નવી દિલ્હી: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે 'મન કી બાત' ( Maan ki Baat) થકી 74મી વખત રાષ્ટ્રને સંબોધન કર્યું હતું. આ વખતે પીએમ મોદીએ રેડિયો કાર્યક્રમમાં પાણીના સંરક્ષણ માટે ખાસ ભાર આપ્યો હતો. પીએમ મોદીએ પાણીને પારસથી પણ મહત્ત્વનું ગણાવ્યું હતું. સાથે જ લોકોને પાણીના સંરક્ષણ માટે કામ કરવાની અપીલ કરી હતી. પીએમ મોદીએ કહ્યુ હતુ કે, જળ આપણા માટે જીવન અને આસ્થા છે. જળ વિકાસની ધારા છે. પાણી તમામ માટે જરૂરી છે. આ પારસથી પણ વધારે મહત્ત્વપૂર્ણ છે.
આ પહેલા પ્રસારિત થયેલા 'મન કી બાત' કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીએ દેશના લોકોને કળા, સંસ્કૃતિ અને પ્રવાસન ક્ષેત્રે પ્રેરણા આપતી વાર્તાઓ શેર કરવાનું જણાવ્યું હતું. આ પહેલાના 'મન કી બાત' રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદીએ દિલ્હીમાં ગણતંત્ર દિવસ પર થયેલી હિંસાની ઘટનાઓની ટીકા કરી હતી.
પીએમ મોદીના 'મન કી બાત' કાર્યક્રમના અંશો:
-પાણીના સંરક્ષણ માટે અત્યારથી જ પ્રયાસ શરૂ કરવા પડશે. પાણી આપણા માટે પારસ છે.
-જળ આપણા માટે જીવન અને આસ્થા છે. જળ વિકાસની ધારા છે. પાણી તમામ માટે જરૂરી છે. આ પારસથી પણ વધારે મહત્ત્વપૂર્ણ છે.
-પીએમ મોદીએ પાણીના સંરક્ષણ માટે કરવામાં આવી રહેલા પ્રયાસોનો ઉલ્લેખ કર્યો.
-આગામી દિવસોમાં 'જલશક્તિ અભિયાન'ની શરૂઆત કરાશે. ગામોમાં જળ સ્ત્રોતોની સફાઈ કરવામાં આવશે. તેમાં આવતા અવરોધો દૂર કરાશે.
-પીએમ મોદીએ લોકોને અપીલ કરી કે, જળના સંગ્રહ માટે અત્યારથી જ પ્રયાસ શરૂ કરવામાં આવે. જેનાથી ચોમાસામાં જે વરસાદ પડે તે પાણીનો સંગ્રહ કરી શકાય.
જળ સંરક્ષણ પર ભાર: મન કી બાત કાર્યક્રમમાં જળ સંરક્ષણ પર ભાર આપતા પીએમ મોદીએ કહ્યુ કે, "થોડા દિવસ પછી 22 તારીખે 'વર્લ્ડ વોટર ડે' છે. એક સમય હતો કે ગામમાં કૂવા, તળાવની તમામ લોકો મળીને દેખરેખ રાખતા હતા. હવે આવો જ એક પ્રયોગ તમિલનાડુના તિરુવન્નામલાઈમાં થઈ રહ્યો છે. મધ્ય પ્રદેશના અગરોથા ગામના બબીતા રાજપૂત પણ જે કરી રહ્યા છે તેમાંથી તમને પ્રેરણા મળશે."
પીએમ મોદીએ કહ્યુ કે, "આજે નેશનલ સાઇન્સ ડે છે. આજનો દિવસ ભારતના મહાન વૈજ્ઞાનિક ડૉક્ટર સી.વી.રામન તરફથી આપવામાં આવેલા 'રમન ઇફેક્ટ' શોધને સમર્પિત છે. આપણે જેવી રીતે બીજા દેશના વૈજ્ઞાનિકો વિશે જાણીએ છીએ તેવી જ રીતે ભારતના વૈજ્ઞાનિકો વિશે જાણવું જોઈએ."
હિંમત હોય તો ખેડૂતોની વાત કરો: રાહુલ ગાંધી
મોદીના 'મન કી બાત' કાર્યક્રમ પહેલા કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને પીએમ મોદી પર નિશાન તાક્યું છે. તેમણે પીએમ મોદીને પડકાર ફેંક્યો છે કે હિંમત હોય તો ખેડૂતો અને રોજગારીની વાત કરો. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "હિંમત હોય તો ખેડૂતો અને નોકરીની વાત કરો." ઉલ્લેખનીય છે કે છેલ્લા એક અઠવાડિયાથી રાહુલ ગાંધી પીએમ મોદી પર નિશાન તાકતા રહ્યા છે. શનિવારે તેમણે મોંઘવારીના મુદ્દા પર સરકારને ઘેરવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે ટ્વીટ કરતા લખ્યું હતું કે શું ક્યાંક એવી જગ્યા છે જ્યાં દરરોજનું કમાઇને ખાનારા લોકો માટે જરૂરિયાતની વસ્તુઓ મળતી હોય અને ત્યાં જઈને તમને એવું ન લાગે કે સરકાર તમને લૂંટી રહી છે?