Quad summit: ચીન કરે છે 95% ગેરકાયદે માછીમારી, ડ્રેગનના કાફલા પર ક્વાડ લગાવશે લગામ
Quad summit: ચીન કરે છે 95% ગેરકાયદે માછીમારી, ડ્રેગનના કાફલા પર ક્વાડ લગાવશે લગામ
ક્વાડ દેશોએ ગેરકાયદે ફિશિંગ બાબતે ચીન પર ભરડો કસવાની તૈયારી કરી છે
Indo-Pacific - ક્વાડની બેઠક દરમિયાન ચારેય દેશો સંયુક્ત રીતે સમુદ્રી દેખરેખ માટે કાર્યક્રમ શરૂ કરશે. તેનો હેતુ ચીન દ્વારા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મોટા પાયે થતી ગેરકાયદે ફિશિંગને રોકવાનો છે
નવી દિલ્હી : ઈન્ડો-પેસિફિક ક્ષેત્ર (Indo-Pacific)માં ચીન (China)ની મનમાની અને આક્રમક ગતિવિધિઓને રોકવા માટે હવે અમેરિકા (US), જાપાન (Japan), ભારત (India) અને ઓસ્ટ્રેલિયા (Australia)ના ખાસ જૂથ ક્વાડે નવી યોજના અમલમાં મૂકવાનો નિર્ણય લીધો છે. ક્વાડ (Quad summit)ની નિર્ણાયક બેઠક માટે જાપાનમાં નેતાઓ એકઠા થવા લાગ્યા છે. વડાપ્રધાન મોદી પણ ટોક્યો પહોંચી ગયા છે. અહીં તેઓ મંગળવારે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન, જાપાનના પીએમ ફુમિયો કિશિદા અને ઓસ્ટ્રેલિયાના નવનિયુક્ત પીએમ એન્થની અલ્બાનીઝ સાથે શિખર સંમેલનમાં ભાગ લેશે.
ક્વાડની બેઠક દરમિયાન ચારેય દેશો સંયુક્ત રીતે સમુદ્રી દેખરેખ માટે કાર્યક્રમ શરૂ કરશે. તેનો હેતુ ચીન દ્વારા ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં મોટા પાયે થતી ગેરકાયદે ફિશિંગને રોકવાનો છે. આ મિકેનિઝમ શા માટે જરૂરી છે અને ચીન અન્ય દેશોના વિસ્તારમાં ઘૂસણખોરી કરીને માછલીઓ પકડીને તેમને કઈ રીતે મોટી હાનિ પહોંચાડી રહ્યું છે? તે સમજવું જરૂરી છે.
લાખો લોકોની આજીવિકા પર ખતરો
ઇન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ અનુસાર, ગેરકાયદે માછીમારી લાખો લોકોની આજીવિકા અને ખાદ્ય સુરક્ષા પર ગંભીર ખતરો છે. યુનાઇટેડ નેશન્સના ફૂડ એન્ડ એગ્રિકલ્ચર ઓર્ગેનાઇઝેશન (FAO) ના અહેવાલ અનુસાર, વિશ્વભરમાં લગભગ 3.3 અબજ લોકોને પ્રાણીઓ પાસેથી મળતા પ્રોટીનમાંથી 20 ટકા પ્રોટીન માછલીઓમાંથી મળે છે. આશરે 6 કરોડ લોકો માછીમારી અને જળ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે.
પાઇરેસી કરતાં પણ મોટો ખતરો ગેરકાયદે માછીમારી
ગેરકાયદે ફિશિંગને કારણે થયેલ આર્થિક નુકસાનનો ચોક્કસ અંદાજ લગાવવો મુશ્કેલ છે. પરંતુ કેટલાક અંદાજો સૂચવે છે કે, તેનાથી દર વર્ષે 20 અબજ ડોલરનું નુકસાન થાય છે. આ સંકટ ભયાનક હોવાનું અમેરિકા પણ સ્વીકારે છે. 2020માં અમેરિકાના કોસ્ટ ગાર્ડે કહ્યું હતું કે, ગેરકાયદે માછીમારી હવે ચાંચિયાગીરી કરતાં પણ મોટો ખતરો બની ગયો છે. માત્ર ઈન્ડો-પેસિફિકમાં જ નહીં, બાકીના વિસ્તારમાં પણ જો મત્સ્યઉદ્યોગનો વિનાશ થાય તો દરિયાકાંઠાના અનેક દેશોની અર્થવ્યવસ્થા જોખમમાં મુકાઈ શકે છે. માનવ તસ્કરી, ડ્રગ સંબંધિત ગુનાઓ અને આતંકવાદી ઘટનાઓનું પ્રમાણ વધી શકે છે.
ગેરકાયદે માછીમારીને ડ્રેગન દ્વારા અપાતા પ્રોત્સાહન અંગે 2021ના IUU ફિશિંગ ઇન્ડેક્સમાં દર્શાવવામાં આવ્યું છે. એક્સપ્રેસના જણાવ્યા અનુસાર નિયમો તોડવાના મામલામાં ચીન 152 તટીય દેશોની યાદીમાં ટોચ પર છે. ચીનને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં 80 ટકાથી 95 ટકા ગેરકાયદેસર માછીમારી માટે જવાબદાર માનવામાં આવે છે. પોતાની રોજીંદી જરૂરિયાતો પૂરી કરવા માટે ચીન બહોળા પ્રમાણમાં માછલીઓ પકડી રહ્યું છે, જેના પરિણામે માછલીઓની અછત ઊભી થઈ છે. તેથી હવે તે પોતાની બોટને દૂર-દૂર સુધી મોકલે છે અને ફિશિંગ કરે છે. આ કામ માટે તે સબસિડી પણ આપતું હોવાનું મનાય છે.
ચીન પાસે જહાજોનો સૌથી મોટો કાફલો
વૈશ્વિક થિંકટેન્ક વન-ડેના મત મુજબ, ચીન પાસે માછીમારી માટે વિશ્વમાં જહાજોનો સૌથી મોટો કાફલો છે. તેની પાસે દૂર-દૂર સુધી માછીમારી (ડીડબ્લ્યુએફ) માટે 17,000થી વધુ જહાજો છે. આ જહાજો એક સાથે મોટા પ્રમાણમાં માછલીઓ પકડી શકે છે. એક્સપ્રેસના અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, ચીન આ જહાજોનો ઉપયોગ નબળા દેશોના માછીમારી માટેના જહાજોને ધમકાવવા અને તેમનો વ્યૂહાત્મક પ્રભાવ બતાવવા માટે પણ કરે છે. ચીનના કાફલાની ઘણા વિકાસશીલ દેશોમાં પણ બહોળી હાજરી છે. 2019 અને 2020માં દૂર દૂર સુધી માછીમારી કરતા ચીનના કાફલાએ આફ્રિકા, એશિયા અને દક્ષિણ અમેરિકાના 29 આર્થિક ઝોન પર પણ તરાપ મારી હતી.
જાસૂસી માટે પણ કરે છે ઉપયોગ
ઘણી વખત આ ફિશિંગ બોટના બહાને ચીનની નેવી પોતાના સર્વેલન્સ જહાજોને અન્ય દેશોની જાસૂસી કરવા માટે પણ મોકલે છે. આ સર્વેલન્સ જહાજો સંપૂર્ણપણે ચીની સેનાના નિયંત્રણમાં રહે છે. છેલ્લા ત્રણ વર્ષમાં ઘણી વખત દક્ષિણ કોરિયા અને ઇક્વાડોરની સરહદોમાં ચીનની 300-500 ફિશિંગ બોટ એકસાથે જોવા મળી હોવાના કેસ નોંધાયા છે. ઇક્વાડોરે તો એવી ફરિયાદ પણ કરી હતી કે, ચીની જહાજો તેના એક્સક્લુઝિવ ઇકોનોમિક ઝોનમાં મોનિટરિંગ કરી રહ્યા છે.
ક્વાડ દેશોએ ગેરકાયદે ફિશિંગ બાબતે ચીન પર ભરડો કસવાની તૈયારી કરી છે. ફાઇનાન્સિયલ ટાઇમ્સે અમેરિકાના અધિકારીને ટાંકીને જણાવ્યું છે કે, હિંદ મહાસાગરથી દક્ષિણ પ્રશાંત સાગર સુધી ચીનની ગેરકાયદે માછીમારીને રોકવા માટે સેટેલાઇટ ટેક્નોલોજીનો ઉપયોગ કરીને ટ્રેકિંગ સિસ્ટમ બનાવવામાં આવશે. આ માટે સિંગાપોર અને ભારતમાં સર્વેલન્સ સેન્ટરોને જોડવામાં આવશે. આનો ફાયદો એ થશે કે જો ફિશિંગ બોટ તેના ટ્રાન્સપોન્ડરને બંધ કરી દેશે તો પણ તેમને ટ્રેક કરી શકાશે. ક્વાડ દેશોના આ પગલાને પેસિફિક સમુદ્રમાં નાના દેશો પર ચીનના વધતા પ્રભાવને ઘટાડવાની કવાયત તરીકે પણ જોવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર