નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટની ત્રણ જજોની તપાસ સમિતિએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને યૌન ઉત્પીડન કેસમાં ક્લિન ચીટ આપી છે. આ વાતને લઈને મંગળવારે મહિલા વકીલો તેમજ એનજીઓના કાર્યકરોએ સુપ્રીમ કોર્ટ બહાર દેખાવ કરીને સૂત્રોચ્ચાર કર્યો હતો. વિરોધને ધ્યાનમાં રાખતા પોલીસે સુપ્રીમ કોર્ટ બહાર વધારે સંખ્યામાં લોકોને એકઠા થવા પર પ્રતિબંધ લગાવી દીધો હતો.
સીપીઆઈ(એમ)ના નેતા બ્રિંદા કરાતે જણાવ્યું કે, "આખી કાર્યવાહીમાં અન્યાય થયો છે. પીડિતાને શા માટે રિપોર્ટ નથી આપવામાં આવ્યો? આ ખોટું છે. તે લોકો જ્યારે કેસને રદ કરી રહ્યા છે ત્યારે સુપ્રીમ કોર્ટની કાર્યપ્રણાલી પર વધારે સવાલો ઉભા થઈ રહ્યા છે. આ અન્યાય છે."
"પારદર્શક અને ન્યાયી પ્રક્રિયાની જરૂર છે," સુપ્રીમ કોર્ટ બહાર દેખાવ કરી રહેલા લોકોમાંથી એક વ્યક્તિના હાથમાં આવું પ્લેકાર્ડ જોવા મળી રહ્યું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિએ પોતાના હાથમાં રાખેલા પ્લેકાર્ડમાં લખ્યું હતું કે, "સર્વોચ્ચ અન્યાય".
વકીલ અમૃતાનંદન ચક્રવર્તીએ ટ્વીટ કરીને લખ્યું કે, "અમને પાંચ મિનિટ પણ દેખાવ કરવા દેવામાં આવ્યો ન હતો. પહેલા તો સુપ્રીમ કોર્ટ હાસ્યાસ્પદ પ્રવૃત્તિને મંજૂરી આપે છે, બાદમાં તેના પર કોઈ ટિપ્પણી કરે છે તો તેનો સ્વીકાર નથી કરતી. ન્યાય હજારો વખત મરી પરવર્યો છે."
નોંધનીય છે કે સોમવારે સુપ્રીમ કોર્ટની ઇન-હાઉસ સમિતિએ ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ સામે એક મહિલાએ કરેલા યૌન ઉત્પીડનના આક્ષેપોમાં તપાસ બાદ તેમને ક્લિનચીટ આપી દીધી હતી.
તપાસ સમિતિમાં સુપ્રીમ કોર્ટના જસ્ટિસ એસએ બોબડે, જસ્ટિસ ઇન્દિરા બેનરજી અને જસ્ટિસ ઇન્દુ મલ્હોત્રાનો સમાવેશ થતો હતો. કમિટિએ ચીફ જસ્ટિસને ક્લિન ચીટ આપતા એવું પણ જણાવ્યું હતું કે આ અંગેનો રિપોર્ટ જાહેર કરી શકાય તેમ નથી. તેનો મતલબ એવો હતો કે તપાસ રિપોર્ટ ફરિયાદી મહિલાને આપવામાં નહીં આવે.
આ મામલે મહીલા વકીલો તેમજ બીન સરકારી સંસ્થાઓના લોકોએ સુપ્રીમ કોર્ટ બહાર દેખાવો કરીને ફરિયાદીને તપાસ રિપોર્ટની કોપી આપવામાં આવે તેવી માંગણી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર