Home /News /national-international /RSS માનહાનિ કેસ : રાહુલ ગાંધી મુંબઈની કોર્ટમાં હાજર રહ્યા, જામીન પર છૂટકારો

RSS માનહાનિ કેસ : રાહુલ ગાંધી મુંબઈની કોર્ટમાં હાજર રહ્યા, જામીન પર છૂટકારો

રાહુલ ગાંધી

મુંબઈની કોર્ટમાં તેમની સામે પત્રકાર ગૌરી લંકેશ હત્યા પાછળ બીજેપી-આરએરએસની વિચારધારા જવાબદાર હોવાના નિવેદન પર કેસ દાખલ થયો હતો.

ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષપદની જવાબદારીમાંથી મુક્ત થયેલા રાહુલ ગાંધી ગુરુવારે મુંબઈની શિવડી કોર્ટમાં પહોંચ્યા હતા. અહીં આરએસએસ માનહાનિ કેસમાં તેમને રૂ. 15 હજારની સુરક્ષા રકમ પર જામીન મળ્યા હતા. ચૂંટણી પ્રચાર દરમિયાન બીજેપી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ વિશે આપેલા નિવેદનોને લઈને થયેલા માનહાનિના કેસમાં આજે તેઓ કોર્ટમાં હાજર રહ્યા હતા. મુંબઈની કોર્ટમાં તેમની સામે પત્રકાર ગૌરી લંકેશ હત્યા પાછળ બીજેપી-આરએરએસની વિચારધારા જવાબદાર હોવાના નિવેદન પર કેસ દાખલ થયો હતો. દેશની વિવિધ કોર્ટમાં દાખલ થયેલા આ પ્રકારના પાંચ કેસમાં રાહુલ ગાંધી આગામી દિવસોમાં કોર્ટમાં હાજર રહેશે.

કોર્ટમાં હાજરી આપ્યા બાદ રાહુલ ગાંધી પ્રતિક્રિયા આપતા કહ્યું હતું કે "મને ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે, હું તમને સખત ટક્કર આપી રહ્યો છું."

આસામ ખાતે રાહુલ ગાંધીએ લોકસભા ચૂંટણી 2019ના ચૂંટણી પ્રચાર દરમિયાન સત્તાધારી બીજેપી અને આરએસએસ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. આને લઈને બીજેપી અને આરએસએસના કાર્યકરોએ દેશની અલગ અલગ કોર્ટમાં રાહુલ ગાંધી સામે કેસ દાખલ કરાવ્યો હતો. આ પ્રકારના પાંચ કેસમાં રાહુલ ગાંધીએ કોર્ટમાં હાજર રહેવું પડશે.

પટના કોર્ટમાં રાહુલ હાજર રહેશે

ચોથી જુલાઈના રોજ મહારાષ્ટ્રની કોર્ટમાં હાજર રહ્યા બાદ રાહુલ ગાંધી છઠ્ઠી જુલાઈના રોજ બિહારની રાજધાની પટના સ્થિત એક કોર્ટમાં હાજર રહેશે. પટનામાં બિહાર બીજેપીના અધ્યક્ષ સુશીલ કુમાર મોદીએ જ રાહુલ ગાંધી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. બિહારના નાયબ મુખ્યમંત્રી રહેલા સુશીલ મોદીએ રાહુલ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો છે.

રાહુલ ગાંધીએ બિહારમાં આપેલા ભાષણમાં કહ્યુ હતુ કે તમામ ચોરોનું નામ મોદી છે. તેમણે નીરવ મોદી અને લલિત મોદીવાળી યાદીમાં અન્ય મોદી પર પ્રહારો કર્યા હતા. આના વિરુદ્ધમાં સુશીલ મોદીએ રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ કર્યો હતો.

પટના પછી આ કોર્ટમાં રજુ થશે રાહુલ

6 જુલાઈના રોજ પટના કોર્ટમાં હાજર થયા બાદ 9મી જુલાઈના રોજ રાહુલ ગુજરાતના અમદાવાદની કોર્ટમાં રજુ થશે. તે બાદમાં 12મી જુલાઈના રોજ ગુજરાતની જ એક કોર્ટમાં અપરાધિક કેસના સંદર્ભે કોર્ટમાં હાજર રહેશે. જે બાદમાં 24મી જુલાઈના રોજ સુરત ખાતે રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થશે. તેમણે હત્યા આરોપી પાર્ટી પ્રમુખ, તમામ મોદી ચોર છે જેવા નિવેદનોને લઈને કોર્ટમાં જવાબ રજૂ કરવો પડશે.
First published:

Tags: Lok sabha election 2019, RSS, કોર્ટ, રાહુલ ગાંધી