડિયાએ દાવો કર્યો છે કે રશિયાએ પોતાના દુશ્મનોની યાદી બનાવી છે, જેમાં અમેરિકા, જાપાન, બ્રિટન અને યુરોપિયન યુનિયનના દેશોનો સમાવેશ થાય છે. યુરોપિયન યુનિયનમાં 27 દેશો છે. દુશ્મન દેશોની આ યાદીમાં કુલ 31 દેશ હોવાનું કહેવાય છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને (Vladimir Putin) આ યાદીને મંજૂરી આપી દીધી છે.
ચીનના સરકારી મીડિયા CGTNએ દાવો કર્યો છે કે રશિયન સરકારે દુશ્મન દેશોની યાદીને મંજૂરી આપી દીધી છે. આ યાદીમાં યુક્રેનનું નામ પણ સામેલ છે. યુક્રેન પર હુમલો કર્યા પછી, અમેરિકા, બ્રિટન અને પશ્ચિમી દેશોએ તરત જ કાર્યવાહી કરી અને રશિયા પર ઘણા પ્રતિબંધોની જાહેરાત કરી. આનાથી નારાજ થઈને રશિયાએ દુશ્મન દેશોની યાદી બનાવી છે.
અમેરિકાએ રશિયા પર અનેક પ્રતિબંધો લાદીને રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને વિદેશ મંત્રી સર્ગેઈ લવરોવના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. રશિયાએ 4 બેંકો અને રાજ્ય ઊર્જા કંપની પર પ્રતિબંધ મૂક્યો છે. અમેરિકાએ પણ રશિયા માટે તેની એરસ્પેસ બંધ કરવાની જાહેરાત કરી છે. આ સાથે અમેરિકાએ યુક્રેનને આર્થિક મદદની સાથે હથિયારો પણ મોકલ્યા છે.
બ્રિટને 5 રશિયન બેંકો પર પ્રતિબંધ મૂક્યો છે, પુતિનની સંપત્તિ જપ્ત કરી છે અને તેમના ખાતા બ્લોક કરી દીધા છે. બ્રિટને રશિયન સરકારી વિમાનો અને રશિયન અબજોપતિઓના ખાનગી વિમાનો માટે તેની એરસ્પેસ બંધ કરી દીધી છે.
યુરોપિયન યુનિયનના દેશોએ પણ રશિયા પર કડક પ્રતિબંધો લગાવ્યા છે. આ કારણે 27 દેશોમાં રશિયન એરક્રાફ્ટ માટે એરોસ્પેસ બંધ કરી દેવામાં આવી છે. આ સાથે રશિયન અબજોપતિઓની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. યુરોપિયન યુનિયનના દેશોએ યુક્રેનને સૈન્ય સહાય આપી છે.
Published by:rakesh parmar
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર