નવી દિલ્હી : કોરોના સંકટ વચ્ચે જ્યારે અમેરિકાએ ભારત પાસેથી હાઇડ્રોક્સીક્લોકોક્વિન દવા (Hydroxychloroquine medicine) માંગી ત્યારે ભારતે આગળ આવીને મદદ કરી હતી અને દવા મોકલી હતી. આના થોડાક દિવસો પછી વ્હાઇટ હાઉસે સોશિયલ મીડિયા પર પીએમ મોદી (PM Narendra Modi) સહિત ભારતના 6 ટ્વિટર હેન્ડલને ફોલો કરવાનું શરુ કર્યું હતું. જોકે થોડા દિવસો પછી વ્હાઇટ હાઉસે આ બધા ટ્વિટર હેન્ડલને અનફોલો કરી દીધા છે. અમેરિકાના આ વલણ પર પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે હું પીએમ મોદી અને રાષ્ટ્રપતિને અનફોલો કરવાથી નિરાશ છું.
રાહુલ ગાંધીએ ટ્વિટ કર્યું હતું કે હું વ્હાઇટ હાઉસ દ્વારા આપણા રાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીને અનફોલો કરવાથી નિરાશ છું. હું અપીલ કરું છું કે વિદેશ મંત્રાલય આ મામલામાં સંજ્ઞાન લે.
કોરોના સંકટમાં જ્યારે વૈજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે ભારતમાં તૈયાર હાઇડ્રોક્સીક્લોકોક્વિન દવા કોરોના દર્દીઓની સારવારમાં સક્ષમ છે. આ પછી દુનિયાભરના દેશોમાં આ દવાની માંગ વધી ગઈ હતી. આ દવા માટે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના પીએમ નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી અને દવા માંગી હતી. ભારતે મદદ કરતા દવા મોકલી હતી. જ્યારે બંને દેશો વચ્ચે દવાને લઈને વાત ચાલી રહી હતી તે સમયે વ્હાઇટ હાઉસના ટ્વિટર હેન્ડલથી ઘણા ભારતીય ટ્વિટર હેન્ડલને ફોલો કર્યા હતા.
વ્હાઇટ હાઉસે ભારતના જે ટ્વિટર હેન્ડલને ફોલો કર્યા હતા, તેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, પ્રધાનમંત્રી કાર્યાલય, રાષ્ટ્રપતિ ભવન, અમેરિકામાં ભારતીય દુતાવાસ અને ભારતમાં અમેરિકા દુતાવાસ સામેલ છે. જોકે આ બધા ટ્વિટર હેન્ડલને વ્હાઇટ હાઉસે ફરી એક વખત અનફોલો કરી દીધા છે.