સવર્ણોને 10 ટકા અનામત પર જે રીતે મોદી સરકારે છેલ્લી ઘડીએ નિર્ણય લીધો ત્યારબાદ સૌની સામે એ સવાલ છે કે છેવટે અનામતનો વિચાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ક્યાંથી આવ્યો? શું અનામત આપવાનો નિર્ણય અચાનક લેવામાં આવ્યો કે તેને નોટબંધીની જેમ બધાથી છૂપાવીને રાખવામાં આવ્યો હતો?
વડાપ્રધાન કાર્યાલયના નજીકના સૂત્રોનું માનીએ તો સવર્ણોને અનામત આપવાનો નિર્ણય છેલ્લી ઘડીએ લેવામાં આવ્યો હતો. મૂળે, ઉત્તર પ્રદેશમાં સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટીના ગઠબંધનના અહેવાલો બાદ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ ઉત્તર પ્રદેશને લઈને ઘણું ચિંતિત હતું એવામાં ગયા સપ્તાહે વડાપ્રધાન કાર્યાલયમાં ઉત્તર પ્રદેશને લઈને લાંબી બેઠક થઈ. બેઠકમાં નીતિ આયોગ સહિત અનેક મંત્રાલયો અને ઉત્તર પ્રદેશ સાથે સંલગ્ન અધિકારીઓ ને બોલાવવામાં આવ્યા.
સંઘની લીધી હતી સલાહ બેઠકમાં સરકારે આ અધિકારીઓને ઉત્તર પ્રદેશમાં સરકાર અને પાર્ટીની છબિ સુધારવા માટે સૂચનો માગ્યા. અધિકારીઓએ સૂચનો પણ આપ્યા પરંતુ તેમની ભલામણો એટલી સારી નહોતી કે ચૂંટણી સુધી તેની અસર જનતા પર જોવા મળે. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ પાર્ટીના સિનિયર નેતાઓ અને સંઘના નેતાઓ સાથે વાત કરી. સૂત્રોનું માનીએ તો ભાજપ અને સંઘના નેતાઓએ વડાપ્રધાનને એવો ફીડબેક આપ્યો કે ભાજપના પરંપરાગત મતદારો એસસી/એસટીમાં કોર્ટમાં નિર્ણય બદલવાથી નારાજ છે અને તેની અસર ત્રણ રાજ્યોની ચૂંટણી ઉપર પણ પડી છે. એવામાં પાર્ટીની સામે નવા મતદાતા જોડતાં પહેલા જૂના મતદાતાને પોતાની સાથે રાખવાનો પડકાર આવ્યો.