Home /News /national-international /શું બીજેપી માટે 2019ની જીતનો દરવાજો ખોલશે 'પકોડા'?

શું બીજેપી માટે 2019ની જીતનો દરવાજો ખોલશે 'પકોડા'?

2014માં કોંગ્રેસે મોદીને ચાવાળો કહીને તેમની મજાક ઉડાવી હતી.

2014માં કોંગ્રેસે મોદીને ચાવાળો કહીને તેમની મજાક ઉડાવી હતી.

અત્યાર સુધી રસ્તા કે બજારમાં ચૂપચાપ વેચાતા પકોડા અચાનક ચર્ચામાં આવી ગયા છે. લોકો પકોડા ખાવાની સાથે સાથે તેની ચર્ચા પણ કરી રહ્યા છે. સેન્સેક્સ, નિફ્ટી નીચે પડી રહ્યા છે પરંતુ પકોડાનો 'સેન્સેક્સ' ઉપર જ જઈ રહ્યો છે. નરેન્દ્ર મોદીએ રાજકીય પકોડાની કડાઈ ચૂલે ચડાવી હતી, તો વિપક્ષે તેમાં ટીકાની આગ ફૂંકી છે.

જોકે, પકોડા અને ચાની દોસ્તી પણ એટલી જ જૂની છે. ગત લોકસભાની ચૂંટણીમાં મોદી ચાના મુદ્દાને લઈને પીએમ પદ સુધી પહોંચ્યા હતા. 2014ની ચૂંટણીમાં ચા પર ચર્ચાની ચર્ચા હતી, તો આ વખતે પકોડા પર વિવાદ છે. મોદીએ એક ઇન્ટરવ્યૂમાં પકોડા વેચવાને રોજગારી કહી દીધી તો વિપક્ષ સતત મોદી અને બીજેપીની ટીકા કરીને કહી રહ્યો છે કે પકોડા વેચવાને બિઝનેસ કઈ રીતે કહી શકાય.

મોદીના નિવેદન બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી. ચિદમ્બરમે કહ્યું હતું કે જો પકોડા વેચવાને જોબ કહેવામાં આવે તો ભીખ માંગવાને પણ રોજગારના વિકલ્પ તરીકે જોવું જોઈએ. મોદીના ઇન્ટરવ્યૂ પછી પકોડાની રાજનીતિએ ગતિ પકડી છે. વિપક્ષે નક્કી કર્યું કે કોઈ અન્ય મુદ્દો ન મળે તો પકોડા શું ખોટા છે.

ભજીયા કે પકોડા આમ તો ચોમાસામાં વધારે ખાવામાં આવે છે, પરંતુ અહીં તો રાજકીય પકોડાની વાત છે એટલે એની મોસમ તો ચૂંટણીમાં જ ચમકશે. અનેક રાજ્યની ચૂંટણીમાં હવે પકોડા ચૂંટણીનો મુદ્દો બની શકે છે. બીજેપીએ તો નક્કી કરી લીધું છે કે ગત ચૂંટણી ચા પર જીત્યા હતા અને આ વખતે રાજનીતિની કડાઈ પર તળાઈ રહેલા પકોડા ચૂંટણી મુદ્દો હશે.

2014માં કોંગ્રેસે મોદીને ચાવાળો કહીને તેમની મજાક ઉડાવી હતી. બીજેપીએ આ વાતને આત્મસન્માનનો મુદ્દો બનાવ્યો હતો. ફરી એક વખત આવી જ હાલત છે. દેશમાં ખાણી-પીણીનો ધંધો નાના કારીગરો માટે રોજગારીનું એક મોટું સાધન છે. એટલા માટે બીજેપીએ હવે પકોડાને પણ નાના કારીગરોના આત્મસન્માન સાથે જોડવાની પહેલ કરી છે.

દિલ્હીમાં બીજેપી 12 ફેબ્રુઆરીને પકોડાને મુદ્દો બનાવશે. દિલ્હીમાં બીજેપીના કાર્યકરો પકોડાના સ્ટોલ લગાવશે. જો દિલ્હીના લોકો આ અભિયાન સાથે જોડાશે તો દેશભરમાં આને લાગૂ કરવામાં આવશે. બીજેપીને આશા છે કે આગામી દિવસોમાં ચા અને પકોડા તેમના માટે સત્તાનો સ્વાદ વધારી શકશે.

પકોડા દેશભરમાં કોઈને કોઈ સ્વરૂપે મળે છે. પ્રદેશ પ્રમાણે તેમના અલગ અલગ નામ છે. દક્ષિણમાં આલુ બોડાં ખાવામાં આવે છે. મહારાષ્ટ્રમાં બટેકાવડા પણ આ જ પરિવારના સભ્ય છે. મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્ર પ્રદેશમાં ભજ્જી નામની સ્વાદિષ્ટ ડિશ પકોડાનો જ એક પ્રકાર છે. ગુજરાતમાં અલગ-અલગ પ્રકારના ભજીયા મળે છે. અનેક રાજ્યમાં કારીગરો પકોડાનો કરોડોનો વેપાર કરે છે. બીજેપીને આશા છે કે પકોડા તેને ફાયદો કરાવી શકે છે. કારણ કે તેની સાથે જોડાયેલા લોકો મોટાભાગે ગરીબ છે. આ લોકોનું ભારતીય અર્થતંત્રમાં યોગદાન છે પરંતુ તેનું કામ દેખાતું નથી.

નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના વર્ષ 2011-12ના એક સર્વે પ્રમાણે અસંગઠિત ક્ષેત્રોની અર્થવ્યવસ્થામાં ભાગીદારી આશરે 50 ટકા હતી. જ્યારે રોજગારીની 90 ટકા તકો આ જ ક્ષેત્રમાં હાજર હતી. એક અંદાજ પ્રમાણે અસંગઠિત ક્ષેત્રમાં આશરે 50 કરોડ જેટલા લોકો છે. એમાંથી પણ 27 કરોડ લોકો પોતાનું કામ કરે છે.

પકોડાની લઈને શરૂ થયેલી રાજનીતિ પર વિપક્ષને એ વાતે વાંધો હતો કે આખરે એમબીએ કે મોટી ડિગ્રી લઈને બેઠેલા પોસ્ટ ગ્રેજ્યુએટ યુવાઓ દેશમાં પકોડા શું કામ વેચે? તેમની વાત સાચી પણ છે, કારણ કે દેશના દરેક યુવા એક જ કામ તો ન કરી શકે. જોકે, હવે તો સમય જ બતાવશે કે 2019ની ચૂંટણીમાં ચા અને પકોડાની જોડી બીજેપીને જીત અપાવે છે કે પછી નિરાશા.
First published:

Tags: Pakoda, કોંગ્રેસ, ચૂંટણી, ભાજપ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો