Home /News /national-international /

મચ્છર ભગાડવાથી ખુરશીઓ ભરવા સુધી, પ્રિયંકા બની કોંગ્રેસ મહાઅધિવેશનની તાકાત

મચ્છર ભગાડવાથી ખુરશીઓ ભરવા સુધી, પ્રિયંકા બની કોંગ્રેસ મહાઅધિવેશનની તાકાત

પ્રિયંકા ગાંધી (ફાઇલ તસવીર)

    પલ્લવી ઘોષ

    કોંગ્રેસના સુવ્યવસ્થિત મહાઅધિવેશન પાછળ પ્રિયંકા વાડ્રાનું મહત્વનું યોગદાન છે. મહાઅધિવેશન માટે જગ્યાની પસંદગીથી લઈને મચ્છરોની સમસ્યાનું સમાધાન લાવવા સુધીના કાર્યમાં પ્રિયંકા સામેલ રહી હતી. કોંગ્રેસના એક સૂત્રના જણાવ્યા પ્રમાણે પ્રથમ દિવસે અમુક ખુરશીઓ ખાલી રહી તો તેમણે કાર્યકરોને આદેશ કર્યો કે બીજા અને અંતિમ દિવસે વધારે લોકોને લાવવાની વ્યવસ્થા કરવામાં આવે.

    કાર્યકરે વધુમાં કહ્યું કે મહાઅધિવેશનની જગ્યા પર મચ્છરોનો ખૂબ ત્રાસ હતો. ફરિયાદ કરનાર લોકોમાં ખુદ તેમના માતા સોનિયા ગાંધી પણ હતા. બાદમાં પ્રિયંકા રાતે પોતે અધિવેશનની જગ્યા પર આવ્યા હતા અને ફ્યૂમિગેશનની કાર્યવાહીનું સતત બે કલાક સુધી નિરિક્ષણ કર્યું હતું.

    મહાઅધિવેશનમાં કોણ કોણ નેતાઓ ભાષણ આપશે તેમજ તેએ કયા ક્રમે ભાષણ આપશે તેની યાદી પણ પ્રિયંકાએ જ તૈયાર કરી હતી. આ તેનો જ વિચાર હતો કે રાહુલ ગાંધી મંચના એકમાત્ર વક્તા હોવા જોઈએ અને કોંગ્રેસનો લોગો બિલકુલ તેમની પાછળ દેખાવો જોઈએ. કોંગ્રેસના મહાઅધિવેશન માટે પરંપરાગત ગાદલાઓનો ઉપયોગ કરીને તેમણે લોકોને ખાસ સંદેશ મોકલ્યો હતો. ગત વર્ષોમાં કોંગ્રેસના નેતાઓની બેસવાની શૈલી આવા જ પ્રકારની હતી. કોંગ્રેસના મહાઅધિવેશનનો નારો 'હવે પરિવર્તન જરૂરી' હતો. તમામ નેતાઓના બેસવાની જગ્યા મંચથી નીચે કરવામાં આવી હતી.

    પ્રિયંકા સતત કોઈ પણ રાજકીય મહત્વકાંક્ષાનો ઇન્કાર કરતી રહી છે. જ્યારે પણ તેને પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ કર્યું કે તે નહીં પરંતુ તેનો ભાઈ રાહુલ પાર્ટીનો ચહેરો હશે. પક્ષમાં હંમેશા તેની ભૂમિકા એક રહસ્ય જ રહી છે. અખિલેશ સાથે ઉત્તર પ્રદેશમાં ગઠબંધન કરવા પાછળ પ્રિયંકાની જ મહત્વની ભૂમિકા રહી હતી. આ ઉપરાંત તેણે ગુજરાત ચૂંટણી કેમ્પેન પર પણ નજર રાખી હતી.

    એકમાત્ર નવજોતસિંઘ સિદ્ધૂએ પાર્ટીમાં પ્રિયંકાની સક્રિય ભૂમિકાનો સ્વીકાર કર્યો છે. તેમણે કહ્યું હતું કે તેમની સાથે એક વખત મુલાકાત કરી અને કોંગ્રેસમાં જોડાવવાનો નિર્ણય કર્યો હતો. જેમ જેમ લોકસભા અને વિધાનસભાની ચૂંટણી નજીક આવશે તેમ તેમ પ્રિયંકા ગાંધીની ભૂમિકા વધુ સ્પષ્ટ થશે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Priyanka gandhi, Sonia Gandhi, કોંગ્રેસ, રાહુલ ગાંધી

    આગામી સમાચાર