નીરવ મોદી 'ફ્રેન્ડ', મેહુલ ચોકસી 'અંકલ', PNBના કર્મીઓએ રાખ્યા હતા કોડવર્ડ

લેટર ઓફ અન્ડરટેકિંગ માટે 'પ્રોપર્ટી' કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

લેટર ઓફ અન્ડરટેકિંગ માટે 'પ્રોપર્ટી' કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

 • Share this:
  નીરવ મોદીએ પંજાબ નેશનલ બેંક સાથે કરેલા રૂ. 11, 384 કરોડના ગોટાળાની તપાસ સીબીઆઈ કરી રહી છે. સીબીઆઈએ આ મામલે નીરવ મોદીની ફાઈવસ્ટાર ડાયમંડ કંપનીના પાંચ અધિકારીઓની ધરપકડ કરી છે. સીબીઆઈ(સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેસન) અને ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) આ કેસમાં સતત નીરવ મોદીના શોરૂમ્સ અને મેહુલ ચોકસીના ગીતાંજલી ડાયમન્ડ્સના વિવિધ ઠેકાણે દરોડા પાડી રહી છે.

  ત્યારે તપાસ એજન્સીઓની તપાસમાં એ વાત સામે આવી છે કે પીએનબીના કર્મચારીઓ નીરવ મોદી અને મેહુલ ચોકસીને લઈને કોડવર્ડમાં વાતચીત કરતા હતા. પૂછપરછ દરમિયાન કર્મચારીઓએ જણાવ્યું હતું કે નીરવ મોદી માટે કર્મચારીઓએ 'ફ્રેન્ડ' એટલે કે મિત્ર અને તેના મામા મેહુલ ચોકસી માટે 'અંકલ' એટલે કે કાકાનો કોડવર્ડ રાખ્યો હતો. આ ઉપરાંત લેટર ઓફ અન્ડરટેકિંગ માટે 'પ્રોપર્ટી' કોડવર્ડનો ઉપયોગ કરવામાં આવતો હતો.

  આ કર્મચારીઓ એલઓયૂની કિંમત માટે 'અમાઉન્ટ ઓફ પ્રોપર્ટી' (સંપત્તિની કિંમત), લાંચ માટે 'પ્રોપર્ટી ઓન કમિશન', ઓવરસિઝ ઇમ્પોર્ટર લોકેશન માટે 'પ્રોપર્ટી ઓન લોકેશન' અને એજન્ટ માટે 'બેંક ક્લર્ક' જેવા કોડવર્ડ્સનો ઉપયોગ કરતા હતા.

  નોંધનીય છે કે પીએનબી આ કેસમાં ફરિયાદ નોંધાવે તે પહેલા જ નીરવ મોદી અને મેહુલ ચોકસી જાન્યુઆરીમાં જ દેશ છોડીના વિદેશ ભાગી ગયા છે.

  નીરવ મોદીએ તમામ કર્મચારીઓને હટાવ્યા, કહ્યું- 'બીજી નોકરી શોધી લો'

  પીએનબી ફ્રોડના આરોપી નીરવ મોદીએ પોતાના તમામ કર્મચારીઓને હટાવી દીધા છે. CNBC TV18ને મળેલી માહિતા પ્રમાણે નીરવ મોદીએ પોતાના કર્મચારીઓને કહી દીધું છે કે તેઓ ફેબ્રુઆરીના અંત સુધીમાં રિલીવિંગ લેટર લઈ લે.

  નીરવ મોદીએ પોતાના કર્મચારીઓને લખેલા એક ઇ-મેઇલમાં લખ્યું છે કે, 'તમે બીજી નોકરી શોધી લો. અમે તમારી બાકી રકમ ચુકવવા માટે સમર્થ નથી.' નીરવે એવું પણ લખ્યું છે કે તેઓ દેશભરમાં આવેલા તેના શૌરૂમ્સ બંધ કરી રહ્યા છે.

  નીરવ મોદી ભારત પરત ફરશેઃ વકીલ

  પીએનબી સ્કેમમાં બુધવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી બાદ નીરવ મોદીના વકીલ વિજય અગ્રવાલે કહ્યું કે, 'તેમના અસીલ ભારત પરત ફરશે. પરંતુ એ માટે જરૂર છે કે તેમને વિશ્વાસ અપાવવામાં આવે કે કેસની યોગ્ય રીતે તપાસ થશે.'

  આર્થિક ગુનાઓના કેસના નિષ્ણાત એડ્વોકેટ વિજય અગ્રવાલે કહ્યું કે, 'તેમને (નીરવ મોદી)' તપાસ પ્રક્રિયા પર શંકા છે. આ કેસમાં અમુક લોકોની કોઈ કારણ વગર ધરપકડ કરવામાં આવી છે. નીરવ મોદી એ શરત પર જ ભારત આવશે કે સરકાર તેમને પૂરો વિશ્વાસ અપાવે કે આખા કેસની તપાસ નિષ્પક્ષ રીતે કરવામાં આવશે. હાલમાં તેઓ ભારતમાં નથી.'

  તેમણે કહ્યું, 'દરેક વ્યક્તિ પોતાની જાતને બચાવે છે. તેઓ પણ એ જ કરી રહ્યા છે. હું સતત તેમના સંપર્કમાં છું. ચાર્જશીટમાં માલુમ પડી જશે કે આખરે આ આખો મામલો શું છે.'

  વિજય અગ્રવાલે વધુમાં કહ્યું કે, 'સીબીઆઈએ અનેક કેસની તપાસ કરી છે. બાદમાં શું થયું? બોફોર્સ અને 2જીના દાખલા તમારી સામે જ છે. જો તપાસ એજન્સી બધુ સીઝ કરે દેશે તો નીરવ મોદી પંજાબ નેશનલ બેંકને શું જવાબ આપશે? કર્મચારીઓનો પગાર ક્યાંથી થશે?'
  Published by:Vinod Zankhaliya
  First published: