નેટવર્ક 18 જૂથની 'રાઇઝિંગ ઇન્ડિયા સમિટ'ના બીજા દિવસની શરૂઆત ગૃહમંત્રી રાજનાથ સિંઘના નિવેદન સાથે થઈ હતી. જેમાં રાજનાથે કહ્યું કે, 'દુનિયા માટે ભારત વિકાસશીલ દેશ છે. અમે અને આપણા વડાપ્રધાન ભારતને માત્ર વિકાસશીલ દેશોની કતારમાં હોય તેવું જોવા નથી માંગતા. અમે ભારતને વિકસિત દેશોમાં જોવા માંગીએ છીએ. એ વાતને નકારી નહી શકાય કે ભારત બદલાઈ રહ્યું છે. આજે આખું વિશ્વ આ હકીકતને સ્વીકારે છે. આંતરરાષ્ટ્રીય ઈકોનોમીમાં ભારતે પોતાની શક્તિ બતાવી છે. દુનિયા સ્વીકારે છે કે એ દિવસ દૂર નથી કે જ્યારે ભારતીની જીડીપી ગ્રોથ ડબલ ડિજીટમાં થશે.'
બેંક ફ્રોડ પર રાજનાથે શું કહ્યું?
બેંક ફ્રોડ અંગે વાત કરતા રાજનાથે કહ્યું હતું કે, 'આપણે જેટલી ઝડપથી ટ્રાન્સપરન્સી વધારીશું એટલા ઝડપથી ભ્રષ્ટાચારને ખતમ કરી શકાશે. આજકાલ એક તાજા બેન્કિંગ ફ્રોડની ઘણી ચર્ચા છે. હું નામ નથી લેવા માંગતો, તે દેશ છોડીને ભાગી ગયા છે. આરોપ લગાવવામાં આવી રહ્યાં છે કે સરકારે તેને ભગાડી દીધો છે. પરંતુ હકીકત તો એ છે કે સરકારને આ ફ્રોડ બહાર લાવવામાં સફળતા મળી છે. હું એ પણ કહેવા માંગુ છું કે કોઈપણ સરકાર એ દાવો નથી કરી શકતી કે તેઓ ભ્રષ્ટાચારને સંપૂર્ણ રીતે ખતમ કરી દેશે.'
યુવાનો માટે નોકરીની તકો આપીએ છીએ
રાજનાથ સિંહે નોકરી વિશે સંબોધતા કહ્યું કે 'અમારી સરકાર એ વાતને સમજે છે કે જો અમે દેશને વિકસિત બનાવવા માંગીએ છીએ તો અમારે વિકાસમાં છેક છેલ્લે ઉભેલા લોકોને પણ ઉપર લાવવા પડશે. કોઈપણ સરકાર એ દાવો નથી કરી શકતી કે અમે દરેક ભણેલા ગણેલા યુવાનોને નોકરી આપી દઈશું. પરંતુ અમે આવી ઘણી તકો આપવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. જો તમારી પાસે ટેલેન્ટ હોય તો તમને સરળતાથી તમારી રાહ મળી શકે છે.'
નક્સલી ઘટનાઓ ઓછી થઈ
રાજનાથે વારેવારે થતા નક્સલી હુમલાઓ અંગે કહ્યું હતું કે, 'હું એવું નથી કહેતો કે જે પણ સફળતા અમને મળે તે માત્ર અમારા પ્રયાસોને કારણે મળે. પહેલાની સરકારોએ પણ કામ કર્યા છે. નક્સલવાદ કે જે આપણી આંતરિક સુરક્ષા માટે મોટો ખતરો બન્યો છે તેના પર અમે મોટી સફળતા મેળવી છે. હું એવું નથી કહી રહ્યો કે ઘટનાઓ અટકી ગઈ છે પરંતુ નક્સલી ઘટનાઓ ઘણી ઓછી થઈ છે.
કાશ્મીરના બાળકો પણ અમારા બાળકો
જમ્મુ કાશ્મીરની સમસ્યા પર વાતચીત કરતા રાજનાથ સિંહે કહ્યું હતું કે, 'કાશ્મીરની સમસ્યાનું અમે સ્થાનિક સ્તરે સમાધાન લાવવા માંગીએ છીએ. આ માટે જ અમે દિનેશ્વર શર્માને સ્પેશ્યલ પ્રતિનિધિ તરીકે નિમ્યા છે. કાશ્મીર આપણું હતું, છે અને રહેશે. કોઈ તાકાત તેને અમારાથી અલગ નહીં કરી શકે. કાશ્મીરના બાળકો પણ અમારા બાળકો છે. તેમની જિંદગી સાથે રમત ચાલી રહી છે. તેમને જેહાદના પાઠ ભણાવવામાં આવી રહ્યા છે. હું કહું છું કે પહેલા તમે જેહાદ કરી પછી બાળકને શિક્ષણ આપો. મોટી મોટી ખુરશીએ પર બેસીને જેહાદના પાઠ ભણાવવામાં આવે છે. સ્ટોન પેલ્ટિંગમાં 9000થી વધારે લોકો સામેલ હતા. મેં કહ્યું કે જે બાળકોએ કોઈની ઉશ્કેરણીમાં આવીને સ્ટોન પેલ્ટિંગ કર્યું હતું તેમને જેલમાં ન નાખો.
પાકિસ્તાન હાફિઝને સુરક્ષા આપે છે
'પાકિસ્તાન હાફિઝ સઇદને સુરક્ષા આપી રહ્યું છે. તે ચૂંટણી લડશે તો ત્યાંથી સંસદમાં પણ બેસશે. પાકિસ્તાન હક્કાની નેટવર્કને છાવરી રહ્યું છે. આ આતંકી સંગઠનોએ અનેક લોકની હત્યા કરી છે.'
પદ પર બેસીને કોઈ મોટું નથી બની જતું
પીએમ બનવાના સવાલ પર રાજનાથ સિંહે કહ્યું કે, 'હું વધારે પડતો મહત્વકાંક્ષી નથી. દેશને બનાવવા માટે ખેડૂતથી લઈને અધિકારી સૌનું યોગદાન છે. પદ પર બેસવાથી કોઈનું કદ મોટું થતું નથી. નેતાઓએ જે વચનો આપ્યા હતાં તેનાંથી અડધા પણ પૂર્ણ કર્યા હોત તો આજે આપણું ભારત સુપર પાવર બની ગયુ હોત.'
સંઘે અમને ઘણું શીખવ્યું
સંઘ વિશે વાત કરતાં ગૃહમંત્રીએ કહ્યું કે, 'જ્યારે હું શિક્ષા મંત્રી હતો ત્યારે અમે નકલ વિરુદ્ધ કડક કાયદો બનાવ્યો હતો. જેમાં વિદ્યાર્થીઓને પણ જેલમાં નાંખવાનો કાયદો હતો. જેના પર ઘણાં લોકોએ કહ્યું કે પાર્ટી બેસી જશે. પરંતુ સંઘે અમને એ જ પાઠ ભણાવ્યો છે કે રાજનીતિ માત્ર સરકાર બનાવવા માટે ન કરવી જોઈએ. દેશ બનાવવા માટે પણ કરવી જોઈએ. સમાજને બનાવવા માટે પણ કરવી જોઈએ.'
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર