શ્યામ વિશ્નોઈ, જાલોર : 21મી સદીના વિકાસશીલ સમાજને ગળે ન ઉતરે તેવી વાસ્તવિકતાના વરવા સમાચાર રાજસ્થાનથી (Rajasthan) આવ્યા છે. અહીંયા પાણીની (Thirst) તરસે એક પાંચ વર્ષની માસૂમનો ભોગ લીધો છે. રાજસ્થાનના જાલોર (Jalore) જિલ્લામાં રેતીના ઢૂવાંઓમાં 5 વર્ષની (Five year old Death) માસૂમ બાળકીનું મોત થયું જ્યારે તેની નાની તેની પાસે બેહોશ મળી આવી હતી. ગ્રામજનોની સૂચના મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલીસે વૃદ્ધાને પાણી પીવડાવી અને દાખલ કરી છે જ્યારે મામૂસ બાળકીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો. પોસ્ટમોર્ટમમાં પાણીના અભાવે મોત થયું હોવાનું સામે આવ્યું છે.
ઘટનાની વિગતો એવી છે કે રાજસ્થાનના રાનીવાડા વિસ્તારમાં જાલોના રોડા ગામમાં રવિવારે આ ઘટના ઘટી હતી. બપોરના ધોમધખતા તાપમાં 45 ડિગ્રી ગરમીની યાતના વચ્ચે પાણીના અભાવે બાળકી અંજલિએ દમ તોડી નાખ્યો હતો. જ્યારે નાની સુખી દેવી બેહોશ મળી આવી હતી. સ્થાનિકોએ પોલીસને જાણ કરી ત્યારે સમગ્ર ઘટના ઉજાગર થઈ હતી.
પ્રાપ્ત વિગતો મુજબ સુખી દેવી દોહિત્રી અંજલિ સાથે સિરોહી પાસેના રાયપુરથી રાનીવાડાના ડૂંગરી વિસ્તારમાં પોતાના ઘરે જઈ રહી હતી. કોરાનાના કારણે વાહનોની અવરજવર ન હોવાથી તેઓ પગપાળા આવી રહ્યા હતા તેવામાં 20-25 કિલોમીટર પગપાળા ચાલ્યા બાદ આ કરૂણ ઘટના ઘટી હતી.
દરમિયાન માટીના ઢૂંવાઓની વચ્ચે નાની બેહોશ થઈ ગઈ હતી. જ્યારે માસૂમ અંજલિનું મોત થઈ ગયું હતું. જ્યારે સુખી દેવી પણ માંડ માંડ બચ્યા હતા. ગરમી અને કોરોનાના કારણે આવનજાવન ન હોવાથી આ વિસ્તારો વેરાન રહે છે તેવામાં કોઈ રાહદારી પણ પસાર ન થયો હોય તેવી સંપૂર્ણ શક્યતા છે. હાલ તો આ કાળજું ચીરી નાખતી ઘટનાએ સમગ્ર જાલોર જિલ્લામાં ચકચાર મચાવી છે.