પુના : પુના શહેરના એક 12 વર્ષના કિશોરે એક એવી શીપ તૈયાર કરી હોવાનો દાવો કર્યો છે, જે સમુદ્રને સ્વચ્છ રાખવામાં મદદ કરશે. આનાથી સમુદ્રી જીવસૃષ્ટીને બચાવવામાં મદદ મળશે. હાઝીક કાઝીએ તેની શિપને Ervis નામ આપ્યું છે. કાઝી તેનો આ આઇડિયા TedEx અને Ted8 જેવા આતંરરાષ્ટ્રીય સ્તર પર પણ રજુ કરી ચુક્યો છે.
"મેં અમુક દસ્તાવેજ વાંસ્યા હતા. જેનાથી મને માલુમ પડ્યું હતું કે સમુદ્રની જીવસૃષ્ટિને કચરાને કારણે ખૂબ નુકસાન થઈ રહ્યું છે. મને લાગ્યું હતું કે મારે આ દીશામાં કંઇક કરવું જોઈએ. આપણે જે માછલીને ખાઈએ છીએ તે દરિયામાં ઠાલવવામાં આવતું પ્લાસ્ટિક ખાય છે. અંતે આપણે જ પ્લાસ્ટિક ખાઈએ છીએ એવું થાય છે. આ માટે જ મે Ervis બનાવ્યું છે." ન્યૂઝ એજન્સી એએનઆઈ સાથે વાતચીત કરતા કાઝીએ આ વાત કરી હતી.
કાઝીએ ડિઝાઇન કરેલી બોટ સમુદ્રનું પાણી અંદર ખેંચે છે, બાદમાં સમુદ્રી જીવસૃષ્ટી અને કચરાને અલગ અલગ કરવામાં આવે છે. કાઝીએ જણાવ્યું હતું કે, પાણી બોટમાં ખેંચ્યા બાદ સમુદ્રના જીવો અને પાણીને પરત દરિયામાં નાખવામાં આવે છે, જ્યારે કચરાને અલગ તારવી લેવામાં આવે છે.
12-year-old Pune-based boy Haaziq Kazi designs ship called ERVIS to help reduce pollution in the ocean and save marine life
કાઝીએ વધુમાં જણાવ્યું કે બોટમાં લાગેલા સેન્સરથી કચરાની સાઇઝ નક્કી થાય છે, જેનાથી કચરાને પાંચ અલગ અલગ પ્રકારમાં વહેંચામાં મદદ મળે છે. બોટના નીચેના ભાગમાં લાગેલું વધુ એક સેન્સર સમુદ્રી જીવો, પાણી અને કચરાને ઓળખવામાં મદદ કરે છે.
કાઝીએ વધુમાં જણાવ્યું કે તે નવ વર્ષનો હતો ત્યારે તેને આ મશિન બનાવવાનો વિચાર આવ્યો હતો. કાઝી સમુદ્રી જીવસૃષ્ટીના રક્ષણ તેમજ તેને બચાવવા માટે વિવિધ સંસ્થાઓ સાથે વાતચીત કરી રહ્યો છે. સાથે જ તે પ્લાસ્ટિકના કચરાને કારણે સમુદ્રી જીવસૃષ્ટી પર થઈ રહેલી ગંભીર અસરો અંગે લોકોમાં જાગૃત્તિ ફેલાવવાનું કામ કરે છે.