ચંદીગઢ: પંજાબમાં છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલી રાજનીતિક ખેંચતાણ બાદ સોમવારે સ્થિતિ 'સામાન્ય' થઈ ગઈ છે. કૉંગ્રેસ નેતા ચરણજીતસિંહ ચન્ની (Charanjit Singh Channi)એ મુખ્યમંત્રી પદના અને સખવિંદરસિંહ રંધાવા (Sukhjinder Randhawa) અને ઓ.પી. સોની (Om Parkash Soni)એ નાયબ મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. આ કાર્યક્રમમાં કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi), પંજાબ પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધૂ અને હરીશ રાવત હાજર રહ્યા હતા. મળેલી જાણકારી પ્રમાણે કાર્યક્રમમાં 40 લોકોને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પંજાબના રાજ્યપાલ બનવરીલાલ પુરોહિતે (Punjab Governor Banwarilal Purohit) રાજભાવનમાં આયોજિત એક સમારંભમાં ચન્નીએ શપથ લીધા હતા. ચન્ની સાથે બે નાયબ મુખ્યમંત્રીએ શપથ લીધા છે. ચન્ની રાજ્યમાં સીએમ પદ સંભાળનાર પ્રથમ દલિત નેતા છે.
58 વર્ષીય ચન્નીના મુખ્યમંત્રી પદના શપથ લેવાના અડધા કલાક પહેલા જ ઓ.પી. સોનાનું નામ સામે આવ્યું હતું. આ પહેલા બ્રહ્મ મોહિન્દ્રાનું નામ ચગ્યું હતું. દાવો કરવામાં આવ્યો હતો કે તેઓ ચન્ની સાથે શપથ લેશે. કેપ્ટન અરમીન્દરે (Captain Amarinder Singh) રાજીનામું આપ્યા બાદ શનિવારે કૉંગ્રેસ વિધાયક દળની બેઠક મળી હતી. જેમાં સર્વસંમતિથી કૉંગ્રેસના વચગાળાના અધ્યક્ષા સોનિયા ગાંધી (Sonia Gandhi)ને નેતાની પસંદગી કરવાનો અધિકાર આપવામાં આવ્યો હતો.
પંજાબમાં 34%થી વધારે દલિત સમાજ પાસે વોટ બેંક અને 34 અનામત બેઠક છે. ભાજપા આગામી ચૂંટણીમાં પહેલા જ દલિત નેતાને મુખ્યમંત્રી પદનો ચહેરો બનાવવાની જાહેરાત કરી ચૂકી છે. બીજી તરફ શિરોમણી અકાલી દળે પણ બહુજન સમાજ પાર્ટી સાથે રાજકીય ગઠબંધન કરીને એક દલિત મુખ્યમંત્રી (Dalit CM) બનાવવાનો નિર્ણય કર્યો છે. કૉંગ્રેસે ચરણજીત ચન્નીને મુખ્યમંત્રી તરીકે જાહેર કરીને વિપક્ષને ઝટકો આપવાનો પ્રયાસ કર્યો છે.
રામદાસિયા શીખ સમુદાયમાંથી આવેલા ચન્ની પંજાબની ચમકૌર સાહિબ વિધાનસભાના ધારાસભ્ય છે. કેપ્ટનની કેબિનેટમાં ટેકનિકલ શિક્ષણ અને ઔદ્યોગિક તાલીમ મંત્રી રહેલા ચન્નીનું નામ ધારાસભ્યો અને નિરીક્ષકોની એક દિવસની બેઠકમાં નક્કી કરવામાં આવ્યું હતું. ચમકૌરથી ત્રીજી વખત ધારાસભ્ય બનેલા ચન્ની 2015-2016 સુધી પંજાબ વિધાનસભામાં વિપક્ષના નેતા હતા. રાહુલની નજીક માનવામાં આવતા ચન્ની 2007માં પ્રથમ વખત ચમકૌર વિધાનસભા બેઠક પરથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ચરણજીત સિંહ ચન્ની કેપ્ટન અમરિંદર સિંહના કટ્ટર વિરોધી રહ્યા છે.
Congratulations to Shri Charanjit Singh Channi Ji on being sworn-in as Punjab’s Chief Minister. Will continue to work with the Punjab government for the betterment of the people of Punjab.
પંજાબના નવા વરાયેલા મુખ્યમંત્રીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ લખ્યું છે કે, 'પંજાબ અને પંજાબના લોકોના ભલા માટે અમે પંજાબ સરકાર સાથે મળીને કામ કરવાનું ચાલુ રાખીશું.'
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર