મધ્યપ્રદેશના ઉમરિયા જીલ્લામાં મોબાઈલ ફોન ચાર્જ કરતી વખતે પાવર બેંક જેવું ડિવાઇસ ફાટતાં 28 વર્ષીય વ્યક્તિનું મોત નીપજ્યું છે. પોલીસ સબ ડીવીઝનલ ઓફિસર (એસ.ડી.ઓ.પી.) ભારતી જાટે શનિવારે જણાવ્યું હતું કે, આ ઘટના શુક્રવારે છાપોડ ગામમાં બની હતી. જાટે ગામના લોકોના હવાલાથી જણાવ્યું છે કે, 'માનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોતાના ખેતરમાં જતી વખતે રામ સાહિલ પાલને રસ્તા પર એક પાવર બેંક જેવું ઉપકરણ મળી આવ્યું હતું. ઘરે પાછા ફર્યા પછી, જ્યારે પાલે તેના પાડોશીના ઘરે મોબાઇલ ફોન ચાર્જ કરવા માટે ડિવાઇસને કનેક્ટ કર્યું, ત્યારે તે ફૂટ્યું.
પાવર બેંક ફાટ્યા બાદ જોરદાર વિસ્ફોટ થયો હતો. તે પછી છતની પરતો પણ ઉડી ગઈ. ઘરની દિવાલો પર વિસ્ફોટના નિશાન પડ્યા છે. તે જ સમયે, મોબાઇલ ચાર્જ કરતો યુવક ગંભીર રીતે ઘાયલ થયો હતો. ઈજાગ્રસ્ત હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. રસ્તા પરથી મળેલી ઇલેક્ટ્રોનિક વસ્તુ લેવાની એક ભૂલ જ ભારે પડી.
તેમણે કહ્યું કે, આ ઉપકરણ પાવર બેંક હતી કે અન્ય કોઈ ઇલેક્ટ્રોનિક ડિવાઇસ હતું, તેની તપાસ કરવામાં આવી રહી છે. આ માટે, ઉપકરણોના અવશેષો ક્રિમીનોલોજી લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. જાટે કહ્યું હતું કે, અત્યાર સુધીની તપાસમાં તે માલુમ પડ્યું છે કે, તે વિસ્ફોટક નથી. પોલીસે આ કેસ નોંધીને વિગતવાર તપાસ હાથ ધરી છે. આમ તો મોબાઈલ ફાટવાના ઘણા અહેવાલો છે, જેમાં એવું સામે આવે છે કે, આવી સમસ્યા ઓવરહિટીંગના કારણે આવે છે. પરંતુ આ વખતે પાવર બેંકને લઈને આવી ઘટના સામે આવી છે.