પ્રિયંકા ગાંધીએ સત્તાવાર રીતે રાજકારણમાં એન્ટ્રી કરી લીધી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની બહેન પ્રિયંકાને પૂર્વ ઉત્તર પ્રદેશનું સુકાન સોંપ્યું છે, જે યોગી આદિત્યનાથનો ગઢ છે. માનવામાં આવે છે કે આ નિર્ણય આગામી લોકસભા ચૂંટણીને લઈને લેવામાં આવ્યો છે. પ્રિયંકા ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં કાર્યભાર સંભાળશે. યૂપીમાં પોતાની ગુમાવેલી રાજકીય જમીન પરત લેવા માટે કોંગ્રેસે પ્રિયંકા ગાંધીને પહેલીવાર રાયબરેલી અને અમેઠીથી બહારનું મેદાન ફતેહ કરવાની જવાબદારી સોંપી છે. સવાલ એ છે કે શું પ્રિયંકા તે કરી શકશે જે અત્યાર સુધી રાહુલ ગાંધી ન કરી શક્યા?
કોંગ્રેસ લગભગ ત્રણ દાયકાથી યૂપીની સત્તાથી બહાર છે અને 2019ની લોકસભા ચૂંટણીમાં તેની સામે મોટો પડકાર છે. '24 અકબર રોડ'ના લેખક રશીદ કિદવઈ કહે છે કે, રાહુલ ગાંધીએ એમપી, છત્તીસગઢ અને રાજસ્થાનમાં જીત નોંધાવીને બતાવી દીધું છે કે તેમનામાં પાર્ટીને બહાર લાવવાની ક્ષમતા છે. એવામાં હવે એ તો ન કહી શકાય કે રાહુલ ફેલ થઈ ગયા તેથી પ્રિયંકાને લાવવામાં આવ્યા છે. મૂળે, પ્રિયંકાને એટલા માટે ઉતારવાામાં આવ્યા છે, કારણ કે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસની સામે કરો યા મરોની સ્થિતિ છે. એવામાં કોંગ્રેસે બ્રહ્માસ્ત્ર તરીકે પ્રિયંકા ગાંધીનો દાવ રમ્યો છે. મને લાગે છે કે તે સફળ પણ રહેશે. આ કોંગ્રેસનો માસ્ટર સ્ટ્રોક છે.
કેટલો કારગર રહેશે પ્રિયંકા ગાંધીનો રાજકીય દાવ
પ્રિયંકા ગાંધીની સાથે કામ કરનારા અને રાજકીય વિશ્લેષક એવું માની રહ્યા છે કે રાહુલ ગાંધી જે ન કરી શક્યા તે કરવા માટે પ્રિયંકાને આ જવાબદારી સોંપવામાં આવી છે. ગયા વર્ષે અમે અમેઠીમાં પ્રિયંકા ગાંધીની સાથે કામ કરી ચૂકેલા યોગેન્દ્ર મિશ્રા સાથે વાત કરી હતી. ત્યારે તેઓએ જણાવ્યું હતું કે પ્રિયંકા ગાંધી ચૂંટણી દરમિયાન સરેરાશ 16 કલાક સુધી કામ કરે છે. સવારે 9-10 વાગ્યાથી રાત્રે 9-10 કલાક સુધી જનતાની વચ્ચે રહે છે. પછી બે-ત્રણ કલાક સુધી પદાધિકારીઓ સાથે રણનીતિ પર વાતચીત કરવાનું ભૂલતા નથી.
મિશ્રા મુજબ, પ્રિયંકા ગાંધી જે કાર્યકર્તા સાથે એક વાર બે મિનિટ વાત કરી લે તેને વર્ષ બાદ મળશે તો પણ ખબર-અંતર પૂછી લેશે. સંગઠનના લોકોથી સતત સંવાદ કરે છે. રાયબરેલીમાં કોંગ્રેસના સિનિયર નેતા વીકે શુક્લા મુજબ, તેઓએ ઈન્દિરા ગાંધી અને પ્રિયંકા ગાંધી બંનેની સાથે કામ કર્યું છે. બંનેમાં અનેક સમાનતાઓ છે.
રેલીઓને બદલે રોડ શો અને શેરી સભાઓ પર પ્રિયંકા ભાર મૂકે છે. એક દિવસમાં સરેરાશ 15 શેરી સભાઓ કરી લે છે. તેમને કોઈ પણ વાત તર્ક સાથે સમજાવી પડે છે. તેની પર તેઓ જે નિર્ણય લે છે તેને પછી નથી બદલતી.
પ્રિયંકા ગાંધી અને રાહુલ ગાંધી (ફાઇલ ફોટો)
ઈન્દિરા ગાંધીમાં પણ બનાવટીપણું નહોતું, પ્રિયંકામાં પણ નથી. સાદગી પસંદ છે. સામાન્ય રીતે પોતાના વિરોધીઓનું નામ લેવાથી દૂર રહે છે. ભાષણોમાં ક્યારેય કોઈ વિશે અપમાનજનક વાત નથી કરતા.
સેન્ટર ફોર સ્ટડી ઓફ સોસાયટી એન્ડ પોલિટિક્સના ડાયરેક્ટર પ્રોફેસર એકે વર્મા મુજબ, રાહુલ ગાંધીના સામે પ્રિયંકા ગાંધી ખૂબ સારી નેતા છે. તે સારી વક્તા છે, તેમનું સારું વ્યક્તિત્વ છે, તેમનામાં એક આકર્ષણ છે. સંવાદ કરવાની સારી ક્ષમતા છે. તેઓ ગંભીર રહે છે. તેથી તે કોંગ્રેસ, તેના કાર્યકર્તાઓ અને ઘણે અંશે જનતાની પસંદ છે.
નકારાત્મક: સિનિયર પત્રકાર રશીદ કિદવઈનું કહેવું છે કે રોબર્ટ વાડ્રા પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ તેમની રાજકીય સફરમાં વિપક્ષીઓને વાર કરવાની તક આપતો રહેશે.
પ્રિયંકા અને રોબર્ટ વાડ્રા (ફાઇલ ફોટો)
તે ભીડ તો એકત્ર કરી લેશે પરંતુ શું તેને વોટમાં ફેરવી શકશે, આ સવાલ લોકસભા ચૂંટણીના પરિણામ બતાવશે.
આજથી જ કોંગ્રેસમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી કેમ્પ સક્રિય થઈ જશે. કાર્યકર્તાઓમાં અસમંજસની સ્થિતિ બનશે કે તેઓ બંનેમાંથી કોને પસંદ કરે.
અલાહાબાદ યુનિવર્સિટીમાં પોલિટિકલ સાયન્સના પ્રોફેસર એચકે શર્મા કહે છે કે એશિયન પોલિટિક્સમાં કરિશ્મો ધરાવતા નેતૃત્વ પ્રતિ લોકોમાં પૂરતું આકર્ષણ છે. પ્રિયંકા ગાંધીની સાથે પણ એવું જ છે. તેના કારણે રાયબરેલી, અમેઠીથી બહાર પણ કોંગ્રેસને ફાયદો પહોંચશે. જોકે, આ સમય પ્રિયંકા માટે પણ અગ્નિપરીક્ષાનો છે.