રાફેલ ડીલ: અત્યાર સુધી 6 વખત JPCની રચના, જે સરકારે તપાસની મજૂંરી આપી તેણે ગુમાવી છે સત્તા

રાફેલ (ફાઇલ તસવીર)

આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે જેપીસીના અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરવી પડશે.

 • Share this:
  (વિવેક આનંદ, ફર્સ્ટપોસ્ટ હિંદી)

  ન્યૂઝ18 ગુજરાતી: શુક્રવારે લોકસભામાં રાફેલ મુદ્દે ભારે હોબાળો થયો. લોકસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ ફરી એકવાર આ ડીલની તપાસ માટે જેપીસીની રચનાની માગ કરી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ખોટી એફિડેવિટ રજૂ કરી કોર્ટ અને દેશવાસીઓ સાથે દગો કર્યો છે. બીજી બાજુ, સરકાર સુપ્રીમ કોર્ટના નિર્ણયનો હવાલો આપી તપાસની માગ નકારી રહી છે.

  પ્રશ્ન એ છે કે જેપીસીની માગ પાછળ અડગ રહેવાનું કારણ શું છે? સરકાર આ માગનો સ્વીકાર કેમ નથી કરતી અને શું જેપીસીની તપાસ બાદ આ ડીલની વાસ્તવિકતા સામે આવી જશે? આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે જેપીસીના અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરવી પડશે.

  જેપીસીના ઇતિહાસ પર નજર કરતાં કેટલાક રસપ્રદ તથ્યો સામે આવે છે. મોદી સરકાર પહેલાં અત્યાર સુધી છ વાર જેપીસીની રચના થઇ છે. દર વખતે જેપીસીની રચના બાદ થયેલી ચૂંટણીમાં સરકાર વાપસી નથી કરી શકી. જે સરકારે પણ જેપીસીની માગ સ્વીકારી છે તેને સત્તા ગુમાવવી પડી છે. બોફોર્સ તોપ સોદા અંગે રચાયેલી જેપીસી પછી અત્યાર સુધી આ સિલસિલો ચાલુ છે.  1987માં બોફોર્સ કાંડ પર પહેલી જેપીસી

  ઓગસ્ટ 1987માં બોફોર્સ તોપ સોદામાં દલાલીના આરોપોની તપાસ માટે પહેલી વાર જેપીસીની રચના થઇ. રાજીવ ગાંધી સરકારમાં રક્ષા મંત્રી કેસી પંતે લોકસભામાં 6 ઓગસ્ટ, 1987માં જેપીસીનો પ્રસ્તાવ મૂક્યો. જે બાદ 12 ઓગસ્ટે રાજ્યસભાએ પણ મંજૂરી આપી દીધી. સરકારે કોંગ્રેસના નેતા બી શંકરાનંદની ચેરમેનશિપ હેઠળ જેપીસીની રચના કરી હતી.

  બોફોર્સ તાપસ મામલે રચાયેલી જેપીસીએ કોંગ્રેસ સરકારને દલાલીના તમામ આરોપોમાંથી મૂક્ત કરી હતી. જેની સામે સવાલો ઊભા કરી વિપક્ષે સંસદમાં આ તપાસ રિપોર્ટ સ્વીકારનો ઇનકાર કર્યો હતો.

  1992માં હર્ષદ મેહતાના શેર માર્કેટ કૌભાંડ મુદ્દે બીજી જેપીસી

  શેર માર્કેટ કૌભાંડના માસ્ટરમાઇન્ડ હર્ષદ મેહતાએ કહ્યું હતું કે, આ મામલે બચવા માટે તેણે તત્કાલીન વડાપ્રધાન નરસિમ્હા રાવને પાર્ટી ફંડના નામે એક કરોડ રૂપિયા આપ્યા હતા. જેની તપાસ માટે 1992માં રામનિવાસ મિર્ધાની ચેરમેનશિપમાં જેપીસીની રચના કરાઇ હતી. જોકે, તેના રિપોર્ટનો સ્વીકાર કરવામાં આવ્યો નહતો. જે બાદ 96માં થયેલી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી.

  2001માં કેતન પારેખ શેર કૌભાંડ મામલે ત્રીજી જેપીસી

  એપ્રિલ 2001માં કેતન પારેખના શેર કૌભાંડ મામલે ત્રીજી જેપીસીની રચના કરાઇ હતી. ભાજપના સીનિયર નેતા પ્રકાશ મણિ ત્રિપાઠીને જેપીસીના ચેરમેન નિયુક્ત કરવામાં આવ્યા હતા. 105 વખત મળેલી કમિટીની બેઠક બાદ 19 ડિસેમ્બર, 2002માં રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો. જેપીસીએ શેર માર્કેટમાં નિયમોમાં ફેરફાર અંગે કેટલાક પ્રસ્તાવ આપ્યા હતા. જેમાંથી કેટલાક પ્રસ્તાવોમાં ફેરફાર કરી સરળ કરાયા હતા.

  2003માં સોફ્ટ ડ્રિંક્સમાં પેસ્ટિસાઇડ્સ મામલે ચોથી જેપીસી

  2003માં વાજપેયી સરકારમાં જ સોફ્ટ ડ્રિંક્સમાં પેસ્ટિસાઇડ્સની તપાસ મામલે જેપીસીની રચના કરાઇ હતી. એનસીપી અધ્યક્ષ શરદ પવારને કમિટીના ચેરમેન બનાવવામાં આવ્યા હતા. 17 બેઠકો બાદ 4 ફેબ્રુઆરી, 2004માં સંસદમાં રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો. જેમાં માનવામાં આવ્યું કે સોફ્ટ ડ્રિંક્સમાં નક્કી માત્રા કરતાં વધુ પ્રમાણમાં પેસ્ટિસાઇડ્સ ભેળવાય છે. જે અંગે કેટલાક કડક પ્રસ્તાવો પણ મૂકવામાં આવ્યા હતા, જેનું આજ સુધી અમલ થયું નથી. વાજપેયી સરકારમાં બે વાર જેપીસીની રચના થઇ. જે બાદ 2004માં થયેલી ચૂંટણીમાં ભાજપ સરકાર વાપસી ન કરી શકી.  2011માં રજી સ્પેક્ટ્રમ કેસ માટે પાંચમી જેપીસી

  યુપીએ-2 દરમિયાન મનમોહન સિંહ સરકારની સરકારમાં 2જી સ્પેક્ટ્રમ કૌભાંડ સામે આવ્યું હતું. જેની તપાસ માટે કોંગ્રેસના નેતા પીસી ચાકોની ચેરમેનશિપમાં જેપીસીની રચના થઇ હતી. જેમાં 15 સભ્યો કોંગ્રેસના અને 15 સભ્યો ભાજપ, જેડીયુ, સીપીઆઇ, સીપીએમ, બીજેડી સહિત પાર્ટીઓના સાંસદો હતા. જેપીસીના રિપોર્ટમાં તત્કાલીન વડાપ્રધાન મનમોહન સિંહ અને નાણા મંત્રી પી ચિદમ્બરમને ક્લિનચીટ આપવમાં આવી હતી. જ્યારે રિપોર્ટ ગોટાળો કરવા માટે ટેલીકોમ મંત્રી એ રાજાને જવાબદાર ગણાવવામાં આવ્યા. વિપક્ષે જેપીસીના રિપોર્ટનો સ્વીકાર કરવાનો ઇનકાર કર્યો હતો.  2013માં વીવીઆઇપી ચોપર કૌભાંડ મુદ્દે છઠ્ઠી જેપીસી

  2013માં વીવીઆઇપી ચોપર માટે અગસ્તા વેસ્ટલેન્ડ કંપની સાથે થયેલી ડીલમાં કૌભાંડ મામલે 27 ફેબ્રુઆરી, 2013માં જેપીસીની રચનાની જાહેરાત કરાઇ હતી. વિપક્ષ દ્વારા આ મામલે સુપ્રીમ કોર્ટના દિશા નિર્દેશ પ્રમાણે તપાસ કરાવવાની માગ કરાઇ હતી. મનમોહન સિંહના બીજા કાર્યકાળ એટલે યુપીએ-2માં 2 વખત જેપીસીની રચના થઇ. જે બાદ 2014માં થયેલી ચૂંટણીમાં કોંગ્રેસે સત્તા ગુમાવી હતી.
  Published by:Azhar Patangwala
  First published: