પંજાબી સિંગર નવજોતની હત્યા, બદમાશોએ પાંચ ગોળી ધરબી દીધી

નવજોતની ફાઇલ તસવીર

 • Share this:
  પંજાબી સિંગર નવજોત પર 27મી મેના રોજ મોડી રાત્રે અજાણ્યા બદમાશોએ ફાયરિંગ કર્યું હતું. આ હુમલામાં નવજોતનું મોત થયું છે. ચંદીગઢ પોલીસના જણાવ્યા પ્રમાણે નવજોતનો મૃતદેહ બસ્સી-બરવાળા રોડ પર તેમના ગામ નજીક આવેલા એક પ્લેટમાંથી મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો છે કે નવજોતને સામેથી પાંચ ગોળી મારવામાં આવી હતી. તમામ ગોળીઓ તેના શરીરમાંથી આરપાર નીકળી ગઈ હતી. પોલીસ આ કેસમાં હત્યાનો ગુનો દાખલ કર્યો છે.

  પ્રાથમિક તપાસ બાદ પોલીસનું કહેવું છે કે આ હત્યા પાછળ લૂંટનો કોઈ ઇરાદો ન હતો. કારણ કે નવજોતના ગળામાં સોનાની ચેન અને હાથમાં કડુ સલામત છે. સાથે જ તેનું પર્સ પણ છેડછાડ કર્યા વગર મળી આવ્યું છે. પોલીસના જણાવ્યા પ્રમાણે નવજોતે તાજેતરમાં જ કારકિર્દીની શરૂઆત કરી હોવાથી આ ખંડણીનો કેસ પણ ન હોઈ શકે.

  ઓળખ જાહેર ન કરવાની શરતે નવજોતના એક પિતરાઈએ કહ્યું હતું કે સાંજે આશરે 6 વાગ્યે નવજોત એક મહિલા સાથે અંબાલા રોડ પર એક રેસ્ટોરાંમાં જોવા મળ્યો હતો. પોલીસ હવે આ એંગલથી તપાસ કરી રહી છે. આ ઉપરાંત રવિવારે રાત્રે નવજોતને મળવા આવેલા પાંચ લોકોની પણ પૂછપરછ કરવામાં આવી રહી છે.

  નવજોત તેના મિત્રોને મળવા માટે રવિવારે સાંજે 4 વાગ્યે પંચકુલાથી નીકળ્યો હતો. બાદમાં તેણે રાત્રે 11.15 વાગ્યે તેની માતાને ફોન કર્યો હતો અને ડીનરમાં શું બનાવ્યું છે તેની પૂછપરછ કરી હતી. નવજોતે પોતે પાંચ જ મિનિટમાં ઘરે પહોંચી રહ્યો હોવાનું જણાવ્યું હતું. જોકે, બાદમાં તે ઘરે પહોંચ્યો જ ન હતો.

  નવજોતના પરિવારને તેની કાર એક ફેક્ટરી પાસેથી મળી આવી હતી. કારનો પાછળનો દરવાજો ખુલ્લો હતો. તેનો મૃતદેહ પણ આસપાસમાંથી જ મળી આવ્યો હતો. મ્યુઝિકમાં કારકિર્દી બનાવવા મહેનત કરી રહેલા નવજોતના બે ગીત રિલિઝ થઈ ચુક્યા હતા, બહુ ઝડપથી તે પોતાનું એક આલ્બમ રિલિઝ કરવા જઈ રહ્યો હતો.
  Published by:Vinod Zankhaliya
  First published: