Home /News /national-international /

વ્લાદિમીર પુતિન આજે ભારતની મુલાકાતે, ભારત-રશિયાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે PM મોદી, વાંચો મહત્વના મુદ્દા

વ્લાદિમીર પુતિન આજે ભારતની મુલાકાતે, ભારત-રશિયાના સંબંધોને નવી ઊંચાઈએ લઈ જશે PM મોદી, વાંચો મહત્વના મુદ્દા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (File Photo)

India Russia Relation: સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેના શિખર સંમેલનમાં સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઉર્જા અને ટેક્નોલોજીના મહત્વના ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા માટે ઘણા કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે.

વધુ જુઓ ...
  નવી દિલ્હી. ભારત અને રશિયાના સંબંધોને નવો આયામ આપવાની તૈયારી ચાલી રહી છે. આને ધ્યાનમાં રાખીને સોમવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચેના શિખર સંમેલનમાં સંરક્ષણ, વેપાર અને રોકાણ, ઉર્જા અને ટેક્નોલોજીના મહત્વના ક્ષેત્રોમાં સહયોગ મજબૂત કરવા માટે ઘણા કરાર પર હસ્તાક્ષર થવાની સંભાવના છે. શિખર સમિટ સાથે પહેલી ‘ટુ પ્લસ ટુ’ સુરક્ષા અને વિદેશ મંત્રી સ્તરીય વાતચીતમાં બંને પક્ષો અફઘાનિસ્તાનની સ્થિતિ અને લશ્કર-એ- તોયબા તથા જૈશ-એ-મોહમ્મદ જેવા સમૂહો સહિત આતંકવાદના વધતા જોખમ પર પણ વાતચીત કરે તેવી શક્યતા છે.

  એવું કહેવાઈ રહ્યું છે કે શિખર સમિટ બાદ જારી થનારા સંયુક્ત નિવેદનમાં સરહદ પાર આતંકવાદ અને અફઘાન સંકટને લીધે સુરક્ષા પર થનારી અસરને લઈને ભારતની ચિંતા વ્યક્ત થઈ શકે છે. પુતિન સોમવારે એટલે કે આજે દિલ્હી પહોંચશે, જ્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવ અને સુરક્ષા મંત્રી સર્ગેઈ શોયગૂ ગઈ કાલે રાત્રે જ પહોંચી આવ્યા છે.

  21મુ ભારત-રશિયા વાર્ષિક શિખર સંમેલન

  નવી દિલ્હીમાં આયોજિત 21મી ભારત-રશિયા વાર્ષિક સમિટ ખૂબ જ ખાસ છે કારણ કે તેમાં મહત્વપૂર્ણ સંરક્ષણ કરાર પર મહોર લાગશે. છેલ્લી ભારત-રશિયા વાર્ષિક સમિટ સપ્ટેમ્બર 2019માં થઈ હતી જ્યારે મોદીએ વ્લાદિવોસ્તોકની મુલાકાત લીધી હતી. ગયા વર્ષે કોવિડ-19 મહામારીને કારણે સમિટ થઈ શકી ન હતી. સમિટ પહેલા વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન મુલાકાત કરશે.

  AK-203 અસોલ્ટ રાઈફલ્સના ઉત્પાદન પર લાગશે અંતિમ મહોર

  વિદેશ મંત્રાલયે કહ્યું કે વડાપ્રધાન મોદી અને રાષ્ટ્રપતિ પુતિન સાંજે 5.30 કલાકે સમિટની શરૂઆત કરશે અને રશિયન નેતા 9.30 કલાકે દિલ્હીથી ઉડાન ભરશે. સમિટને ધ્યાનમાં રાખીને ભારતે અમેઠીના કોરવામાં પાંચ લાખથી વધુ AK-203 એસોલ્ટ રાઇફલ્સના નિર્માણ માટે લગભગ રૂ. 5,000 કરોડના પેન્ડિંગ AK 203 કલાશ્નિકોવ રાઇફલ્સ કરારને મંજૂરી આપી છે.

  બંને પક્ષો લોજિસ્ટિક્સ સહકાર સમજૂતી માટે વાટાઘાટોના અંતિમ તબક્કા પૂર્ણ કરે તેવી પણ અપેક્ષા છે. આ કરાર પર શિખર મંત્રણા અથવા 'ટુ પ્લસ ટુ' વાટાઘાટોમાં હસ્તાક્ષર થઈ શકે છે. આ સાથે રશિયાના રાષ્ટ્રપતિ તેમની એક દિવસીય મુલાકાત દરમિયાન ભારતને S-400 એર ડિફેન્સ સિસ્ટમનું એક મોડેલ પણ સોંપશે.

  આ પણ વાંચો: અમિત શાહ BSF સ્થાપના દિવસે બોલ્યા- એન્ટી ડ્રોન ટેક્નિક પર કામ ચાલુ, દુશ્મનોને જલ્દી જવાબ મળશે

  કામોવ-226T હેલિકોપ્ટર પર પણ ચર્ચા શક્ય

  ભારત અને રશિયાના ટેક્નોલોજી અને વિજ્ઞાન પરના સંયુક્ત આયોગની જાહેરાત કરવા ઉપરાંત સમિટમાં સૈન્ય-તકનીકી સહયોગ માટે આગામી દાયકાનો રોડમેપ પણ નક્કી કરવામાં આવે તેવી શક્યતા છે. બંને પક્ષો ભારતીય સશસ્ત્ર દળો માટે 200 ડ્યુઅલ-એન્જિનવાળા કામોવ-226T લાઇટ હેલિકોપ્ટરના સંયુક્ત ઉત્પાદન માટેના પેન્ડિંગ પ્રોજેક્ટની ચર્ચા કરવા સિવાય ઘણી સંરક્ષણ ખરીદ દરખાસ્તો પર પણ ચર્ચા કરે તેવી અપેક્ષા છે.

  પૂર્વ લદ્દાખ સરહદ વિવાદ પર થઈ શકે છે વાતચીત

  સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત, રશિયાને વિવિધ પ્રાદેશિક ઘટનાક્રમ પર પોતાની ચિંતાઓ ઉપરાંત પૂર્વી લદ્દાખ સરહદ વિવાદ પર પોતાના વલણ વિશે જણાવી શકે છે. વિવાદના ઉકેલમાં રશિયાની સંભવિત ભૂમિકા વિશે પૂછવામાં આવતા સૂત્રોએ જણાવ્યું હતું કે ભારત હંમેશા માને છે કે મુદ્દાઓને દ્વિપક્ષીય રીતે ઉકેલવા જોઈએ.

  આ પણ વાંચો: ઓફિસ બોયે મૂક્યું ઓમિક્રોન વેરિઅન્ટનું WhatsApp સ્ટેટસ, જેલના સળિયા પાછળ ધકેલાયો

  છ ડિસેમ્બર હશે રશિયન દિવસ

  તેમણે જણાવ્યું કે રશિયામાં કોવિડ-19ની વર્તમાન સ્થિતિ છતાં રાષ્ટ્રપતિ પુતિનનું ભારતની યાત્રા કરવાનો નિર્ણય એ દર્શાવે છે કે તેઓ ભારત સાથેના સંબંધને કેટલું મહત્વ આપે છે. એક પછી એક મહત્વપૂર્ણ બેઠકોનો ઉલ્લેખ કરીને સૂત્રોએ જણાવ્યું કે, ‘છ ડિસેમ્બર સંપૂર્ણપણે રશિયન દિવસ હશે.’ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ તેમના રશિયન સમકક્ષ શોયગૂ સાથે વાતચીત કરશે. આ સિવાય વિદેશ મંત્રી એસ જયશંકર રશિયાના વિદેશ મંત્રી લાવરોવ સાથે વાતચીત કરશે. આ પછી, બંને દેશોના વિદેશ અને સંરક્ષણ પ્રધાનો 11.30 વાગ્યે 'ટુ પ્લસ ટુ' મંત્રણા કરશે.

  વેપાર, ઉર્જા, સંસ્કૃતિ અને સંરક્ષણ સહિત અનેક ક્ષેત્રોમાં સમજૂતી કરવામાં આવશે

  સૂત્રોએ જણાવ્યું કે વેપાર, ઉર્જા, સંસ્કૃતિ, સુરક્ષા અને ટેક્નોલોજી સહિત વિવિધ ક્ષેત્રોમાં કરારો પર હસ્તાક્ષર કરવામાં આવશે. અન્ય એક સૂત્રએ જણાવ્યું કે, ‘વૈશ્વિક ભૌગોલિક રાજકીય ફેરફારો સિવાય રશિયા સાથે આપણા સંબંધ બહુ સ્થિર છે.’ સંરક્ષણ ક્ષેત્રે સહકાર અંગે સૂત્રોએ જણાવ્યું કે બંને પક્ષો લશ્કરી સાધનો અને મંચોના સહ-ઉત્પાદન અને સહ-વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરશે. રોકાણ સંબંધોનો ઉલ્લેખ કરીને તેમણે કહ્યું કે 2018માં 30 અબજ ડોલરનું લક્ષ્ય પહેલેથી જ હાંસલ કરવામાં આવ્યું છે અને હવે 2025 સુધીમાં 50 અબજ ડોલરનું લક્ષ્ય છે.

  આ પણ વાંચો: વેક્સિનના બૂસ્ટર ડોઝ પર સોમવારે NTAGIની બેઠક, આ લોકોને આપવામાં આવશે વધારાનો ડોઝ

  ક્વાડને લઈને રશિયાના વિરોધ પર ભારતે કહી આ વાત

  ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયાના ક્વાડ સામે રશિયાના સખત વિરોધ વિશે પૂછવામાં આવતાં સૂત્રોએ જણાવ્યું કે નવી દિલ્હી કોઈપણ જૂથ સાથે સંબંધિત નથી અને તે ભારત-પેસિફિકમાં ઊભી થતી પરિસ્થિતિના આધારે સહયોગ આપી રહ્યું છે. તેમણે કહ્યું કે રશિયા હિંદ-પ્રશાંત માટે ભારતની દૂરંદેશીની પ્રશંસા કરે છે. સૂત્રોએ જણાવ્યું કે ભારત રશિયાના ફાર ઈસ્ટર્ન રિજન સાથે વેપાર સંબંધો વધારવા માટે પણ ઉત્સુક છે અને આગામી વાઈબ્રન્ટ ગુજરાત સમિટ માટે આ પ્રદેશના 11 ગવર્નરોને આમંત્રણ આપવામાં આવ્યું છે.
  Published by:Nirali Dave
  First published:

  Tags: Russia, Vladimir putin, નરેન્દ્ર મોદી, ભારત

  આગામી સમાચાર

  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन