ન્યૂઝ18 ગુજરાતી : કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ પાર્ટીના અધ્યક્ષ તરીકે નથી રહેવા માંગતા. તેઓએ પોતાનું રિપ્લેસમેન્ટ શોધવા માટે પાર્ટીને એક મહિનાનો સમય આપ્યો છે. રાહુલ ખૂબ ભાર મૂક્યો છે કે નવા અધ્યક્ષ કોઈ નોન ગાંધી જ હોવા જોઈએ. જેથી પાર્ટી તેવા પ્રયાસોમાં લાગી ગઈ છે.
એવામાં સૂત્રોના હવાલાથી અહેવાલ મળી રહ્યા છે કે કોંગ્રેસ વચગાળાના અધ્યક્ષ માટે એકે એન્ટનીના નામ પર વિચાર કરી રહી છે. હાલ પાર્ટીમાં બેઠકોનો દોર ચાલી રહ્યો છે, જો વર્કિંગ કમિટીના સભ્યોમાં સહમતિ સધાઈ તો, એકે એન્ટનીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બનાવી શકાય છે. નોંધનીય છે કે, યૂપીએ સરરકારમાં એકે એન્ટની રક્ષા મંત્રી રહી ચૂક્યા છે.
પાર્ટીમાં આવો વિચાર ઉભરી રહ્યો છે કે કોંગ્રેસને પોતાના વચગાળાના અધ્યક્ષ તરીકે એક સિનિયર નેતાનું નામ લેવું પડશે, જે સામૂહિક નિર્ણય લેવા માટે નેતાઓના એક કોલેજિયમની અધ્યક્ષતા કરશે. પાર્ટીમાં એકે એન્ટનીની ઘણી સારી છબિ છે. એવામાં માનવામાં આવી રહ્યું છે કે વચગાળાના અધ્યક્ષ તરીકે તેમના નામ પર સહમિત સધાઈ જશે.
હાર બાદ રાહુલે રાજીનામાની કરી હતી રજૂઆત
ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠકમાં રાહુલે રાજીનામાની રજૂઆત કરી હતી. તેઓએ કહ્યું હતું કે તેઓ એક સામાન્ય કાર્યકર્તા તરીકે કામ કરવા માંગે છે. તેઓએ કહ્યું હતું કે તેઓ દેશભરમાં ફરીને કોંગ્રેસનો જનાધાર વધારવાનું કામ કરશે.
લોકસભામાં કોંગ્રેસનું નેતૃત્વ કરી શકે છે રાહુલ ગાંધી
સૂત્રોનું કહેવું છે કે લોકસભામાં રાહુલ ગાંધીને કોંગ્રેસ પાર્ટીના નેતા બનવા માટે મનાવવામાં આવી રહ્યા છે. જોકે, માનવામાં આવી રહ્યું છે કે આગામી સપ્તાહ લોકસભામાં કોંગ્રેસ નેતા કોણ બનશે તેની ઔપચારિક જાહેરાત થઈ જશે. કોંગ્રેસ અધ્યક્ષ પદથી રાજીનામા પર અડગ રહ્યા બાદ વચગાળાના અધ્યક્ષ અને તેમની સહાયતા માટે કોલેજિયમની ચર્ચા ચાલી રહી છે.