રાહુલ પર લેસર ગન તાકવામાં આવી હોવાનો કોંગ્રેસનો દાવો; ગૃહ મંત્રાલયે આપ્યો આ જવાબ

News18 Gujarati
Updated: April 11, 2019, 3:53 PM IST
રાહુલ પર લેસર ગન તાકવામાં આવી હોવાનો કોંગ્રેસનો દાવો; ગૃહ મંત્રાલયે આપ્યો આ જવાબ
રાહુલ ગાંધી

કોંગ્રેસે દાવો કર્યો છે કે અમેઠીમાં હુમલાખોરો રાહુલ ગાંધી પર સાત વખત નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો.

  • Share this:
ન્યૂઝ18 ગુજરાતી : કોગ્રેસે મોટો ખુલાસો કરતા દાવો કર્યો છે કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પર અમેઠીમાં હુમલાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સંદર્ભે કોંગ્રેસે ગૃહપ્રધાન રાજનાથસિંહને એક પત્ર પણ લખ્યો છે.આ અંગે ગૃહમંત્રાલયે કહ્યું છે કે એસપીજીએ જાણકારી આપી છે કે રાહુલના જીવને કોઈ જોખમ નથી. જે લીલી લાઇટની વાત કરવામાં આવી રહી છે તે કોંગ્રેસ ફોટોગ્રાફરના મોબાઇલની છે. સાથે જ ગૃહમંત્રાલયે એવી સ્પષ્ટતા કરી છે કે અમને હજી સુધી કોંગ્રેસનો કોઈ પત્ર મળ્યો નથી.

કોંગ્રેસે દાવો કર્યો છે કે અમેઠીમાં હુમલાખોરો રાહુલ ગાંધી પર સાત વખત નિશાન સાધવાનો પ્રયાસ કર્યો હતો. કોંગ્રેસના આવા દાવા બાદ ચૂંટણીના વાતાવરણમાં વધુ ગરમાવો આવી ગયો છે. નોંધનીય છે કે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ બુધવારે અમેઠી બેઠક પરથી ઉમેદવારી પત્ર ભર્યું હતું.

કોંગ્રેસ પત્રમાં શું લખ્યું?

આ સંદર્ભે કોંગ્રેસે 10મી એપ્રિલ, 2019ના રોજ દેશના ગૃહમંત્રી રાજનાથ સિંઘને એક પત્ર લખ્યો છે. આ પત્રમાં કોંગ્રેસે લખ્યું છે કે, "આજે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ અમેઠી બેઠક પરથી પોતાનું ઉમેદવારી પત્રક ભર્યું હતું. જે બાદમાં તેમણે મીડિયાને સંબોધન કર્યું હતું. તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે તેમના માથા પર લેસર ગન તાકવામાં આવી હતી. ખૂબ ટૂંકા ગાળામાં આવું સાત વખત કરવામાં આવ્યું હતું. મંદિર ખાતે તેમના માથાના જમણી તરફ બે વખત ગન તાકવામાં આવી હતી. પૂર્વ સુરક્ષા અધિકારીઓએ આ વીડિયો ફૂટેજ તપાસ્યા બાદ એવો મત વ્યક્ત કર્યો હતો કે આ લેસર લાઇટ સ્નાઇપર ગનની હોઈ શકે છે."

પત્રમાં આગળ લખવામાં આવ્યું છે કે, "રાહુલ ગાંધીની સુરક્ષામાં આ મોટું છીંડુ છે.  આ પહેલા ગાંધી પરિવારના બે સભ્યો આતંકી તત્વોનો શિકાર બન્યા હોવાની વાત સુરક્ષામાં આ પ્રકારના છીંડા ચિંતાનો વિષ્ય છે."પત્રની શરૂઆતમાં લખવામાં આવ્યું છે કે, "ભારતના બે પૂર્વ વડાપ્રધાનો ઇન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનો આતંકી તાકાતોએ ભોગ લીધો છે. ભારતના લોકો ઇન્દિરા ગાંધીની હત્યાનું કાવતરું, હુમલો અને હત્યાને ભૂલ્યા નથી. 1991માં સામાન્ય ચૂંટણી દરમિયાન પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીની હત્યા કરવામાં આવી હતી."

પત્રમાં ગૃહમંત્રી રાજનાથ સિંઘને આ મામલે તપાસ કરીને તાત્કાલિક પગલાં લેવાની વાત લખવામાં આવી છે. એટલું જ નહીં રાહુલ ગાંધીને પૂરતી સુરક્ષા પૂરી પાડવાની માંગણી કરવામાં આવી છે.  પત્રના અંતે કોંગ્રેસના પીઢ નેતા અહેમદ પટેલ અને કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાના હસ્તાક્ષર છે.
First published: April 11, 2019, 2:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading