14 ફેબ્રુઆરી, 2019નો તે કાળમૂખો દિવસ ભારતનો એક પણ નાગરિક નહીં ભૂલી શકે. જ્યારે જમ્મુ-કાશ્મીર રાષ્ટ્રીય રાજમાર્ગથી લગભગ 2500 જવાનોને લઇને 78 બસોમાં CRPFનો કાફલો પસાર થઇ રહ્યો હતો. કાફલો પુલવામાં પહોંચી જ રહ્યો હતો કે, સડકની બીજી તરફથી આવતી એક એસયૂવી કારે સીઆરપીએફના વાહનને ટક્કર મારી દીધી અને તેમાં વિસ્ફોટ (Pulwama Attack) થયો હતો. આ હુમલામાં સીઆરપીએફના 40 જવાનોએ શહીદી (40 Soldiers Martyr) વહોરી હતી.
આ બ્લાસ્ટ (Pulwama Blast) એટલો ઘાતક હતો કે આસપાસના વિસ્તારોમાં પણ તેનો અનુભવ લોકોને થયો હતો. ચારે તરફ ધૂમાડો અને લાશોથી રક્તરંજીત એ રસ્તાનું ચિત્ર જોઇ આજે પણ દરેક દેશવાસીની આત્મા કંપી ઉઠે છે. ચારેબાજુ લોહી અને સૈનિકોના શરીરના ટુકડા દેખાતા હતા. સૈનિકો તેમના સાથીઓને શોધવામાં વ્યસ્ત હતા. સેનાએ બચાવ કામગીરી શરૂ કરી હતી અને ઘાયલ બહાદુરોને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ ઘટના બાદ સમગ્ર દેશમાં જાણે અજંપાભરી સ્થિતિ પેદા થઇ હતી.
2500 જવાનો હતા નિશાના પર
સૈનિકોનો કાફલો જમ્મુના ચેનાની રામા ટ્રાન્ઝિટ કેમ્પથી શ્રીનગર જવા રવાના થયો હતો. વહેલી સવારે નીકળેલા સૈનિકો સૂર્યાસ્ત પહેલા શ્રીનગરના બક્ષી સ્ટેડિયમ ખાતેના ટ્રાન્ઝિટ કેમ્પમાં પહોંચવાના હતા. આ યાત્રા લગભગ 320 કિમી લાંબી હતી અને સૈનિકો સવારના 3:30 વાગ્યાથી મુસાફરી કરી રહ્યા હતા. 78 બસોમાં 2500 સૈનિકો સાથેનો કાફલો જમ્મુથી રવાના થયો હતો. પરંતુ પુલવામામાં જ જૈશના આતંકીઓએ આ જવાનોને નિશાન બનાવ્યા હતા. જેમાં અનેક જવાનો શહીદ થયા હતા. સૈનિકોના આ કાફલામાં ઘણા સૈનિકો રજા પૂરી કરીને ફરજ પર પરત ફર્યા હતા. તે જ સમયે હિમવર્ષાને કારણે જે સૈનિકો શ્રીનગર જવાના હતા, તેઓ પણ તે જ કાફલાની બસોમાં મુસાફરી કરી રહ્યા હતા. જૈશના નિશાને તમામ 2500 સૈનિકો હતા.
હુમલા બાદની તસવીર
આંતકી સંગઠન જૈશે લીધી હુમલાની જવાબદારી
આ રક્તરંજીત હુમલામાં 40 જવાનોની શહીદી બાદ દેશભરમાં રોષનો માહોલ હતો. દરેક દેશવાસીના મનમાં બદલાની ભાવના હતી. આ વચ્ચે આ નાપાક હરકતની જવાબદારી આતંકી સંગઠન જૈશે ટેક્સ્ટ મેસેજ કરીને લીધી હતી. જૈશે આ મેસેજ કાશ્મીરની ન્યૂઝ એજન્સી જીએનએસને મોકલ્યો હતો.
રાત્નીપોરા એન્કાઉન્ટરનો બદલો
જ્યાં હુમલો થયો હતો, ત્યાંથી શ્રીનગરનું અંતર માત્ર 33 કિલોમીટર હતું અને કાફલાને પહોંચવામાં માત્ર એક કલાકનો સમય બાકી હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે, સૈનિકોના શરીર પણ ઉડી ગયા. આ હુમલાને જૈશ દ્વારા બદલો ગણવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, હુમલાના બે દિવસ પહેલા પુલવામાના રત્નીપોરા વિસ્તારમાં સુરક્ષા દળોએ એન્કાઉન્ટરમાં જૈશના એક આતંકીને ઠાર કર્યો હતો.
Published by:Kaushal Pancholi
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર