વર્ષની અંતિમ ‘મન કી બાત’માં PM મોદીએ Omicron અંગે દેશવાસીઓને ચેતવ્યા, શહીદ કેપ્ટન વરુણ સિંહને યાદ કર્યા
વર્ષની અંતિમ ‘મન કી બાત’માં PM મોદીએ Omicron અંગે દેશવાસીઓને ચેતવ્યા, શહીદ કેપ્ટન વરુણ સિંહને યાદ કર્યા
આ ‘મન કી બાત’ આ વર્ષનો (Mann Ki Baat 2021) અંતિમ કાર્યક્રમ છે.
PM Modi Mann Ki Baat Live Streaming: 'આજે વિશ્વમાં રસીકરણના જે આંકડા છે, તેની સરખામણી ભારત સાથે કરીએ, તો લાગે છે કે દેશે કેટલું અભૂતપૂર્વ કામ કર્યું છે.'
Mann Ki Baat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi Mann Ki Baat) આજે રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ના માધ્યમથી દેશને સંબોધિત કરી રહ્યા છે. દર મહિનાના છેલ્લા રવિવારે પીએમ મોદી ‘મન કી બાત’ કરે છે. આજે મન કી બાતની 84મી આવૃત્તિ હશે. આ ‘મન કી બાત’ આ વર્ષનો (Mann Ki Baat 2021) અંતિમ કાર્યક્રમ છે.
રસીકરણની પ્રશંસા કરી
આજે વિશ્વમાં રસીકરણના જે આંકડા છે, તેની સરખામણી ભારત સાથે કરીએ, તો લાગે છે કે દેશે કેટલું અભૂતપૂર્વ કામ કર્યું છે. વેક્સીનના 140 કરોડ ડોઝનો માઈલસ્ટોન પાર કરવો, એ દરેક ભારતીયની સિદ્ધિ છે.
PM મોદીએ 'મન કી બાત'નો 84મો એપિસોડ શરૂ કર્યો. તેમણે કહ્યું, 'આ સમયે તમે 2021ને વિદાય આપવા અને 2022ને આવકારવાની તૈયારી કરી રહ્યા હશો. નવા વર્ષ નિમિત્તે દરેક વ્યક્તિ, દરેક સંસ્થા આવનારા વર્ષમાં કંઈક સારું કરવા, વધુ સારા બનવાનો સંકલ્પ લે છે. છેલ્લા સાત વર્ષથી આપણી 'મન કી બાત' પણ વ્યક્તિ, સમાજ, દેશની સારી બાબતોને ઉજાગર કરીને વધુ સારું કરવા, વધુ સારા બનવાની પ્રેરણા આપતી આવી છે.
પીએમ મોદીએ કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોન અંગે દેશવાસીઓને ચેતવ્યા હતા. તેમણે કહ્યું કે, ‘કોરોનાનો નવો વેરિઅન્ટ આવી ચૂક્યો છે. આપણે તેનું ધ્યાન રાખવું પડશે.’ મોદીએ કહ્યું કે ‘જે નવો વેરિઅન્ટ ઓમિક્રોન આવ્યો છે, તેનો અભ્યાસ આપણા વૈજ્ઞાનિકો કરી રહ્યા છે.’ તેમણે નાગરિકોને અપીલ કરી કે ‘સ્વયંની સજાગતા, શિસ્ત કોરોનાના આ નવા વેરિઅન્ટ સામે આપણી શક્તિ છે.’
શહીદ ગ્રુપ કેપ્ટન વરુણ સિંહને યાદ કર્યા
પીએમ મોદીએ કહ્યું, 'મારા વ્હાલા દેશવાસીઓ, મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કહ્યું હતું - 'નભ: સ્પૃશં દિપ્તમ' એટલે ગર્વથી આકાશને સ્પર્શવું. તે ભારતીય વાયુસેનાનું વાક્ય પણ છે. આવું હતું ગ્રુપ કેપ્ટન વરુણ સિંહનું જીવન...વરુણ સિંહ, એ હેલિકોપ્ટરને ઉડાવી રહ્યા હતા, જે આ મહિને તમિલનાડુમાં એક દુર્ઘટનાનો શિકાર થઈ ગયું. તે અકસ્માતમાં, આપણે દેશના પ્રથમ CDS જનરલ બિપિન રાવત અને તેમની પત્ની સહિત ઘણા વીરોને ગુમાવ્યા. વરુણ સિંહ પણ મૃત્યુ સામે ઘણા દિવસો સુધી બહાદુરીથી લડ્યા, પરંતુ પછી તે પણ આપણને છોડીને ચાલ્યા ગયા.
પીએમ મોદીની લોકોને ખાસ અપીલ
1857ના પ્રથમ સ્વતંત્રતા સંગ્રામની સાક્ષી, આજે પણ લખનૌની દિવાલો પર જોવા મળે છે. રેસીડેન્સીમાં થયેલા ડ્રોન શોમાં ભારતીય સ્વતંત્રતા સંગ્રામના વિવિધ પાસાઓને જીવંત કરવામાં આવ્યા હતા. 'ચૌરી ચૌરા આંદોલન' હોય, 'કાકોરી ટ્રેન'ની ઘટના હોય કે પછી નેતાજી સુભાષની અદમ્ય હિંમત અને બહાદુરી હોય, આ ડ્રોન શોએ દરેકનું દિલ જીતી લીધું. એ જ રીતે, તમે તમારા શહેરો, ગામડાઓની આઝાદીની ચળવળ સાથે જોડાયેલા વિશિષ્ટ પાસાઓને પણ લોકો સમક્ષ લાવી શકો છો. ટેક્નોલોજી પણ આમાં ઘણી મદદ કરી શકે છે.
પુસ્તકો વાંચવા માટે કર્યા પ્રેરિત
પીએમ મોદીએ કહ્યું, પુસ્તકો માત્ર જ્ઞાન જ નથી આપતા પરંતુ વ્યક્તિત્વને પણ શણગારે છે, તે જીવનને આકાર આપે છે. પુસ્તકો વાંચવાનો શોખ અદભુત સંતોષ આપે છે. આજકાલ હું જોઉં છું કે લોકો ગર્વથી કહે છે કે મેં આ વર્ષે આટલા પુસ્તકો વાંચ્યા છે. હવે મને વધુ પુસ્તકો વાંચવા છે. આ એક સારો ટ્રેન્ડ છે, જેને વધારવો જોઈએ. હું 'મન કી બાત'ના શ્રોતાઓને પણ કહીશ કે તમે આ વર્ષના એ પાંચ પુસ્તકો વિશે જણાવો જે તમારા મનપસંદ રહ્યા છે. આ રીતે, તમે 2022માં અન્ય વાચકોને પણ સારા પુસ્તકો પસંદ કરવામાં મદદ કરી શકશો.
પ્રાચીન ભારતની કળાનો ઉલ્લેખ કર્યો
'મન કી બાત'માં પીએમએ કહ્યું, 'મને ગોવાના સાગર મુલે જીના પ્રયાસો વિશે પણ જાણવા મળ્યું છે, જેઓ સેંકડો વર્ષ જૂની 'કાવી' ચિત્રકળાને લુપ્ત થવાથી બચાવવામાં લાગ્યા છે. 'કાવી' ચિત્રકળા ભારતના પ્રાચીન ઈતિહાસને પોતાનામાં આવરી લે છે! વાસ્તવમાં 'કાવ'નો અર્થ છે લાલ માટી. પ્રાચીન સમયમાં આ કળામાં લાલ માટીનો ઉપયોગ કરવામાં આવતો હતો. ગોવામાં પોર્ટુગીઝ શાસન દરમિયાન ત્યાંથી પલાયન કરનારા લોકોએ અન્ય રાજ્યોના લોકોને આ અદ્ભુત ચિત્રકળાનો પરિચય કરાવ્યો હતો. સમયની સાથે આ ચિત્રકળા લુપ્ત થઈ રહી હતી પરંતુ સાગર મુલે જીએ આ કલાને નવું જીવન આપ્યું છે. તેમના આ પ્રયાસને પણ ઘણી પ્રશંસા મળી રહી છે.
'મન કી બાત'ના પાછલા એપિસોડમાં પીએમ મોદીએ સ્ટાર્ટઅપના મહત્વ પર ભાર મૂક્યો હતો. પીએમ મોદીએ સ્વચ્છ વાતાવરણ પર પણ ભાર મૂક્યો હતો. વડાપ્રધાને આયુષ્માન ભારતના લાભાર્થીઓ સાથે પણ વાત કરી અને આશ્ચર્ય વ્યક્ત કર્યું કે કેવી રીતે વસ્તુઓ ઝડપથી બદલાઈ રહી છે કારણકે સરકાર યોજનાઓ બનાવે છે, બજેટ ખર્ચે છે, પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરે છે, લોકોને લાગે છે કે તે કામ કરી રહ્યું છે.
પીએમ મોદીએ આ મહિનાની શરૂઆતમાં ટ્વિટ કર્યું હતું કે, મને આ મહિનાની 26 તારીખે મન કી બાત માટે ઘણાં ઇનપુટ મળી રહ્યા છે. આ 2021ની આખરી મન કી બાત હશે. ઇનપુટ અલગ-અલગ ક્ષેત્રોને આવરી લે છે અને પાયાના સ્તરે પરિવર્તન લાવવા માટે કામ કરતા કેટલાય લોકોની જીવન યાત્રાનો ઉત્સવ મનાવે છે. પોતાના વિચારો શેર કરતા રહો.
ક્યાં સાંભળી શકશો ‘મન કી બાત’
'મન કી બાત' કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન ઉપરાંત વિવિધ પ્લેટફોર્મ પર પણ ઉપલબ્ધ હશે.
આ રીતે મોકલી શકો છો સૂચનો
આ કાર્યક્રમમાં પીએમ મોદી વિવિધ પ્લેટફોર્મ દ્વારા સામાન્ય લોકો પાસેથી સલાહ અને સૂચનો આમંત્રિત કરે છે અને બાદમાં ઘણાનો ઉલ્લેખ તેમના કાર્યક્રમના માધ્યમથી કરે છે. તમે નરેન્દ્ર મોદીની વેબસાઈટ પર જઈને તમારું રજીસ્ટ્રેશન કરાવી શકો છો અને તમારા સૂચનો મોકલી શકો છો. આ સિવાય, mygov.in પર આપવામાં આવેલી માહિતી મુજબ, તમે 1922 પર મિસ્ડ કોલ પણ કરી શકો છો અને SMSમાં મળેલી લિંકને અનુસરીને તમારા સૂચનો સીધા જ વડાપ્રધાનને આપી શકો છો. તમે ટોલ ફ્રી નંબર 1800-11-7800 પર ડાયલ કરીને તમારા સૂચનો પણ રેકોર્ડ કરી શકો છો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર