લખનઉ : ઉત્તર પ્રદેશ પોલીસે વિશ્વ હિન્દુ મહાસભાના અધ્યક્ષ રંજીત બચ્ચન હત્યાકાંડમાં મોટો ખુલાસો કર્યો છે. પોલીસના જણાવ્યા પ્રમાણે હત્યામાં સામેલ ત્રણ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે ઘટનામાં શામિલ શૂટર જીતેન્દ્ર હાલ ફરાર છે. પોલીસે જણાવ્યું કે રંજીતની બીજી પત્ની સ્મૃતિના પ્રેમી દીપેન્દ્ર જ રંજીત બચ્ચનનો હત્યારો છે. આ ગુનામાં સ્મૃતિ પણ શામિલ છે, કારણ કે તે રંજીતથી છૂટકારો મેળવીને દીપેન્દ્ર સાથે રહેવા માંગતી હતી.
આ પહેલા સસરાપક્ષે જણાવ્યું હતું કે રંજીત એક જ ઘરમાં પત્ની અને પ્રેમિકાને સાથે રાખતો હતો. અવૈધ સંબંધને લઈને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા હતા. અવૈધ સંબંધનો વિરોધ કરવા પર રંજીત પહેલી પત્નીને ધમકાવતો હતો. આ અંગે પ્રથમ પત્નીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ આપી હતી.
પત્ની અને બૉયફ્રેન્ડે બનાવ્યો હતો હત્યાનો પ્લાન
પોલીસે જણાવ્યું કે, દીપેન્દ્ર અને સ્મૃતિ રંજીત બચ્ચનથી છૂટકારો મેળવવા માંગતાં હતાં. 25મી જાન્યુઆરીના રોજ દીપેન્દ્ર અને સ્મૃતિએ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. દીપેન્દ્ર વિકાસનગરની હોટલમાં રોકાયો હતો. 29 અને 30 જાન્યુઆરીના રોજ તેણે રંજીતની રેકી કરી હતી. પહેલી ફેબ્રુઆરીએ રાયબરેલીથી લખનઉ પહોંચ્યો હતો. હત્યામાં વપરાયેલી સફેદ બલેનો કાર પણ મળી આવી છે.

રંજીત બચ્ચનની પત્ની.
પોલીસ પાસે પુરાવા
પોલીસે દાવો કર્યો છે કે તેમની પાસે પુરાવા તરીકે સીસીટીવી ફૂટેજ છે. હત્યારાઓ ઘટનાને અંજામ આપ્યા બાદ રાયબરેલી ભાગી ગયા હતા. દીપેન્દ્રએ હત્યાના દિવસે જે ફોન અને સિમકાર્ડનો ઉપયોગ કર્યો હતો તેને મેળવી લેવાયા છે. હત્યાના દિવસે પહેરવામાં આવેલા જૂતા પણ મેળવી લેવાયા છે. પોલીસના કહેવા પ્રમાણે ધ્રુણાને કારણે હત્યા કરવામાં આવી છે. પોલીસે મીડિયા સમક્ષ કહ્યું છે કે આરોપીઓએ પોતાનું ગુનો કબૂલ કરી લીધો છે.
પહેલી ફેબ્રુઆરીના રોજ ગોળી મારીને હત્યા
રંજીત બચ્ચન હત્યાકાંડને લખનઉના પૉશ વિસ્તાર હઝરતગંજમાં અંજામ આપવામાં આવ્યો હતો. મૃતક રંજીત બચ્ચનના પોસ્ટ મોર્ટમ રિપોર્ટ પ્રમાણે હત્યારાઓએ રંજીત બચ્ચનના નાક પર ખૂબ નજીકથી ગોળી મારી હતી. વધારે પ્રમાણમાં લોહી વહી જવાથી તેમનું મોત થયું હતું.
Published by:Vinod Zankhaliya
First published:February 06, 2020, 17:44 pm