અરવિંદ રાણા, પ્રયાગરાજ: ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ (Prayagraj) જિલ્લામાં શનિવારે હચમચાવી દેતો બનાવ સામે આવ્યો છે. અહીં એક ખાનગી હૉસ્પિટલ (Private hospital)નો અમાનવીય ચહેરો જોવા મળ્યો છે. અહીં સારવાર માટે દાખલ એક બાળકીના પરિવારે સારવારનો તમામ ખર્ચ ઉઠાવી શકવા માટે અસમર્થતા દર્શાવી હતી, જે બાદમાં બાળકીને ઑપરેશન ટેબલ (Operation table) પરથી પેટ ચીરાયેલું હોય તેવી હાલતમાં જ બહાર કાઢી મૂકવામાં આવી હતી. પૈસાના અભાવે સારવાર અટકી જતાં બાળકીની હાલત બગડી હતી, આખરે બાળકીએ દમ તોડી દીધો હતો. આ મામલે હાલ તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
પ્રયાગરાજના કરેલી વિસ્તારમાં રહેતા બ્રહ્મદીન મિશ્રાની ત્રણ વર્ષની દીકરીને પેટની બીમારી હતી. માતા-પિતા દીકરીને સારવાર માટે પ્રયાગરાજના ધૂમનગંજના રાવતપુરની એક મોટી હૉસ્પિટલમાં લઈ ગયા હતા. અહીં થોડા દિવસ પછી બાળકીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. થોડા દિવસ પછી ફરીથી ઓપરેશન કરવું પડ્યું હતું. બાળકીના પિતાના જણાવ્યા પ્રમાણે ઓપેરશન માટે દોઢ લાખ રૂપિયા ખંખેર્યા બાદ પણ હૉસ્પિટલે પાંચ લાખ રૂપિયાની માંગણી કરી હતી. બાળકીનો પરિવાર પૈસા ન ચૂકવી શક્યો તો હૉસ્પિટલે પરિવાર અને બાળકીને બહાર મોકલી દીધા હતા અને જણાવ્યું હતું કે બાળકીની સારવાર અહીં નહીં થઈ શકે.
જે બાદમાં પિતા બાળકીને લઈને બીજી હૉસ્પિટલ ગયા હતા. પરંતુ તમામ હૉસ્પિટલોએ બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કરી દીધો હતો. દરેક હૉસ્પિટલ એવું કહીને બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કરી દેતી હતી કે તેણીની હાલત ખૂબ નાજુક છે, તેણી કદાચ બચી નહીં શકે. આ તમામ મથામણ વચ્ચે બાળકીએ દમ તોડી દીધો હતો.
મૃતક બાળકીના પિતાનો આરોપ છે કે ડૉક્ટરોએ ઑપરેશન પછી બાળકીના પેટના ટાંકા લીધા ન હતી અને આવી જ હાલતમાં બાળકીને સોંપી દીધી હતી. આ કારણે બીજી હૉસ્પિટલોએ બાળકીને દાખલ કરવાનો ઇન્કાર કર્યો હતો. બાદમાં સારવાર વગર બાળકીએ દમ તોડી દીધો હતો.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર