ન્યૂઝ 18 ગુજરાતી: દેશના પ્રથમ લોકપાલ તરીકે રાષ્ટ્રપતિ રામનાખ કોવિદે નિવૃત જજ પિનાકી ચંદ્ર ઘોષના નામની જાહેરાત કરી છે. મે 2017માં સુપ્રીમ કોર્ટમાંથી નિવૃત થયેલા જસ્ટિસ ઘોષ રાષ્ટ્રીય માનવાધિકાર પંચના સભ્ય છે. શુક્રવારે વડાપ્રધાનની પસંદગી સમિતિમાં યોજાયેલી બેઠકમાં લોકપાલ અને તેમની સમિતિના 8 સભ્યોની નિમણૂક કરાઈ હતી.
આ સમિતિમાં ચાર ન્યાયિક અને ચાર બિન ન્યાયિક સભ્યો છે. આઠ સભ્યોની લોકપાલની સમિતિમાં બે ગુજરાતીઓનો સમાવેશ પણ કરાયો છે.
લોકપાલ સમિતિમાં જસ્ટિસ દિલિપ ભોસલે, જસ્ટિસ પીકે મોહંતી, જસ્ટિસ અભિલાષા કુમારી, જસ્ટિસ એ.કે. ત્રિપાઠી, ન્યાયિક સભ્યો છે, જ્યારે દિનેશ કરુમાર, અર્ચના રામા સુંદરમ, મહેન્દ્ર સિંહબ, અને ડૉ. આઈ.પી. ગૌતમ બિન ન્યાયિક સદસ્યો છે.
આ સમિતિમાં નિમણૂક પામેલા બે ગુજરાતી સભ્યોમાં ડૉ. આઈ.પી ગોતમ અને જસ્ટિસ અભિલાષા કુમારીનો સમાવેશ થાય છે. ડૉ.આઈ.પી. ગૌતમ કેશુભાઈ પટેલની સરકારમાં સીએમઓમાં હતા અને હાલ ગુજરાત મેટ્રોના ચેરમેન છે. તેમણે બીઆરટીએસ અને સાબરમતી રિવરફ્રન્ટના પ્રોજેક્ટમાં પણ મહત્ત્વનું યોગદાન આપ્યું છે.
દેશમાં અન્ના હજારે દ્વારા લોકપાલની માંગને લઈને એક મોટું જન આંદોલન કરવામાં આવ્યું હતું. આ માંગે એક રીતે દેશના રાજકારણમાં પાંચ વર્ષ પહેલાં આમૂલ પરિવર્તન આણ્યું હતું. હવે લોકપાલની નિમણૂક થતા ઉચ્ચ કક્ષાએ થતા ભ્રષ્ટાચારની તપાસ લોકપાલ કરશે. ઉચ્ચ કક્ષાએ થતા ભ્રષ્ટાચારની ફરિયાદ લોકપાલને કરવામાં આવી શકાશે.
સુપ્રીમ કોર્ટે અવારનવાર સરકારને પૂછ્યું હતું કે લોકપાલની નિમણૂક શા માટે નથી થઈ રહી ત્યારે આજે રાષ્ટ્રપતિએ દેશના પ્રથમ લોકપાલની નિમણૂક જાહેર કરી છે.
Published by:Jay Mishra
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર