ટોક્યો : જાપાન (Japan)ની રાજધાની ટોક્યોમાં મંગળવારે ક્વાડ સમિટ (Quad Summit)નું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમિટ બાદ ભારત-અમેરિકા (India America)એ દ્વિપક્ષીય બેઠક યોજી હતી અને બેઠક પહેલા જો બાઇડેને (Joe Biden)પીએમ મોદી (PM Narendra Modi)ના વખાણ કર્યા હતા, તેમણે કહ્યું હતું કે, મોદીએ કોરોના સંકટને સારી રીતે સંભાળ્યું હતું, પરંતુ ચીન મહામારીને પહોંચી વળવામાં નિષ્ફળ રહ્યું હતું.
આ બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ભારત અને અમેરિકા વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી ખરા અર્થમાં વિશ્વાસની ભાગીદારી છે. ઘણાં ક્ષેત્રોમાં આપણા સમાન હિતોએ વિશ્વાસના આ સંબંધને મજબૂત કર્યો છે. આપણી વચ્ચે વેપાર અને રોકાણ પણ સતત વિસ્તરી રહ્યું છે. જોકે તે આપણી તાકાતથી ઘણું ઓછું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ સાથે ભારત-યુએસએ ઇન્વેસ્ટમેન્ટ ઇન્સેન્ટિવ એગ્રીમેન્ટમાં રોકાણ ક્ષેત્રે વધારો થવાનો આશાવાદ વ્યકત કર્યો હતો. બાઇડેને કહ્યું હતું કે, બંને દેશો સાથે મળીને ઘણું કરી શકે છે અને કરશે. હું અમેરિકા-ભારતની ભાગીદારીને વધુ મજબૂત કરવા માટે પ્રતિબદ્ધ છું.
બાઇડેને વધુમાં કહ્યું કે, પીએમ મોદીની સફળતાએ દુનિયાને બતાવ્યું છે કે લોકશાહી કેટલી સફળતાપૂર્વક કાર્ય કરી શકે છે. ચીન અને રશિયા જેવા નિરંકુશ શાસન વિશ્વને વધુ સારી રીતે સંભાળી શકે તે માન્યતાનો તેમણે ભંગ કર્યો છે. આ પહેલા ક્વાડ સમિટમાં બોલતા પીએમ મોદીએ કહ્યું હતું કે, ક્વાડની સફળતા પાછળ તમામ સહયોગીઓની વફાદારી છે. કોરોના સમયે આપણે બધાએ સાથે મળીને સપ્લાય ચેઇન દ્વારા કોરોનાનો સામનો કરવા માટે તમામ પ્રયત્નો કર્યા હતા. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સુરક્ષા આપણા સૌની પ્રથમ પ્રાથમિકતા છે. ક્વાડએ ખૂબ જ ઓછા સમયમાં એક મહત્વપૂર્ણ ઓળખ પ્રાપ્ત કરી લીધી છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું કે ચીન ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં સતત પડકાર ઉભુ કરી રહ્યું છે. તેમણે યુક્રેન યુદ્ધ માટે રશિયાને જવાબદાર ઠેરવ્યું હતું. બાઇડેને કહ્યું કે રશિયા યુદ્ધ સમાપ્ત કરવાના મૂડમાં નથી. જાપાનના પીએમ ફુમિયો કિશિદાએ કહ્યું કે, યુક્રેન પર રશિયાનો હુમલો સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટરની વિરુદ્ધ છે.
અહી ઉલ્લેખનીય છે કે, ટોક્યોમાં ચાલી રહેલી ક્વાડ સંમેલનનો અંત આવી ગયો છે. આ બેઠક લગભગ બે કલાક સુધી ચાલી હતી. આ બેઠકમાં રશિયા-યુક્રેન યુદ્ધથી લઇને ચીનની તાનાશાહી જેવા મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. તમામ દેશો ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ સ્થાપવા માટે કટિબદ્ધ થયા હતા. ક્વાડ મિટિંગ દરમિયાન ઓસ્ટ્રેલિયાના નવા વડા પ્રધાન એન્થોની અલ્બેનિઝને આવતા વર્ષે ક્વાડ સમિટનું આયોજન કરવાની ઓફર કરી હતી.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર