ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડના પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીના પુત્ર રોહિત શેખર તિવારીની હત્યાના તપાસમાં એક બાદ એક નવા ખુલાસા થઈ રહ્યા છે. રોહિતની પત્ની અપૂર્વા શુક્લાની હત્યાનો ગુનો કબુલ કર્યા બાદ ધરપકડ કરી લેવામાં આવી છે. હવે પોલીસ આ મામલે પૂરાવા ભેગા કરવા નાર્કો ટેસ્ટ પણ કરાવી શકે છે, જેથી તેની વિરુદ્ધ વૈજ્ઞાનિક પૂરાવા પણ ભેગા કરી શકાય. આ સિવાય પોલીસ તે 9 ગાદલા વિશે જાણકારી ભેગી કરી રહી છે, જે રોહિતના ઘરેથી મળ્યા હતા.
ક્રાઈમ બ્રાંચે તપાસ દરમ્યાન જોયું કે, રોહિત પોતાના રૂમમાં 9 ગાદલા પર ઊંઘતો હતો. મોડી સાંજે ઊંઘીને ઉઠવાના કારણે તે રોજ રાત્રે એક વાગ્યે નાહ્વા જતો હતો. જોકે, ઘટનાની રાત્રે તે નાહ્વા નહોતો ગયો.
અપૂર્વાએ પોતાના મોબાઈલમાંથી શું ડિલીટ કર્યું? આ મર્ડર કેસની તપાસ કરી રહેલી દિલ્હી ક્રાઈમ બ્રાંચની ટીમ અપૂર્વા શુક્લાના મોબાઈલ ફોનને ખંગાળી રહી છે. અપૂર્વાએ પોતાના મોબાઈલમાંથી ઘણી વસ્તુઓ ડિલીટ કરી દીધી હતી. કોલ ડિટેલમાં એ વાત સામે આવી કે, તે રોહિતને દિવસમાં પાંચથી 6 વખત કોલ કરતી હતી. પોલીસ એ વાતની તપાસ કરી રહી છે કે, વ્યવસાયે વકિલ હોવા છતા અપૂર્વા પર આટલા ઓછા કોલ કેમ આવતા હતા.
તંત્ર મંત્રનું શું છે કનેક્શન? તો ક્રાઈમ બ્રાંચના એક અધિકારીનું કહેવું છે કે, અપૂર્વા શુક્લા તિવારી તંત્ર મંત્રમાં પણ વિશ્વાસ રાખતી હતી. બતાવવામાં આવી રહ્યું છે કે, રોહિત માંગલિક હતો અને અપૂર્વા પણ માંગલિક હતી. લગ્ન બાદ અપૂર્વા પતિથી રિસાઈને ઈંદોર જતી રહી હતી. ત્યારબાદ ઉજ્જવલાએ ઘરમાં હવન વગેરે કરાવ્યો હતો.
હત્યા પાછળ પ્રોપર્ટીનો વિવાદ તો નથી ને? ક્રાઈમ બ્રાંચની ટીમ રોહિત કેસની તપાસ પ્રોપર્ટીના એન્ગલથી પણ કરી રહી છે. પોલીસ અધિકારીઓ અનુસાર, રોહિત શેખર, તેની મા ઉજ્જવલા અને ભાઈ સિદ્ધાર્થ ત્રણેના નામથી કુલ 6 કરોડની ફિક્સ્ડ ડિપોઝિટ છે. આ સિવાય ઉજ્જવલાના નામે દેહરાદૂનમાં એક ફાર્મ હાઉસ છે. ઉજ્જવલાએ પૂછતાછમાં જણાવ્યું હતું કે, કેટલાક વર્ષ પહેલા ગામની જમીન વેચીને દેહરાદૂનમાં ફાર્મ હાઉસ ખરીદ્યું હતું.
ઉજ્જવલાએ એ પણ જણાવ્યું હતું કે, તેમણે વસિયતમાં ફાર્મ હાઉસ રોહિત અને સિદ્ધાર્થના નામે કરી દીધુ હતું. જોકે, હજુ સુધી તપાસ ટીમને વસિયતની કોપી નથી મળી. તપાસ દરમ્યાન એનડી તિવારીના ખાતામાં પોલીસને માત્ર 10000 રૂપિયા મળ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર