PM મોદી રશિયા પહોંચ્યા, પુતિન સાથે કરશે અનૌપચારિક બેઠક

  • Share this:
    નવી દિલ્હી:  PM મોદી પુતિનના આમંત્રણ પર રશિયા પહોંચી ગયા છે. રશિયાના ટોચના અધિકારીઓએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યુ હતુ.  હવે  પીએમ મોદી અને પુતિન રીસોર્ટ્સમાં જશે.

    4 વર્ષમાં પીએમ મોદીનો રશિયાનો આ ચોથો પ્રવાસ છે. આયોજીત અનઔપચારિક શિખર સંમેલનમાં મોદી સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવા રશિયાના રાષ્ટ્રપતિ પુતિને ખાસ આમંત્રણ આપ્યું છે. મોદી અને પુતિન વચ્ચે ઈરાન પરમાણુ સમજૂતીથી લઈને આઈએસ, સીરિયા, અફઘાનિસ્તાન અને ન્યૂક્લિયર પાવર અંગે વાતચીત થવાની સંભાવના છે.

    મોદી અને પુતીન વચ્ચે આશરે ચાર કલાક સુધી વિવિધ મુદ્દાઓને લઇને વાતચીત થશે.  પુતીન અને મોદી વચ્ચે કેટલાક મહત્વના મુદ્દાઓને લઇને ચર્ચા થશે.રશિયા પર લગાવેલા પ્રતિબંધોની શું અસર થશે તેની પણ મોદી અને પુતીન વચ્ચે ચર્ચા થવાની શક્યતાઓ છે.



    રશિયા 2030 સુધી ભારતમાં 18 પ્લાન્ટ લગાવશે
    ભારત વિશ્વના સૌથી મોટા સુરક્ષા આયાતકારોમાંથી એક છે. રશિયા ક્રૂડ અને પ્રાકૃતિક ગેસના મુદ્દે ખૂબ જ સમૃદ્ધ છે. અમેરિકા અને ચીન બાદ ભારત ક્રૂડ અને ગેસની સૌથી વધુ આયાત કરે છે. 2030 સુધીમાં રશિયા, ભારતમાં 16થી 18 નવા ન્યૂક્લિયર પાવર રીએક્ટર લગાવશે. તેમાં એકની ક્ષમતા 1000 મેગાવોટ છે. એક રિએક્ટરની કિંમત 17 હજાર કરોડ રૂ. છે.

    રશિયા, ભારતને એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ આપશે
    ભારત, રશિયાથી પરમાણુ સબમરીન લીઝ પર લેવા માગે છે. રશિયા પાસેથી 40,000 કરોડ રૂપિયાના ખર્ચે એર ડિફેન્સ મિસાઈલ સિસ્ટમ પણ ખરીદવાના કરાર કર્યા છે. રશિયા, ભારતને ઓછી કિંમતમાં જ સુખોઈ ટી-50 લડાકુ જેટ આપવાની દરખાસ્ત કરી ચૂક્યું છે. ભારત, રશિયાનો સૌથી મોટો હથિયાર ખરીદદાર છે. 68 ટકા સૈન્ય હાર્ડવેર ખરીદે છે.

    2025 સુધીમાં ટ્રેડ 2 લાખ કરોડ રૂ. પહોંચાડવાનો છે
    ભારત અને રશિયા વચ્ચે વર્તમાન વાર્ષિક 80 હજાર કરોડ રૂપિયાથી વધુનો દ્વિપક્ષીય વેપાર થઈ રહ્યો છે. બંનેએ તેને 2025 સુધીમાં 2 લાખ કરોડ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. આ અંગે ભારત અને રશિયા વચ્ચે વાતચીત થઈ શકે છે. તેમાં પરમાણુ, સુરક્ષા, વેપાર અને પ્રવાસન પર વિશેષ ધ્યાન અપાશે.

    ઉલ્લેખનીય છે કે બંને દેશોના શીર્ષ નેતાઓ વચ્ચે વાર્ષિક શિખર બેઠકોનો દોર 2000થી ચાલી રહ્યો છે. આ બેઠકો સમયાંતરે મોસ્કો અને નવી દિલ્હીમાં આયોજીત કરાતી રહી છે. આ વર્ષે પુતિન પણ ભારતની મુલાકાતે આવશે.
    Published by:Bhoomi Koyani
    First published: