નવી દિલ્હી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi) આજે કોવિડ-19 વિરોધી રસી બનાવનારી સાત ભારતીય કંપનીઓના પ્રતિનિધિ સાથે મુલાકાત કરવાના છે. આ મુલાકાત એવા સમયે થઈ રહી છે, જ્યારે ભારતે પોતાના નાગરિકોને રસીના 100 કરોડ ડોઝ આપવાની સિદ્ધિ હાંસલ કરી છે.
ઓફિશ્યલ સૂત્રોથી મળેલી જાણકારી મુજબ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની આ મુલાકાતમાં સીરમ ઇન્સ્ટીટયુટ ઓફ ઇન્ડિયા, ભારત બાયોટેક, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝ, ઝાયડસ કેડિલા, બાયોલોજિકલ ઈ, જેન્નોવા બાયોફાર્માં અને પેનેસિયા બાયોટેકના પ્રતિનિધિ હાજર રહેશે. સૂત્રોએ જણાવ્યું કે વડાપ્રધાન આ દરમ્યાન ભારતની તમામ યોગ્ય વસ્તીનું બને એટલું જલ્દી રસીકરણ કરવા અને ‘દરેક માટે રસી’ મંત્ર હેઠળ અન્ય દેશોની મદદ કરવા પર ભાર મૂકી શકે છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડાઓ મુજબ ભારતમાં અત્યારસુધીમાં રસીના 101.30 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. ભારતે 21 ઓક્ટોબરે મહામારી સામે રસીકરણ અભિયાન હેઠળ એક અબજ ડોઝનો આંકડો પાર કરીને ઐતિહાસિક સિદ્ધિ મેળવી હતી જેના માટે દુનિયાભરમાંથી દેશને અભિનંદન મળી રહ્યા છે. દેશમાં રસીકરણને લાયક વયસ્કોમાંથી 75 ટકાથી વધુ લોકોને ઓછામાં ઓછો એક ડોઝ મળી ચૂક્યો છે. જ્યારે આશરે 31 ટકા લોકોને રસીના બંને ડોઝ મળી ગયા છે. નવ રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં દરેક યોગ્ય વ્યક્તિને રસીનો પહેલો ડોઝ મળી ચૂક્યો છે.
રસીકરણ અભિયાનની શરૂઆત 16 જાન્યુઆરીએ થઈ હતી અને એ પહેલાના ચરણમાં સ્વાસ્થ્યકર્મીઓને રસી લગાડવામાં આવી હતી. એ પછી 2 ફેબ્રુઆરીથી ફ્રન્ટલાઇનર્સના વેક્સીનેશનનો પ્રારંભ થયો હતો. રસીકરણ અભિયાનનું એ પછીનું ચરણ એક માર્ચથી શરુ થયું જેમાં 60 વર્ષથી વધુ ઉંમર ધરાવતી દરેક વ્યક્તિ અને ગંભીર બીમારીઓથી ગ્રસ્ત 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી લગાવવાનું શરુ કર્યું હતું.
દેશમાં 45 વર્ષથી વધુ ઉંમરના બધા લોકોનું રસીકરણ એક એપ્રિલથી શરુ થયું હતું અને 18 વર્ષથી વધુ ઉંમરના દરેક લોકોનું રસીકરણ એક મેથી શરુ થયું.
વડાપ્રધાને 100 કરોડ ડોઝના માઈલસ્ટોનને લઈને એવું પણ જણાવ્યું હતું કે, દેશ પર ઉઠેલા સવાલોનો જવાબ 100 કરોડના આંકડાએ આપી દીધો છે અને હવે ભારતને સુરક્ષિત જગ્યા માનવામાં આવશે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર