Home /News /national-international /પ્રિયંકા ગાંધીએ લખનઉમાં કોંગ્રેસના કાર્યકરો સાથે આખી રાત કરી બેઠક

પ્રિયંકા ગાંધીએ લખનઉમાં કોંગ્રેસના કાર્યકરો સાથે આખી રાત કરી બેઠક

પાર્ટી કાર્યકરો સાથે પ્રિયંકા

ઉત્તર પ્રદેશના પાર્ટી કાર્યાલય નહેરુ ભવનમાં તેમણે કાર્યકરો સાથે 16 કલાકની લાંબી બેઠક કરી હતી. આ બેઠક આખી રાત ચાલી હતી.

  ન્યૂઝ18 ગુજરાતી :   કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને પૂર્વ ઉત્તર પ્રદેશનો હવાલો મળ્યા બાદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ ચૂંટણી મેદાનમાં પોતાની પૂરી તાકાત લગાવી દીધી છે. ઉત્તર પ્રદેશના પાર્ટી કાર્યાલય નહેરુ ભવનમાં તેમણે કાર્યકરો સાથે 16 કલાકની લાંબી બેઠક કરી હતી. આ બેઠક આખી રાત ચાલી હતી. મંગળવારે શરૂ થયેલી બેઠક બુધવારે વહેલી સવારે 5.30 વાગ્યે પૂરી થઈ. બેઠક પછી ન્યૂઝ18 સાથે ખાસ વાતચીત કરતા પ્રિયંકા ગાંધીએ કહ્યું કે, તેમનો પીએમ મોદી સાથે કોઈ જ મુકાબલો નથી પરંતુ રાહુલ ગાંધી પીએમ મોદીને સીધી ટક્કર આપશે.

  પ્રિયંકા ગાંધીએ મંગળવારે રાત્રે અલગ અલગ લોકસભા વિસ્તારમાંથી આવેલા પાર્ટીના કાર્યકરો સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ જ્યારે પ્રિયંકાને પૂછવામાં આવ્યું કે શું તેમની ટક્કર પીએમ મોદી સાથે હશે? તેના જવાબમાં તેમણે કહ્યું કે, "મારી સાથે નહીં પરંતુ રાહુલજી સાથે તેમનો મુકાબલો હશે. રાહુલ લડી રહ્યા છે."

  આ પણ વાંચો : સપા-બસપાના સૂર બદલાયા, કોંગ્રેસને આપી 14 ટિકિટની ઓફર: સૂત્ર

  પાર્ટી કાર્યકરો સાથે બેઠકને લઈને તેમણે કહ્યું કે, અહીં મોટા પરિવર્તનની જરૂર છે. પ્રિયંકાએ કહ્યું, "હું સંગઠન અંગે શીખી રહી છું. હું લોકોને સાંભળી રહી છું. ચૂંટણી કેવી રીતે જીતી શકાય તેના પર વાત થઈ રહી છે."

  આ દરમિયાન પોતાના પતિ રોબર્ટ વાડ્રાની થઈ રહેલી પૂછપરછ અંગે પ્રિયંકાએ મૌન તોડ્યું હતું. "આવું બધું ચાલતું રહેશે. હું મારું કામ કરતી રહીશ. મને કોઈ ફરક નથી પડતો," એમ પ્રિયંકાએ જણાવ્યું હતું.

  નોંધનીય છે કે હાલના દિવસોમાં ઈડીની ટીમ સતત પ્રિયંકાના પતિ રોબર્ટ વાડ્રાની પૂછપરછ કરી રહી છે. પહેલા દિલ્હીમાં ઈડીએ તેમની પૂછપરછ કરી હતી, બાદમાં જયપુર ખાતે ઈડીના અધિકારીઓએ તેમની પૂછપરછ કરી હતી.

  આ પહેલા મંગળવારે પ્રિયંકાએ કાર્યકરોને સંબોધન કરતા અંદર અંદરના ઝઘડાઓને ખતમ કરીને એક થવાનો આગ્રહ કર્યો હતો. પ્રિયંકાએ લખનઉ અને ઉન્નાવ વચ્ચે આવેલા મોહનલાલગંજ ચૂંટણી ક્ષેત્રમાં સ્થાનિક લોકોને કહ્યું કે, 'જૂથબંધી ખતમ કરો.'

  ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ બહેન પ્રિયંકા ગાંધીને પૂર્વ ઉત્તર પ્રદેશની જવાબદારી સોંપી છે. આ વિસ્તારમાં લોકસભાની 41 બેઠક આવે છે, જ્યારે પશ્ચિમ ઉત્તર પ્રદેશની જવાબદારી જ્યોતિરાદિત્ય સિંધિયાને સોંપવામાં આવી છે. પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં 39 લોકસભાની બેઠક આવે છે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: General election, Lok sabha election 2019, Lucknow, Priyanka gandhi, Priyanka Gandhi Vadra, કોંગ્રેસ, રાહુલ ગાંધી

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन