જન્મદિવસ વિશેષઃ 75 વર્ષના થયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પોતાના આચરણ અને કામકાજથી વધારી છે પદની ગરિમા

જન્મદિવસ વિશેષઃ 75 વર્ષના થયા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પોતાના આચરણ અને કામકાજથી વધારી છે પદની ગરિમા
રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ પદની ગરિમાને અકબંધ રાખી, સાથોસાથ પોતાની સૌમ્યતાથી દેશ-વિદેશમાં લોકોનું દિલ પણ જીત્યા

રામનાથ કોવિંદે રાષ્ટ્રપતિ પદની ગરિમાને અકબંધ રાખી, સાથોસાથ પોતાની સૌમ્યતાથી દેશ-વિદેશમાં લોકોનું દિલ પણ જીત્યા

 • Share this:
  (બ્રજેશ કુમાર સિંહ, ગ્રુપ કન્સ્લટિંગ એડિટર)

  ભારતના ચૌદમા રાષ્ટ્રપતિ તરીકે રામનાથ કોવિંદ એ છેલ્લા સવા ત્રણ વર્ષમાં પોતાની સાદગી અને સૌમ્યતાથી સૌનું મન મોહી લીધું છે. કોવિંદ અનેક મામલાઓમાં દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની યાદ અપાવે છે, જે રાષ્ટ્રપતિ ભવનમાં પણ અત્યંત સાદગીની સાથે રહેતા હતા.  રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે 75 વર્ષના થઈ ગયા છે. 1 ઓક્ટોબર 1945ના રોજ કાનપુરના એક ગરીક દલિત પરિવારમાં જન્મેલા કોવિંદ 25 જુલાઈ 2017ના રોજ દેશના પ્રથમ નાગરિક તરીકેની ભૂમિકામાં છે. લગભગ સવા ત્રણ વર્ષના પોતાના કાર્યકાળ દરમિયાન તેઓએ રાષ્ટ્રપતિ પદની ગરિમાને અકબંધ રાખી છે, તેની સાથોસાથ પોતાની સૌમ્યતાથી દેશ-વિદેશમાં લોકોનું દિલ જીત્યા છે.

  રાષ્ટ્રપતિ કોવિંદના સહજ વ્યક્તિત્વની ઝલક કોરોના કાળમાં પણ જોવા મળી છે. તેઓ અને તેમનો પરિવાર કોરોનાથી પ્રભાવિત લોકોની સેવા કરવા અને કોરોના વોરિયર્સનું સન્માન કરવામાં પ્રયત્નશીલ રહ્યા. રાષ્ટ્રપતિ કોવિંદની પત્ની સવિતા કોવિંદ જ્યાં જાતે ભોજન બનાવીને રાષ્ટ્રપતિ ભવનની બાજુમાં આવેલા ગુરુદ્વારા રકાબગંજમાં મોકલાવતા જોવા મળ્યા તો રાષ્ટ્રપતિ કોવિંદે આ વર્ષે 15 ઓગસ્ટે એટ હોમ સમારોહમાં ડૉક્ટરો, નર્સો, પોલીસકર્મીઓ અને સફાઇકર્મીઓને બોલાવ્યા, જે કોરોના પીડિતોની સેવામાં સતત લાગેલા રહ્યા હતા.


  જ્યારે 2017માં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે રામનાથ કોવિંદના નામની જાહેરાત થઈ તો, મોટાભાગન લોકોને આશ્ચર્ય થયું હતું. તે સમયે કોવિંદ બિહારના રાજ્યપાલ હતા અને તેમના નામની કોઈ ચર્ચા નહોતી. પરંતુ તેમની સ્વીકાર્યતા કેવી હતી તેનો અંદાજો પણ લાગી ગયો જ્યારે નીતીશ કુમારે પોતાનું સમર્થન આપવાની તાત્કાલિક જાહેરાત કરી, જ્યારે બિહારમાં તે સમયે સરકાર આરજેડીના સમર્થનથી ચાલી રહી હતી. યૂપીએએ કોવિંદની સામે જગજીવન રામની દીકરી મીરા કુમારને મેદાનમાં ઉતારી હતી, પરંતુ રામનાથ કોવિંદને તેઓ કંઈ ખાસ પડકાર ન આપી શક્યાં અને દેશના 14મા રાષ્ટ્રપતિ તરીકે જુલાઈ 2017માં કોવિંદ દેશના બંધારણીય વડા બની ગયા.

  દેશના બંધારણીય વડા બનતાં પહેલા કોવિંદ લાંબા સમય સુધી સુપ્રીમ કોર્ટમાં પ્રેક્ટિસ કરી ચૂક્યા હતા. કાનપુરથી બી. કોમ. અને એલએલબીનો અભ્યાસ કરનારા કોવિંદે 1971કમાં બાર કાઉન્સિલ ઓફ ઈન્ડિયામાં પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. બાદમાં તેઓ મોરારજી દેસાઈની સાથે જોડાયા. તેની ઝલક ત્યારે મળી જ્યારે 1977માં જનતા પાર્ટીની સરકાર આવી અને કોવિંદને મોરારજી દેસાઈએ વડાપ્રધાન બનતાં જ પોતાના એક્ઝિક્યૂટિવ આસિસ્ટન્ટ બનાવ્યા. તેની સાથે જ કોવિંદ પહેલા દિલ્હી હાઈકોર્ટમાં કેન્દ્ર સરકારના સ્ટેન્ડીંગ કાઉન્સિલ બન્યા, તો પછી 1980માં સુપ્રીમ કોર્ટમાં, જે ભૂમિકા તેઓએ 1993 સુધી નિભાવી. આ દરમિયાન તેઓએ સાત-સાત વડાપ્રધાન જોયા.


  ન્યાયતંત્રની સાથે લાંબા જોડાણનો ફાયદો કોવિંદને રાષ્ટ્રપતિ તરીકે પણ મળ્યો, જ્યાં આર્ટિકલ 370ને નાબૂદ કરવા જેવા અગત્યના બિલો પર પોતાની અંતિમ મહોર લગાવવામાં તેમને કોઈ મુશ્કેલી ન થઈ. ઘણા ઓછા લોકો જાણે છે કે સુપ્રીમ કોર્ટના ચુકાદો જે હવે હિન્દી સહિત તમામમ મહત્વપૂર્ણ ભારતીય ભાષાઓમાં ઉપલબ્ધ હોય છે, તેની પાછળ પણ રાષ્ટ્રપતિ કોવિંદની જ ભૂમિકા રહી છે. રાષ્ટ્રપતિ બનવાના ચાર મહિનાની અંદર જ તેઓએ સુપ્રીમ કોર્ટને કહ્યું કે દેશની સર્વોચ્ચ અદાલતમાં ભલે અંગ્રેજીમાં કામકાજ થતું રહે, પરંતુ તેના ચુકાદા ભારતીય ભાષાઓમાં પણ ઉપલબ્ધ હોવા જોઈએ, જેથી દેશની સામાન્ય જનતા મોટા ચુકાદાને સરળતાથી વાંચી શકે, સમજી શકે. સ્વાભાવિક રીતે સામાન્ય લોકોની આ તકલીફનો અંદાજો કોવિંદને વકાલતની પોતાની લગભગ ત્રણ દશકની લાંબી કારકિર્દી દરમિયાન લાગ્યો હશે.

  સામાન્ય લોકોને રાષ્ટ્રપતિ ભવન સાથે જોડવાનું અભિયાન પણ કોવિંદે દેશના બંધારણીય વડાની જવાબદારી સંભાળતા જ શરૂ કરી. રાષ્ટ્રપતિ માટે રાષ્ટ્રપતિ ભવનનો એક ખૂણો પૂરતો છે, બાકી હિસ્સાને આરામથી દેશના સામાન્ય લોકો જોઈ શકે, તેના માટે નિર્દેશ જાહેર કર્યા. આ જ કારણ છે કે આજે રાષ્ટ્રપતિ ભવન ફરવા માટે આવનારા લોકોની સંખ્યામાં ભારે વધારો નોંધાયો છે. રાષ્ટ્રપતિ ભવનનો જે મુગલ ગાર્ડન ક્યારેક મોટા વિશેષાધિકારનો પ્રતીક હતો, તેનો આનંદ ઉઠાવવા આજે દેશની ગરીબ જનતા પણ જાય છે.

  રાષ્ટ્રપતિ તરીકે કોવિંદે એવું પણ સુનિશ્ચિત કર્યું કે રાષ્ટ્રપતિ ભવનમાં જે તમામ ઐતિહાસિક દસ્તાવેજ છે., તેના સુધી સામાન્ય લોકો અને શોધકર્તાઓને સરળતાથી પહોંચ હોય. આ જ કારણ છે કે દસ્તાવેજો અને ચિત્રોનું ડિજિટાઇઝેશનની પ્રક્રિયા છેલ્લા કેટલાક મહિનાઓમાં ઘણી ઝડપથી થઈ રહી છે.


  કોવિંદની સહજતા ત્યારે પણ જોવા મળી, જ્યારે તેઓ રાષ્ટ્રપતિ તરીકે ગયા વર્ષે ફેબ્રુઆરી માં કાનપુરના ડીએવી કૉલેજના શતાબ્દી સમારોહમાં ભાગ લેવા ગયા અને મંચ પર જ પોતાના જૂના શિક્ષકોના ચરણ સ્પર્શ કરવામાં સંકોચ ન અનુભવ્યો. એ વાત અલગ છે કે રાષ્ટ્રપતિને મળતા પહેલા પ્રોટોકોલ અધિકારીઓ તરફથી સામાન્ય અને ખાસ બધાને એ જ શીખવાડવામાં આવે છે કે ન તો રાષ્ર્ પતિના ચરણ સ્પર્શ કરવાનો પ્રયાસ કરો અને ન તો તેમની તરફ હાથ લંબાવો, જ્યાં સુધી કે તેઓ જાતે હાથ મિલાવવા માટે પોતાનો હાથ આગળ ન વધારે. પરંતુ પોતાના શિક્ષકો પ્રત્યે સન્માન પ્રદર્શિત કરવા માટે સ્થાપિત પ્રોટોકોલને તોડવામાં પણ રાષ્ટ્રપતિ કોવિંદે કોઈ સંકોચ ન રાખ્યો.

  આવી જ એક ખાસ તસવીર વિજ્ઞાન ભવનમાં પણ જોવા મળી હતી, જ્યારે રાષ્ટ્રપતિ કોવિંદ ત્યાં એક કાર્યક્રમમાં ગયા હતા અને જ્યાં રાષ્ટ્રગીત દરમિયાન એક મહિલા પોલીસ કોન્સ્ટેબલ બેભાન થઈને ઢળી પડી હતી. કાર્યક્રમ ખતમ થતાં જ કોવિંદ મંચથી નીચે ઉતર્યા અને તે મહિલા કોન્સ્ટેબલની તબિયત વિશે પૂછ્યું, તેને નિરાંતે મળ્યા અને હિંમત આપી. દેશના રાષ્ટ્રપતી જે ભારતીય સેનાના સુપ્રીમ કમાન્ડર પણ હોય છે, પોતાની આ ભૂમિકામાં પણ કોવિંદ દેશના સૌથી દુર્ગમ વિસ્તાર સિયાચિન સુધી જવાનોનો ઉત્સાહ વધારવા માટે ગયા હતા.

  જ્યારે રામનાથ કોવિંદ દેશના રાષ્ટ્રતિ બન્યા, તેમની દલિત પૃષ્ઠભૂમિ ચર્ચાનો વિષય બની હતી. કૉંગ્રેસે મીરા કુમારને મેદાનમાં ઉતારીને રાષ્ટ્રપતિ ચૂંટણીને દલિત વિરુદ્ધ દલિત બનાવી દીધી હતી. પરંતુ કોવિંદ પોતે પોતાની દલિત પૃષ્ઠભૂમિને ખભા પર લઈને નથી ફરતા. તેની ઝલક ત્યારે જોવા મળી જ્યારે અંગ્રેજીના એક અખબારે તેમના નામને લઈ એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી, ત્યારે જ્યારે તેઓએ સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ચીફ જસ્ટિસ રંજન ગોગોઈને રાજ્યસભા માટે નોમિનેટ કર્યા. તે સમયે બીજેપીથી સંબંધિત અનેક દલિત સાંસદ અને નેતા આ મામલાને લઈ દલિત રાષ્ટ્રપતિના અપમાનનો મુદ્દો બનાવવા માંગતા હતા, પરંતુ કોવિંદે પૂરી ગંભીરતા સાથે આ મામલાને વેગ પકડાથી પોતે જ રોકી દીધો, આ સંદેશ આપીને રાષ્ટ્રપતિ દલિત નથી હોતા, અપમાન જો થયું છે તો દેશના રાષ્ટ્રપતિનું, ન કે કોઈ દલિતનું. દેશમાં જાતિ આધારિત રાજકારણ જે રીતે સ્થાપિત છે, તેમાં રાષ્ટ્રપતિ કોવિંદનું આ પગલું તેમને એક અલગ મંચ પર જ લઈને રજૂ કરે છે. તેમના વ્યક્તિત્વની ઊંડાઈની ઓળખ ઊભી કરે છે.


  કેટલાક મામલાઓમાં રાષ્ટ્રપતિ કોવિંદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદની યાદ અપાવે છે. તેમનામાં રાજેન્દ્ર બાબૂ જેવી સાદગી છે ઉપરાંત ધર્મ અને અધ્યાત્મથી પણ તેમનું ઊંડું જોડાણ છે. રાજેન્દ્ર બાબૂ ધર્મ અને અધ્યાત્મને દેશ અને સમાજની મૂળ પ્રકૃતિનો હિસ્સો માનતા હતા, તેવા જ વિચાર કોવિંદના પણ છે. આ જ કારણ છે કે ખાલી સમયમાં તેઓ કાયદાના પુસ્તકો એન સુપ્રીમ કોર્ટના મોટા ચુકાદાઓની સાથે જ ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલા પુસ્તકોને વાંચે છે, દિલ્હીથી બહાર પોતાના પ્રવાસમાં પણ અગત્યના આશ્રમો અને મઠોની પણ મુલાકાત લે છે.

  ધર્મ અને અધ્યાત્મની સાથે તેઓ પ્રકૃતિ પ્રેમી પણ છે અને સાથે જીવ દયાના આગ્રહી પણ છે. આ જ કારણ છે કે અનેક મોટા રાષ્ટ્ર પ્રમુખોના પ્રવાસ દરમિયાન, ગાર્ડ ઓફ ઓનર આપતી વખતે અચાનક કૂતરું આવી જવાથી જ્યારે લોકો ચોંકી જતા હોય છે અને રાષ્ટ્રપતિ ભવન પરિસરમાં મોટી સંખ્યામાં હાજર કૂતરાઓને બહાર કરવાનું વિચાર્યું તો કોવિંદે તેના માટે સ્પષ્ટ ના પાડી દીધી. તેમનો વિચાર એવો હતો કે પ્રકૃતિએ દરેક પ્રાણી માટે પોતાની વ્યવસ્થા કરી છે, અલગ સ્વભાવ આપ્યા છે, પછી તેની સાથે ચેડા કેમ કરવામાં આવે.


  રાષ્ટ્રપતિનું આસન સંભાળતા પહેલા કોવિંદ બે વાર રાજ્યસભના સભ્ય રહ્યા, એપ્રિલ 1993થી માર્ચ 2006 સુધી. બીજેપી સાથે પણ તેઓ 1991માં જ જોડાયા. બીજેપીની અંદર દલિત પૃષ્ઠભૂમિ વાળા નેતા કોવિંદ પાર્ટીના પ્રવક્તા પણ રહ્યા, અલગ-અલગ સમય પર પાર્ટી માટે પ્રચાર કરવામાં પણ જતાં, લાંબા સમય સુધી અખિલ ભારતીય કોળી સમાજના મહામંત્રી પણ રહ્યા. કોવિંદ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધ્યાન ખાસ કરીને ત્યારે ગયું જ્યારે તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા. અનેક કાર્યક્રમમોમાં કોવિંદની ગુજરાતનું જવાનું થતું હતું. મોદી કોવિંદના સહજ-સરળ સ્વભાવથી પ્રભાવિત થયા, સાથોસાથ એ વાતનું પણ અચરજ કે કોવિંદે ક્યારેય કોઈ પદની લાલસા નહોતી રાખી. આ જ કારણથી મોદીએ વર્ષ 2015માં તેમને બિહારના રાજ્યપાલ બનાવવાનો નિર્ણય કર્યો અને બે વર્ષ બાદ દેશના રાષ્ટ્રપતિ.

  દેશના રાષ્ટ્રપતિ બનવાના લગભગ સવા ત્રણ વર્ષ હોવા છતાંય કોવિંદના વ્યવહારમાં કોઈ ફેરફાર નથી જોવા મળ્યો. હજુ પણ એવી જ સાદગી, પરિવારના સભ્યોના વલણમાં પણ કોઈ ફેરફાર નહીં. તેમની પુત્રવધૂ આજે પણ દિલ્હીની એક સ્કૂલમાં ભણાવે છે. કોવિંદની સાદગી દેશ-વિદેશના લોકોને પ્રભાવિત કરે છે. રાષ્ટ્રપતિ તરીકે કોવિંદ 28 દેશોનો પ્રવાસ કરી ચૂક્યા છે અને આ દરમિયાન પોતાની સાદગી અને સૌમ્યતાથી આ તમામ દેશોમાં તેઓએ ભારત માટે માન વધાર્યું છે. પીએમ મોદીએ દેશની સાંસ્કૃતિક વારસાને ભારતની વિદેશ નીતિનો અગત્યનો હિસ્સો બનાવ્યો છે, દેશના બંધારણીય વડાની ભૂમિકામાં રાષ્ટ્રપતિ કોવિંદ પણ તેને મજબૂત આધાર આપી રહ્યા છે. જે રીતે રાષ્ટ્રપતિના પોતાના સર્વોચ્ચ આસાન પર કોવિંદની ઉપસ્થિતિ દેશમાં સામાજિક ઉત્થાનની સૌથી મોટી તસવીર છે, તેવી જ રીતે ભારત વિશ્વ ગુરુનો પોતાનો દરજ્જો ફરીથી પ્રાપ્ત કરે, તેના માટે દેશના પ્રથમ નાગરિક કોવિંદની આગેવાનીમાં દેશ આગળ વધતો રહે, એવી આશા છે.
  Published by:Mrunal Bhojak
  First published:October 01, 2020, 13:50 pm

  ટૉપ ન્યૂઝ