પીએમ મોદી આજે 297 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે

News18 Gujarati
Updated: February 29, 2020, 9:15 AM IST
પીએમ મોદી આજે 297 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે
પીએમ મોદી (ફાઇલ તસવીર)

14849.09 કરોડના ખર્ચે બનનારો આ એક્સપ્રેસ-વે બુંદેલખંડ ક્ષેત્રને રોડના માધ્યમથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે જોડશે.

  • Share this:
ચિત્રકૂટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં 297 કિલોમીટર લાંબા બુંદેલખંડ એક્સપ્રેસ-વે (Bundelkhand Express-way)નો શિલાન્યાસ કરશે. આ ઉપરાંત તેઓ ખેડૂતોને કિસાન ક્રેડિટ કાર્ડનું વિતરણ પણ કરશે. આ જ ક્રમમાં તેઓ પ્રયાગરાજનો પ્રવાસ પણ કરશે. અહીં પરેડ ગ્રાઉન્ડમાં આશરે 27 હજાર દિવ્યાંગો અને વૃદ્ધોને વિવિધ વસ્તુઓનું વિતરણ કરશે. આટલી મોટી સંખ્યામાં લોકોને ઉપકરણોનું વિતરણ કરવા અંગેનો વર્લ્ડ રેકોર્ડ પણ બનશે. સાથે જ પીએમ મોદી પ્રયાગરાજની ધરતી પર લોકોને સ્વચ્છતા, પર્યાવરણ સંરક્ષણ અને સામાજિક એકતાનો સંદેશ પણ આપશે. સાથે જ દિવ્યાંગો અને વૃદ્ધો સાથે વાતચીત કરીને તેમનું મનોબળ પણ વધારશે.

પીએમ મોદીના આગમન પહેલા તૈયારીનો તાગ મેળવવા માટે ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ ચિત્રકૂટ પહોંચી ગયા હતા. ચિત્રકૂટના ભરતકૂપ વિસ્તારના ગોંડા ગામ ખાતે એક્સપ્રેસ-વે શિલાન્યાસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. આ એક્સપ્રેસ-વે ચિત્રકૂટ, બાંદા, હમીરપુર, મહોબા, જાલૌન, ઔરેયા અને ઇટાવા થઈને આગ્રા એક્સપ્રેસ સાથે જોડવામાં આવશે. 14849.09 કરોડના ખર્ચે બનનારો આ એક્સપ્રેસ-વે બુંદેલખંડ ક્ષેત્રને રોડના માધ્યમથી રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સાથે જોડશે. આ ઉપરાંત 296.070 કિલોમીટર લાંબો આ એક્સપ્રેસ વે છ લેનનો હશે.

સીએમ યોગી આદિત્યનાથે ટ્વિટ કરીને કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ઉત્તર પ્રદેશમાં આગમન પર રાજ્યના લોકો તરફથી હું તેમનું સ્વાગત કરું છું. તેમની આ યાત્રા દિવ્યાંગજનોની સેવા માટે સમર્પિત છે. તેઓ બુંદેલખંડ એક્સપ્રેસ-વેનો શિલાન્યાસ કરશે. સીએમ યોગીએ કહ્યુ કે પછાતપણાનો થપ્પો લાગ્યો છે તેવા બુંદેલખંડ વિસ્તારની પ્રગતિનો આજે સૂર્યોદય થશે.

પીએમ મોદીના કાર્યક્રમને લઈને સુરક્ષાની ખૂબ જ વ્યવસ્થા કરવામાં આવી છે. કાર્યક્રમ સ્થળે 126 સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આ ઉપરાંત મંજૂરી વગર ડ્રોનને ઉડાડવા પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. પોલીસ અને પીએસી ઉપરાંત પેરા મિલિટરીની 10 કંપની તહેનાત કરવામાં આવી છે. મંચ અને આસપાસના વિસ્તારની દેખરેખ એસપીજી રાખી રહી છે. આ પ્રસંગે મોદી હાજર લોકોને સંબોધન કરશે.
First published: February 29, 2020, 9:15 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading