ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મિશન શક્તિના સંબોધનને આચાર સંહિતાનું ઉલ્લંઘન નથી માન્યું. ચૂંટણી પંચનું કહેવું છે કે, મોદીના સંબોધનમાં કોઈ પણ પ્રકારે તેમની પાર્ટીનો પ્રચાર નથી કરવામાં આવ્યો. સંબોધન દરમ્યાન પીએમ મોદીએ વોટની અપીલ પણ નથી કરી.
ચૂંટણી પંચે દૂરદર્શન અને ઓલ ઈન્ડીયા રેડિયોને આ મામલે નોટિસ ફટકારી હતી. જેના જવાબમાં દૂરદર્શને કહ્યું કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધનની રેકોર્ડિંગ દૂરદર્શન દ્વારા નથી કરવામાં આવી અને તેના સહયોગ માટે ના કોઈ સ્ટાફ મોકલ્યો હતો.
દૂરદર્શને કહ્યું કે, તેમણે એજન્સીમાંથી ફીડ કાપી હતી. પોતે રેકોર્ડિગ નથી કર્યું. આ મુદ્દે ઓલ ઈન્ડીયા રેડિયોએ કહ્યું કે, પ્રધાનમંત્રી મોદીનો ઓડિયો દૂરદર્શન દ્વારા લેવામાં આવ્યો હતો. ચૂંટણી પંચે બને સંસ્થાઓ પાસે ફીડની જાણકારી માંગી હતી.
ચૂંટણી પંચે તેના માટે એક તપાસ કમીટીની રચના કરી હતી દૂરદર્શન અને આકાશવાણી પાસેથી પ્રસારણની ફીડ અને સ્ત્રોત અને અન્ય જાણકારી પણ માંગી હતી. પ્રધાનમંત્રીના સંબોધનને લઈ સીપીઆઈ (એમ)ના મહાસચિવ સીતારામ યેચુરીને ચૂંટણી પંચ સામે ફરિયાદ કરી હતી.
વિપક્ષની ફરિયાદ બાદ ચૂંટણી પંચે બુધવારે નાયબ ચૂંટણી કમિશ્નરના નેતૃત્વમાં એક પેનલની રચના કરી હતી. જેણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ભાષણની તપાસ કરી. વિપક્ષી દળોએ ફરિયાદમાં કહ્યું હતું કે, પીએમએ પોતાના સંબોધનમાં સરકારની ઉપલબ્ધી વિશે વાતો કરી હતી. તેમના ભાષણમાં રાષ્ટ્રીય સુરક્ષા સંબંધીત કઈં ન હતું.
તમને જણાવી દઈએ કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રના નામે સંબોધનમાં બુધવારે સવારે જણાવ્યું કે, ભારત આજે અંતરીક્ષની મહાશક્તિ બની ગયું છે. તેમણે કહ્યું કે, ભારતે આજે પોતાનું નામ સ્પેસ પાવર તરીકે નોંધાવી દીધુ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મિશન શક્તિના સંબોધન બાદથી જ ચૂંટણી પંચ આ મામલા પર નજર રાખી રહ્યું હતું. ચૂંટણી પંચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સંબોધન પર વિભિન્ન પહેલુ પર ચર્ચા કરી. જેમાં ચૂંટણી આચાર સંહિતા સાથે જોડાયેલા તમામ પહેલુ પર પણ ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ પ્રધાનમંત્રીને ક્લિન ચીટ આપવાનો નિર્ણય લીધો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર