પુણે: મહારાષ્ટ્રમાં એક યુવતીએ ડેટિંગ એપ (Dating app)ના માધ્યમથી એક નહીં પરંતુ 16 યુવકોને ફસાવ્યા હતા. પોલીસે આ યુવતીની ધરપકડ કરી લીધી છે. રસપ્રદ વાત તો એ છે કે પોલીસે યુવતીને પકડવા માટે તેના જેવી જ યુક્તિ વાપરી હતી. પુણેના પિંપરી ચિંચવડ પોલીસે બે દિવસ પહેલા યુવતીને તેના ઘરેથી પકડી પાડી હતી. પોલીસે યુવતી સુધી પહોંચવા માટે ખાસ પ્લાન બનાવ્યો હતો. અહીં એક રસપ્રદ વાત એક પણ છે કે યુવતીએ 16 યુવક ઉપરાંત ત્રણ યુવતીને પણ પોતાની પ્રેમજાળમાં ફસાવીને લૂંટી લીધી હતી. યુવતી પ્રેમજાળમાં ફસાવ્યા બાદ યુવકોને મળવા માટે હોટલમાં બોલાવતી હતી. અહીંથી જ લૂંટનો ખેલ શરૂ થતો હતો.
આજતકમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલ પ્રમાણે 27 વર્ષની યુવતીએ 16 જેટલા યુવકોને પોતાની પ્રેમજાળમાં ફસાવ્યા હતા. જે બાદમાં તેમની પાસેથી સોનાના ઘરેણા અને રૂપિયા પડાવી લીધા હતા. પોલીસના કહેવા પ્રમાણે એક ડેટિંગ એપના માધ્યમથી આ મહિલા ભટકી ગયેલા યુવકોને શિકાર બનાવતી હતી.
યુવકોને હોટલ બોલાવતી હતી
પોલીસના કહેવા પ્રમાણે ડેટિંગ એપ મારફતે યુવકના સંપર્કમાં આવ્યા બાદ યુવતી આવા યુવકોને હૉટલમાં રાત વિતાવવા માટે બોલાવતી હતી. જે બાદમાં શરાબમાં ઊંઘની ગોળી નાખીને પીવડાવી દેતી હતી. યુવક બેભાન થયા બાદ તેની સોનાની ચેન, વિંટી, રોકડ અને મોબાઇલ સહિતની કિંમતી વસ્તુઓ લઈને ફરાર થઈ જતી હતી. કોઈ પુરાવો ન મળે તે માટે યુવતી પીડિત યુવકના મોબાઇલમાંથી ડેટિંગ એપ ડિલિટ કરી દેતી હતી. બાદમાં ફોનને નષ્ટ કરી દેતી હતી અથવા ફેંકી દેતી હતી.
પોલીસનું કહેવું છે કે યુવતી ખૂબ ભણેલી-ગણેલી છે. તેણીએ સારી સારી કંપનીઓમાં નોકરી પણ કરી છે, પરંતુ ખરાદ આદતોને કારણે તેણીને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવી હતી. ફરિયાદ કરનાર યુવકો પાસે ફક્ત ડેટિંગ એપનું નામ અને કોઈ યુવતીએ તેમને ફસાવ્યા છે એટલી જ માહિતી હતી. આથી યુવતી સુધી પહોંચવા માટે પોલીસે ખૂબ મહેનત કરવી પડી હતી.
પોલીસે આ ડેટિંગ એપ મારફતે યુવતીની ઓળખ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એપ પર તેની ઓળખ, મોબાઇલ નંબર કે ઘરનું સરનામું ન હતું. આથી પોલીસે યુવતી સુધી પહોંચવા માટે પ્લાન બીનો ઉપયોગ કર્યો હતો. પોલીસે એક ગ્રાહક બનીને યુવતીને અલગ અલગ ઑફર આપી હતી. જોકે, સામેથી કોઈ જવાબ મળી રહ્યો ન હતો. આ દરમિયાન પોલીસને માલુમ પડ્યું કે ડેટિંગ એપ પર યુવતીના અલગ અલગ ચાર એકાઉન્ટ છે. જેમાંથી એક એકાઉન્ટમાં તેણીએ પોતાને સમલૈંગિક હોવાનું લખ્યું છે.
જે બાદમાં પોલીસે એક છોકરીના નામે એકાઉન્ટ બનાવ્યું હતું અને યુવતીને દોસ્તીની ઑફર કરી હતી. મહિલાનું એકાઉન્ટ જોઈને યુવતી દોસ્તી માટે તૈયાર થઈ ગઈ હતી. બંને વચ્ચે વાતચીત થવા લાગી હતી. મોબાઇલ નંબરની આપ-લે પણ થઈ હતી. પોલીસને જેવો યુવતીનો મોબાઇલ નંબર મળ્યો કે એક ટીમ તેના ઘરે પહોંચી ગઈ હતી. પૂછપરછ દરમિયાન યુવતીએ સ્વીકાર કર્યો છે કે તેણીએ 16 યુવક અને ત્રણ યુવતીને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ લૂંટી લીધા છે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર