નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Modi)એ શનિવારે જમ્મુ-કાશ્મીરમાં આયુષ્માન યોજના (Ayushman yojana)ની શરૂઆત કરાવી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ગત દિવસોમાં પૂર્ણ થયેલી DDC ચૂંટણીનો ઉલ્લેખ કર્યો હતો. વડાપ્રધાન મોદીએ જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં જિલ્લા વિકાસ પરિષદ (ડીડીસી)ની ચૂંટણી શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે પૂર્ણ થવા અને લોકોની મોટી ભાગીદારીને ભારત માટે 'ગૌરવ'ની ક્ષણ ગણાવી હતી. પીએમ મોદીએ કહ્યુ કે, આ ચૂંટણીઓએ એક નવો અધ્યાય લખ્યો છે, જેમાં જોવા મળ્યું છે કે દેશનું લોકતંત્ર કેટલું મજબૂત છે.
આ દરમિયાન પીએમ મોદીએ કૉંગ્રેસ પર પણ આકરા પ્રહારો કર્યા હતા. પીએમ મોદીએ કહ્યુ કે, "જમ્મુ-કાશ્મીરની ચૂંટણીએ બતાવી દીધું છે કે આપણું લોકતંત્ર કેટલું મજબૂત છે. પરંતુ એક પાર્ટી છે, જેના તરફ હું દેશનું ધ્યાન આકર્ષિત કરવા માંગું છું." આ પ્રસંગે વડાપ્રધાન મોદીએ કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીના એ આરોપનો જવાબ આપ્યો હતો જેમાં તેઓએ કહ્યું હતું કે, "ભારતમાં કોઈ લોકતંત્ર નથી, અહીં તે ફક્ત 'કલ્પના'માં હયાત છે." પીએમ મોદીએ પોતાના ભાષણમાં જણાવ્યુ હતુ કે, "દિલ્હીમાં એવા લોકો છે જે મને સતત મ્હેંણા મારે છે. તે લોકો મને લોકશાહીના પાઠ ભણાવવા માંગે છે. હું તેમને કહેવા માંગું છું કે DDCની ચૂંટણી દેશમાં લોકશાહીનું ઉદાહરણ છે."
આ પણ વાંચો:
પીએમ મોદીએ કહ્યુ કે, કૉંગ્રેસ શાસિત પુડ્ડુચેરીમાં કોર્ટના આદેશ પછી પણ પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી નથી થઈ રહી. પીએમ મોદીએ કહ્યુ કે, "હું દેશનું ધ્યાન આકર્ષિત કરવા માંગું છું. પુડ્ડુચેરીમાં સુપ્રીમ કોર્ટના આદેશ છતાં પંચાયત અને મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણી નથી થઈ રહી. તમને જાણીને નવાઈ લાગશે કે સુપ્રીમ કોર્ટે 2018માં આદેશ આપ્યો હતો. પરંતુ ત્યાંની સરકાર આ વાત સતત ટાળી રહી છે. પુડ્ડુચેરીમાં વર્ષો પછી 2006ના વર્ષમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી થઈ હતી. આ ચૂંટણીમાં જે લોકો ચૂટાયા હતા તેમનો કાર્યકાળ 2011માં જ ખતમ થઈ ગયો છે."
રાજકીય પક્ષોની કથની અને કરણી જુદી
પીએમ મોદીએ કહ્યુ કે, "અમુક રાજકીય પક્ષોની કથની અને કરણીમાં તફાવત છે. આ લોકો લોકતંત્ર પ્રત્યે કેટલા ગંભીર છે તે આ વાત પરથી જ જાણી શકાય છે. કેટલા વર્ષો થઈ ગયા પરંતુ પુડ્ડુચેરીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી નથી થવા દેવામાં આવતી."
આ પણ જુઓ-
કહેવામાં આવી રહ્યું છે કે પીએમ મોદીની આ ટિપ્પણી રાહુલ ગાંધીને એ ભાષણનો જવાબ છે જેમા તેમણે કહ્યુ હતું કે, લોકતંત્ર તમારા સપનામાં હોઈ શકે છે, વાસ્તવમાં નહીં. એક સવાલના જવાબમાં રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, "ભારતમાં કોઈ લોકતંત્ર નથી. દેશમાં તે હકીકતમાં નહીં પરંતુ સપનામાં છે." તેમણે આક્ષેપ લગાવ્યો હતો કે, "વડાપ્રધાન અક્ષમ વ્યક્તિ છે, જે ત્રણ ચાર લોકો વતી આ વ્યવસ્થા ચલાવી રહ્યા છે."