Rahul Gandhi Twitter Followers: રાહુલ ગાંધીએ કહ્યું કે, ઓગસ્ટ પછી તેમના એવરેજ માસિક ફોલોઅર્સ (followers)ની સંખ્યા ઝીરો થઈ ગઈ છે. તેમણે લખ્યું કે, ‘આ સંયોગ નથી, પણ એ તે મહિનો હતો જ્યારે મેં દિલ્હીમાં રેપ પીડિતાનો મુદ્દો ઉઠાવ્યો, ખેડૂતો સાથે ઊભો રહ્યો અને અન્ય માનવાધિકાર મુદ્દાઓ ઉપર સરકાર સામે લડ્યો.’
Rahul Gandhi Twitter Followers: કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi)એ તાજેતરમાં ટ્વિટર (Twitter)ને પત્ર લખીને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તેમની પહોંચ દબાવવાનો આરોપ લગાવ્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે તેમનો અવાજ દબાવવા માટે ટ્વિટરે સરકારના દબાણમાં આવીને ફોલોઅર્સ (followers)ની સંખ્યા મર્યાદિત કરી નાખી છે અને તે ફોલોઅર્સની સંખ્યા સાથે છેડછાડ કરી રહ્યું છે.
‘ટ્વિટર ઇન્ડિયા પર મારો અવાજ દબાવવા માટે દબાણ’
રાહુલ ગાંધીએ ટ્વિટર સીઈઓ પરાગ અગ્રવાલ (Parag Agrawal)ને ડિસેમ્બરમાં લખેલા પત્રમાં જણાવ્યું કે, ‘હું તમારું ધ્યાન એ તરફ દોરવા માગું છું કે મારા મતે ભારતમાં સ્વતંત્ર અને નિષ્પક્ષ ભાષણ પર અંકુશ લગાવવામાં ટ્વિટરની ‘અજાણતામાં મિલીભગત’ છે. લોકો દ્વારા મને વિશ્વસનીય રીતે જણાવવામાં આવ્યું છે કે ટ્વિટર ઇન્ડિયા પર સરકાર દ્વારા મારો અવાજ દબાવવા માટે ઘણું દબાણ છે.’
રાહુલ ગાંધીએ આગળ લખ્યું, વિશ્વભરમાં ઉદાર લોકશાહી અને સરમુખત્યારશાહી વચ્ચે વૈચારિક લડાઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ચાલી રહી છે. એવામાં ટ્વિટર જેવી કંપનીઓની ટોચ પર બેઠેલા વ્યક્તિઓની જવાબદારી વધી જાય છે. રાહુલ ગાંધીએ કહ્યું, ‘આ ચોંકાવનારું છે કે મારા ટ્વિટર ફોલોઅર્સની સંખ્યા વધવાનું અચાનક અટકાવી દેવામાં આવ્યું છે. મારા બે કરોડ ફોલોઅર્સ છે, મારું ટ્વિટર અકાઉન્ટ એક્ટિવ છે અને આ વર્ષે જુલાઈ 2021માં દરરોજ મારા 8-10 હજાર ફોલોઅર્સ વધતા રહ્યા.’
ઓગસ્ટમાં રાહુલ ગાંધીએ ટ્વિટર પર 9 વર્ષની રેપ પીડિતાના માતા પિતાનો ફોટો શેર કર્યો હતો. તેને લઈને બીજેપીએ રાહુલ ગાંધી ઉપર અસંવેદનશીલ હોવાનો અને આવા મામલામાં રાજકીય લાભ લેવાનો આરોપ મૂક્યો હતો. તેના પછી રાહુલ ગાંધીનું ટ્વિટર અકાઉન્ટ અચોક્કસ મુદ્દત માટે બંધ કરી દેવામાં આવ્યું હતું. જોકે, બાદમાં રાહુલ ગાંધીના અકાઉન્ટ પરથી બેન હટાવી દેવામાં આવ્યું. રાહુલ ગાંધીએ કહ્યું કે, તેમણે બાળકીના માતા પિતાની અનુમતિ બાદ ફોટો શેર કર્યો હતો.
મેં ખેડૂતો અને રેપ વિક્ટિમનો મુદ્દો ઉઠાવ્યો – રાહુલ
રાહુલ ગાંધીએ કહ્યું કે, ઓગસ્ટ પછી તેમના એવરેજ માસિક ફોલોઅર્સની સંખ્યા ઝીરો થઈ ગઈ છે. તેમણે કહ્યું કે, ઓગસ્ટ બાદ તેમના ફોલોવર્સ વધવાના ઓછા થઈ ગયા છે. તેમણે લખ્યું કે, આ સંયોગ નથી, પણ એ તે મહિનો હતો જ્યારે મેં દિલ્હીમાં રેપ પીડિતાનો મુદ્દો ઉઠાવ્યો, ખેડૂતો સાથે ઊભો રહ્યો અને અન્ય માનવાધિકાર મુદ્દાઓ ઉપર સરકાર સામે લડ્યો. ત્યાં સુધી કે ખેડૂતો માટેનો મારો વીડિયો ભારતીય સેના દ્વારા શેર થયો. જેમાં મેં કહ્યું હતું કે કૃષિ કાયદા પાછા ખેંચવા જોઈએ.
તેમણે લખ્યું કે મારું ટ્વિટર અકાઉન્ટ બેન કરી દેવામાં આવ્યું. જ્યારે ટ્વિટર ઉપર સરકારી અકાઉન્ટ્સ સહિત કેટલાય અકાઉન્ટ્સ હતા, જેના પર આ જ ફોટો શેર કરવામાં આવ્યો, પરંતુ તેમના પર કોઈ કાર્યવાહી ન કરવામાં આવી. તેમના અકાઉન્ટ બેન નથી થયા. રાહુલ ગાંધીએ લખ્યું કે, હું તમને એક અબજથી વધારે ભારતીયો તરફથી લખી રહ્યો છું કે ટ્વિટરને ભારતના વિચારના વિનાશમાં મોહરું ન બનવા દો.
ટ્વિટર ફોલોઅર્સની ઓછી સંખ્યા અંગે રાહુલ ગાંધીના પત્રનો જવાબ આપતા ટ્વિટર પ્રવક્તાએ કહ્યું, ‘અમે ઈચ્છીએ છીએ કે દરેકને એવો વિશ્વાસ હોય કે ફોલોઅર્સની સંખ્યા અર્થપૂર્ણ અને સચોટ છે.’ Twitter તેના પ્લેટફોર્મ પર હેરફેર અને સ્પામ પ્રત્યે ઝીરો-ટોલરન્સ નીતિને અનુસરે છે. પ્રવક્તાએ કહ્યું, ‘અમે ટ્વિટર પ્લેટફોર્મ પર હેરફેર અને સ્પામિંગ માટે અમારી નીતિઓનું ઉલ્લંઘન કરવા બદલ દર અઠવાડિયે લાખો એકાઉન્ટ્સ ડિલીટ કરીએ છીએ. વધુ માહિતી માટે તમે ટ્વિટર ટ્રાન્સપરન્સી સેન્ટરની લેટેસ્ટ અપડેટ તપાસી શકો છો.’ ટ્વિટરે કહ્યું કે, સારી સેવા પ્રદાન કરવા અને વિશ્વસનીય એકાઉન્ટ્સનું સંચાલન સુનિશ્ચિત કરવા માટે સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, એટલે ફોલોઅર્સની સંખ્યામાં વધઘટ થઈ શકે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર