બેંગલોર : કર્ણાટક (Karnataka Accident)ના ધારવાડમાં કરુણ ઘટના બની છે. અહીં શુક્રવારે રાત્રે માર્ગ અકસ્માતમાં (Accident)7 લોકોના મોત થયા હોવાનું જાણવા મળે છે. આ ગમખ્વાર અકસ્માતમાં 10 લોકો ઇજાગ્રસ્ત પણ થયા હતા. ધારવાડના નિગડી વિસ્તારમાં વાહન ઝાડ સાથે ધડાકાભેર અથડાયું હતું. જેના કારણે 7 લોકોના મોત થયા હતા.
વધુ વિગતો મુજબ વધારે સ્પીડના કારણે ક્રૂઝર કારના ચાલકે પોતાનું બેલેન્સ ગુમાવ્યું હતું. પરિણામે ક્રુઝર ઝાડ સાથે અથડાઇ હતી. આ કારમાં સવાર સાત લોકોના મોત થયા હતા. આ અકસ્માત અંગે વધુ જાણકારી મુજબ વાહનમાં 21 લોકો સવાર હતા. આ લોકો લગ્ન સમારોહમાં ભાગ લેવા માટે બાંકાકાટ્ટી જઈ રહ્યા હતા. આ ઘટનામાં ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ બાબતે પોલીસે જણાવ્યું હતું કે તેઓએ આઈપીસીની કલમ 304 એ (બેદરકારીથી મૃત્યુનું કારણ) હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ ચાલી રહી છે.
બસ પલટી જતા આઠ લોકોના મોત
આ પહેલા ગુરુવારે તુમકુર જિલ્લાના પાવાગડા પાસે ડ્રાઇવરે વાહન પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો. આ ઘટનામાં બસ પલટી ખાઇ ગઇ હતી. અકસ્માતમાં 8 લોકોના મોત થયા હતા અને 20થી વધુ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
વધુ જાણકારી મુજબ બસમાં કેટલાક વિદ્યાર્થીઓ પણ સામેલ હતા. બસમાં લગભગ 60 મુસાફરો સવાર હતા. પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ અકસ્માતમાં ઘાયલ થયેલા 20 લોકોમાંથી આઠને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. માર્યા ગયેલા અને ઘાયલ થયેલા લોકોમાં કેટલાક વિદ્યાર્થીઓનો પણ સમાવેશ થાય છે.
વિજયનગરમાં પાંચ લોકોનાં મોત
આ સિવાય મંગળવારે કર્ણાટકના વિજયનગર જિલ્લાના બનવિકાકલ્લુમાં નેશનલ હાઈવે 50 પર રામેશ્વરમ જઈ રહેલા વાહનને ગંભીર અકસ્માત નડ્યો હતો. બનાવની વિગતો મુજબ નેશનલ હાઇવે વાહન પલટી ગયું હતું. આ અકસ્માતમાં 5 લોકોના મોત થયા હતા અને 9 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. મૃતકોમાં ચાર મહિલાઓનો સમાવેશ થાય છે.
અહીં ઉલ્લેખનીય છે કે, વર્તમાન સમયે લગ્નની સિઝન ચાલી રહી છે. દરરોજ સેંકડો લગ્નો થઈ રહ્યા છે. લગ્ન સમારોહ માટે વાહનો, ડીજે અને અન્ય વસ્તુઓની પણ વધુ માંગ છે. આવી સ્થિતિમાં ઉપરાઉપરી લગ્નો અને બીજા કારણોથી ચાલકો દબાણ હેઠળ ખૂબ જ ઝડપી ગતિએ વાહન ચલાવે છે. જેના કારણે ભયાનક અકસ્માતો પણ થઈ રહ્યા છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર