નવી દિલ્હી. વડાપ્રધાન કાર્યાલયે (PMO) એ આ વર્ષે જાહેર વહીવટમાં શ્રેષ્ઠતા માટેના વડાપ્રધાન વાર્ષિક પુરસ્કારોમાં (Prime Minister’s Awards for Excellence in Public Administration) સુધારાને મંજૂરી આપી દીધી છે. હવે પોષણ અભિયાન, ખેલો ઈન્ડિયા, પીએમ સ્વાનિધિ યોજના, વન ડિસ્ટ્રિક્ટ વન પ્રોડક્ટ સ્કીમ અને માનવ હસ્તક્ષેપ વિના સેવાઓની વધુ સારી ડિલિવરીમાં પ્રદર્શનના આધારે સરકારી કર્મચારીઓનું મૂલ્યાંકન કરવામાં આવશે.
આ પુરસ્કારો વડાપ્રધાન દ્વારા Civil Services Dayના અવસર પર આપવામાં આવે છે. ન્યૂઝ18 મુજબ વર્તમાન યોજના અંગે કહેવામાં આવ્યું છે કે, ‘સર્જનાત્મક સ્પર્ધા, ઇનોવેશન, રેપ્લીકેશન અને વધુ સારા કાર્યોની સિસ્ટમ બનાવવાના ઉદ્દેશ સાથે 2021માં નવા અભિગમ સાથે યોજનામાં સુધારા કરવામાં આવ્યા છે. આ અભિગમ હેઠળ, જથ્થાના લક્ષ્યોને હાંસલ કરવાને બદલે સુશાસન, ગુણાત્મક સિદ્ધિ અને જોડાણ પર ભાર મૂકવામાં આવશે.’ પીએમઓએ લગભગ 15 દિવસ પહેલા યોજનાને મંજૂરી આપી હતી અને પત્રના માધ્યમથી બધા રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને જાણ કરી હતી.
જિલ્લાઓમાં અધિકારીઓના પ્રદર્શનનું મૂલ્યાંકન કરવા માટે પસંદ કરાયેલી ચાર યોજનાઓ હાલ નરેન્દ્ર મોદી સરકારની પ્રાથમિકતાઓમાં સામેલ છે. પ્રથમ માપદંડ પોષણ અભિયાનમાં જન ભાગીદારી વધારવાનો છે, જેનું લક્ષ્ય બાળકો, કિશોરો, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી સ્ત્રીઓની પોષણની જરૂરિયાતો પૂરી કરવાનો છે. યોજનામાં કહેવામાં આવ્યું છે કે શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા જિલ્લાઓને ઓછા વજનવાળા બાળકો અને બાળકો અને કિશોરીઓમાં એનિમિયાની ટકાવારી દ્વારા માપવામાં આવશે.
જો જિલ્લાઓએ રમતગમતના વિકાસ અને નાગરિકોના કલ્યાણ માટે ખેલો ઈન્ડિયા યોજનાનો પૂરેપૂરો લાભ લીધો હોય અને જો યોજના ફિઝિકલ ફિટનેસ, નવી ખેલ પ્રતિભાઓની ઓળખ અને મોટા મંચ પર વધુ સારું પ્રદર્શન કરવા માટે મદદ બાબતે પાયાના સ્તરે પહોંચી હોય, તો તેમનું મૂલ્યાંકન પણ એ જ રીતે કરવામાં આવશે. યોજનામાં કહેવામાં આવ્યું છે કે, ‘નાગરિકોની સુખાકારીને પ્રોત્સાહન આપવા, રમતગમત સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા, ફિઝિકલ ફિટનેસમાં શ્રેષ્ઠતા લાવવામાં PM પુરસ્કાર યોજના જિલ્લાઓની સિદ્ધિઓને ઓળખવા માંગે છે.’
જિલ્લાઓમાં જે ત્રીજી યોજનાનું મૂલ્યાંકન થવાનું છે, તેના હેઠળ પીએમ સ્ટ્રીટ વેન્ડર્સ આત્મનિર્ભર નિધિ (પીએમ સ્વાનિધિ) યોજના અંતર્ગત કેશબેક યોજનાના માધ્યમથી લાભાર્થી વેન્ડર્સમાં ડિજિટલ લેવડદેવડ વધારવાની છે. આ યોજનાનો ઉદ્દેશ બેંક વગરના સ્ટ્રીટ વેન્ડર્સને ઔપચારિક બેંકિંગ ચેનલ્સમાં લાવવાનો છે જેથી તેઓ શહેરી અર્થવ્યવસ્થામાં જોડાઈ શકે. મૂલ્યાંકન માટેની ચોથી યોજના 'એક જિલ્લો, એક ઉત્પાદન' છે, જેની જાહેરાત વડા પ્રધાને 2019માં તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં કરી હતી.
પીએમ એવોર્ડ માટે ‘Seamless End to End Delivery of Service without Human Intervention’ કે માનવીય મદદ વિના સેવાઓની ડિલિવરીનું મૂલ્યાંકન પણ કરવામાં આવશે. વ્યાપારમાં સરળતા, લોકસેવાઓની ફેસલેસ ડિલિવરી, વહીવટ વધુ સારું બનાવવા, અર્થવ્યવસ્થાને વધારવા, આજીવિકા વધારવા, સતત ખેતી, મહિલાઓ અને બાળકો પર કેન્દ્રિત યોજનાઓ, સ્વાસ્થ્ય, શિક્ષણ, ઊર્જા, જળ સંરક્ષણ, પર્યાવરણ સંરક્ષણમાં ઇનોવેશન લાવનારા અધિકારીઓને પણ એવોર્ડ આપવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરફથી કુલ 18 પુરસ્કાર આપવામાં આવશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર