Congress New President: કૉંગ્રેસમાં આંતરિક કલહની વચ્ચે પાર્ટીના નવા અધ્યક્ષને (New Congress President) ચૂંટવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આ દરમિયાન સૂત્રોના હવાલાથી જાણકારી મળી રહી છે કે રાહુલ ગાંધી (Rahul Gandhi) ફરી કૉંગ્રેસ અધ્યક્ષની જવાબદારી સંભાળવા માટે રાજી થઈ ગયા છે. શનિવારે કૉંગ્રેસના વરિષ્ઠ નેતાઓની નવા અધ્યક્ષ પદને લઈ બેઠક યોજાઈ હતી. તેમાં કૉંગ્રેસની વચગાળાની અધ્યક્ષ સોનિયા ગાંધી (Sonia Gandhi), રાહુલ ગાંધી અને અખિલ ભારતીય કૉંગ્રેસ કમિટના સભ્ય તથા પદાધિકારી ઉપસ્થિત હતા.
સોનિયા ગાંધીના નિવાસસ્થાન 10 જનપથ પર લગભગ 5 કલાકથી વધુ સમય સુધી ચાલેલી બેઠકમાં ઉપસ્થિત તમામ નેતાઓએ પોતપોતાની વાત રજૂ કરી. બેઠકમાં રાહુલ ગાંધીને અધ્યક્ષ પદ સંભાળવાની માંગ ઉઠી. અંતમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે પાર્ટી જે જવાબદારી આપશે, તેને તેઓ નિભાવવા માટે તૈયાર છે.
સૂત્રો મુજબ, આ બેઠકમાં કે. સુરેશ, અબ્દુલ ખાલિક, ગૌરવ ગોગોઈ અને કેટલાક અન્ય સાંસદોએ રાહુલ ગાંધીને આગ્રહ કર્યો કે તેઓ ફરીથી પાર્ટીનું સુકાન સંભાળે. આ સાંસદો ઉપરાંત, કૉંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહે પણ કહ્યું કે હવે રાહુલ ગાંધીએ ફરીથી કૉંગ્રેસનું નેતૃત્વ કરવું જોઈએ. હાલમાં મળેલી કૉંગ્રેસ કાર્ય સમિતિની બેઠકમાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે પણ આ માંગ ઉઠાવી હતી જેનું અનેક નેતાઓએ સમર્થન કર્યું હતું.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીના રાજીનામાની ચર્ચા ઘણા લાંબા સમયથી ચાલી રહી હતી અને તેમણે તેની રજૂઆત લોકસભા ચૂંટણી 2019ના પરિણામો જાહેર થયાના તરત જ કરી દીધી હતી. રાહુલ ગાંધીએ રાજીનામું આપતી વખતે પોતાના રાજીનામા પાછળ આ કારણ જણાવ્યા હતા.
હારની જવાબદારી લેવી પડશે
રાહુલ ગાંધીએ લખ્યું હતું કે, કૉંગ્રેસ અધ્યક્ષ તરીકે 2019માં મળેલી હાર માટે હું જવાબદાર છું. આપણી પાર્ટીના ભવિષ્ય માટે જવાબદારી ઉઠાવવી જરૂરી છે. આ કારણ છે કે હું મારા પદ પરથી રાજીનામું આપી રહ્યો છું.
2019માં મળેલી હાર માટે પાર્ટીને પુર્નસંગઠિત કરવાની જરૂર છે .પાર્ટીની હાર માટે સામૂહિક રીતે લોકોએ આકરા નિર્ણય લેવા પડશે. આ ખૂબ જ ખોટું હશે કે પાર્ટીની હાર માટે સૌને જવાબદાર ઠેરવવામાં આવે. પરંતુ પાર્ટી અધ્યક્ષ હોવાના કારણે હું મારી જવારદારીથી ભાગી ન શકું.
ઘણા બધા સાથીઓએ મને સૂચન કર્યા છે કે હું જ કૉંગ્રેસ પાર્ટીના આગામી અધ્યક્ષનું નામ પસંદ કરું. એ સાચું છે કે તાત્કાલિક કોઈની જરૂર છે જે આપણી પાર્ટીને લીડ કરે .મારા માટે કોઈ એકની પસંદગી કરવી ખોટું હશે. આપણી પાર્ટીનો ઈતિહાસ ખૂબ જ ગૌરવશાળી રહ્યો છે. તેથી મને લાગે છે કે હજે એ પાર્ટી જ નક્કી કરશે કે કોણ આપણું નેતૃત્વ હિંમત, પ્રેમ અને જવાબદારી સાથે કરી શકે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર