Home /News /national-international /

Modi@8: પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના 8 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલે શું કહ્યું?

Modi@8: પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના 8 વર્ષ પૂર્ણ થવા પર ગુજરાત સીએમ ભુપેન્દ્ર પટેલે શું કહ્યું?

પ્રધાનમંત્રી તરીકે નરેન્દ્ર મોદીના 8 વર્ષ પૂર્ણ અવસર પર સીએમ ભુપેન્દ્ર પટેલે શું કહ્યું?

Modi@8 : પીએમ નરેન્દ્ર મોદી (PM Narendra Modi) ને વડાપ્રધાન તરીકે આઠ વર્ષ પૂરા કરવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે, ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) કહ્યું કે, મોદીએ ભારતની એક નવી ઓળખ બનાવવા માટે "પોતાનું જીવન સમર્પિત" કર્યું છે

વધુ જુઓ ...
  Modi@8:  નરેન્દ્ર મોદી (Narendra Modi) ને વડાપ્રધાન તરીકે આઠ વર્ષ પૂરા કરવા જઈ રહ્યા છે. વડાપ્રધાન મોદીના સમર્થકોમાં ઉત્સાહ છે. ત્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) વડાપ્રધાન મોદીએ ગુજરાત માટે કરેલી કામગીરી ખૂબ વખાણી છે. તેમણે જણાવ્યું હતું કે, જ્યારે વડાપ્રધાન ગુજરાતના મુખ્ય પ્રધાન તરીકે કાર્યરત હતા તે સમયે તેમણે સંપૂર્ણ ધ્યાન ગુજરાતની પ્રગતિ તરફ જ દોર્યું હતું. 2001 થી 2014 સુધી તેમણે ગુજરાતના વિકાસ માટે અનેક કામ કામ કર્યા છે.

  મોદીએ આ તમામ વર્ષોમાં ભારતની નવી ઓળખ બનાવવા માટે પોતાની જાત સમર્પિત કરી દીધી છે. આ બીજ તેમના ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ દરમિયાન વાવવામાં આવ્યા હતા જ્યારે તેમણે નર્મદા યોજના હેઠળ સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની પ્રથમ મંજૂરી આપી હતી.

  સરદાર સરોવર ડેમના દરવાજા બંધ કરવાની ગુજરાતની લાંબા સમયથી ચાલી રહેલી માંગને મોદીએ મંજૂરી આપી હતી. આ પ્રોજેક્ટ રાજ્યની જીવાદોરી ગણાય છે. વડા પ્રધાનની મંજૂરી પછી નિષ્ણાતોની સમિતિની રચના કરવામાં આવી હતી. જેણે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રની સમસ્યાઓના નિવારણ માટે પોતાનો અહેવાલ સુપરત કર્યો હતો. સમિતિની સંમતિથી આખરે 16 જૂન, 2017ના રોજ દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. દરવાજા બંધ થવાથી રાજ્યમાં નવી તકો ખુલી હતી કારણ કે ડેમની ક્ષમતા 3.75 ગણી વધીને 4.73 મિલિયન ક્યુબિક મીટર (MCM) થઈ હતી.

  ગુજરાતને મળી ક્રૂડ ઓઈલ રોયલ્ટી

  ચાર્જ સંભાળ્યા પછી તરત જ અન્ય મુખ્ય મુદ્દાને ઉકેલતા મોદીએ માર્ચ 2015 માં ગુજરાત સરકારને ક્રૂડ ઓઇલ રોયલ્ટી તરીકે રાજ્યની પ્રાથમિકતા અને જરૂરિયાતો માટે રૂ. 763 કરોડની ચૂકવણી કરવાની મંજૂરી આપી. રાજ્યની તરફેણમાં આ એક બીજો મોટો નિર્ણય હતો કારણ કે તે સમયે મામલો સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ હતો.

  રાજકોટમાં AIIMS

  રાજ્યમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ (All India Institute of Medical Sciences, AIIMS) જેવી સંસ્થાની કાયમી માંગ હતી અને રાજ્યના મુખ્યમંત્રી તરીકે મોદીએ આ જરૂરિયાતને સમજી હતી. આથી પીએમ બન્યા પછી, હેલ્થકેર ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવવાનો તેમનુ સ્વપ્ન સાકાર થયુ છે. તેમણે રાજકોટમાં AIIMS ની સ્થાપના માટે મંજૂરી આપી અને બાદમાં ડિસેમ્બર 2020 માં તેનો શિલાન્યાસ કર્યો હતો.

  ગુજરાતમાં લાઈટ હાઉસ પ્રોજેક્ટ

  શહેરી બાબતોના મંત્રાલયની મહત્વાકાંક્ષી યોજના લાઇટહાઉસ પ્રોજેક્ટ હેઠળ લોકોને સ્થાનિક આબોહવા અને ઇકોલોજીને ધ્યાનમાં રાખીને ટકાઉ મકાનો આપવામાં આવે છે. આ પ્રોજેક્ટનો ભાગ ત્રિપુરા, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, તમિલનાડુ અને ગુજરાત જેવા રાજ્યો છે. નવા યુગની સર્વશ્રેષ્ઠ વૈશ્વિક વિશેષ ટેકનિકનું પ્રદર્શન કરતા, ભૂકંપ જેવી કુદરતી આફતોનો સામનો કરવા માટે મજબૂત અને સસ્તા મકાનો બનાવવામાં આવ્યા છે. લાઇટ હાઉસ પ્રોજેકટ હેઠળ રાજકોટ શહેરમાં 1,144 મકાનો બનાવવામાં આવી રહ્યા છે

  બુલેટ ટ્રેન


  ગુજરાતને મોદી તરફથી બીજી નોંધપાત્ર ભેટ છે હાઈસ્પીડ બુલેટ ટ્રેન. મુંબઈની સાથે અમદાવાદ ભારતના બે બિઝનેસ સેન્ટરો આ રેલ કોરિડોરના વિકાસના સાક્ષી પ્રથમ શહેરોમાં હશે. જાપાનના ભૂતપૂર્વ વડા પ્રધાન શિન્ઝો આબેની હાજરીમાં 14 સપ્ટેમ્બર, 2017ના રોજ મોદીએ આ પ્રોજેક્ટનો પાયો નાખ્યો હતો. તાજેતરમાં જાણવા મળ્યું છે કે આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતના પ્રદેશમાંથી 98% જમીન સંપાદન પૂર્ણ કરવામાં આવ્યું છે.

  સ્ટેચ્યુ ઓફ યુનિટી સાથે રેલ જોડાણ


  છેલ્લા કેટલાક વર્ષોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી ગુજરાતનું સીમાચિહ્ન બની ગયું છે. આ 182-મીટર લાંબી પ્રતિમાને જોવા માટે વિશ્વભરના પ્રવાસીઓ આ સ્થળની મુલાકાત લે છે. મુલાકાતીઓને સરળતા પ્રદાન કરવા માટે મોદીએ જાન્યુઆરી 2021માં કેવડિયા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું હતું. આનાથી ગુજરાતમાં સ્થિત વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સાથે જોડાણમાં વધારો થયો હતો. હાલમાં ભારતીય રેલવેની આઠ ટ્રેનો આ રૂટ પર દોડી રહી છે.

  કેટલીક યુનિવર્સિટીઓને રાષ્ટ્રીય દરજ્જો

  મોદીના નેતૃત્વ હેઠળની કેન્દ્ર સરકારે સપ્ટેમ્બર 2020 માં ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (GFSU) અને રક્ષા શક્તિ યુનિવર્સિટી (RSU) ને કેન્દ્રીય યુનિવર્સિટીનો દરજ્જો આપ્યો છે. પૂર્વોત્તર ક્ષેત્રની સંસ્કૃતિ, પર્યટન અને વિકાસ માટેના રાજ્યમંત્રીએ સંસદમાં આ સંબંધમાં વિશેષ બિલ પસાર કર્યું હતું. મોદી જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે તેમના નેતૃત્વમાં બંને યુનિવર્સિટીઓની સ્થાપના કરવામાં આવી હતી.

  પીએમ મોદીએ નવેમ્બર 2020માં ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરને પણ આ દરજ્જો આપ્યો હતો. આ 175 વર્ષ જૂની સંસ્થાને માનદ પદવી એનાયત થવાથી હવે તેને શૈક્ષણિક સ્વાયત્તતા પણ મળશે.

  ભારતની પ્રથમ રેલ્વે યુનિવર્સિટી

  સેક્ટર સ્પેસિફિક શિક્ષણમાં રાજ્યની નિપુણતાને સ્વીકારતા મોદીએ 2018 માં શિક્ષક દિવસ પર વડોદરામાં ભારતની પ્રથમ રાષ્ટ્રીય રેલ અને પરિવહન સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું હતું, જે ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ અને ટેકનોલોજીમાં બિઝનેસ એડમિનિસ્ટ્રેશનમાં અંડરગ્રેજ્યુએટ અભ્યાસક્રમો ઓફર કરે છે.

  ટ્રેડિશનલ મેડિસીન માટે ગ્લોબલ સેન્ટર


  મોદીએ WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ ઘેબ્રેયસસ, મોરેશિયસના પીએમ પ્રવિંદ કુમાર જુગનાથ અને ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં જામનગરમાં WHO ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિન (GCTM) નો શિલાન્યાસ કર્યો હતો. જીસીટીએમ નજીકના ભવિષ્યમાં ગુજરાતને પરંપરાગત દવાનું વૈશ્વિક હબ બનવાનો માર્ગ મોકળો કરશે.

  ગ્રીન એરપોર્ટ

  રાજકોટમાં આધુનિક સુવિધાઓથી સજ્જ ગ્રીનફિલ્ડ એરપોર્ટની સુવિધા પણ મોદીએ આપી છે. અમદાવાદ-રાજકોટ હાઇવે પર આવેલું આ એરપોર્ટ અંદાજે 1,405 કરોડના ખર્ચે 1000 હેક્ટરથી વધુ વિસ્તારમાં નિર્માણ પામી રહ્યું છે. ગુજરાતનું ચોથા નંબરનું સૌથી મોટું શહેર અને સૌરાષ્ટ્રનું આર્થિક પાટનગર ગણાતું રાજકોટ અનેક ઉદ્યોગોથી ઘેરાયેલું છે. તેથી આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ વધુ રોજગારીનું સર્જન કરશે અને દેશની નિકાસને વેગ આપશે તેવી અપેક્ષા છે

  ગુજરાતમાં વૈશ્વિક નેતાઓની યજમાની

  ગુજરાતમાં આંતરાષ્ટ્રીય નેતાઓની યજમાની અંગે મુખ્યમંત્રી પટેલે જણાવ્યું હતું કે, વૈશ્વિક નેતાઓ સાથે બેઠકો યોજવા માટે નવી દિલ્હી ઉપરાંત અન્ય રાજ્યોને પણ સમાન પ્રાધાન્ય આપવું એ વડા પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીના કાર્યકાળની મુખ્ય લાક્ષણિકતા રહી છે. વૈશ્વિક હસ્તીઓને આવકારવા માટેના સ્થળો માટે ગુજરાત હંમેશાં તેમની સૂચિમાં ટોચ પર રહ્યું છે. રાજ્યની સંસ્કૃતિ અને આતિથ્ય-સત્કાર મહત્વપૂર્ણ મુલાકાત દરમિયાન વૈશ્વિક સ્તરે ચર્ચાનો વિષય રહ્યો છે. 2014માં કાર્યભાર સંભાળ્યા બાદ તરત જ વડાપ્રધાન મોદીએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગને આમંત્રણ આપ્યું હતું અને બંને નેતાઓએ સાબરમતી રિવરફ્રન્ટ પર રાજદ્વારી ચર્ચા કરી હતી

  સપ્ટેમ્બર 2017માં જાપાનના પૂર્વ પીએમ શિન્ઝો આબે પોતાની ભારત યાત્રા દરમિયાન અમદાવાદ પહોંચ્યા હતા અને અનેક કાર્યક્રમોમાં હાજરી આપી હતી. તેઓએ અમદાવાદ-મુંબઈ હાઈ સ્પીડ ટ્રેન પ્રોજેક્ટનો શિલાન્યાસ કર્યો હતો. ત્યારબાદ જાન્યુઆરી 2018માં ઈઝરાયલના પૂર્વ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ પહેલીવાર ભારતની મુલાકાતે આવ્યા ત્યારે તેઓ સૌ પ્રથમ અમદાવાદ પહોંચ્યા હતા અને તેમની સાથે કેટલાક કાર્યક્રમો અને ઉદ્ઘાટનોમાં PM મોદીએ પણ હાજરી આપી હતી.

  બે વર્ષ પહેલાં 2020માં અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતની મુલાકાતે આવ્યા ત્યારે મોદીએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (જે તે સમયે મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખતું હતું)માં સભા પણ સંબોધવામાં આવી હતી.

  આ પણ વાંચોModi@8: 'પહેલા નોર્થઇસ્ટને નીચી નજરે જોવામાં આવતું, પીએમ મોદીએ અમને સન્માન અપાવ્યું' - બિરેન સિંહ

  તાજેતરમાં જ એપ્રિલ 2022માં WHOના મહાનિદેશક ટેડ્રોસ ઘેબ્રેયેસસ અને મોરેશિયસના વડા પ્રધાન પ્રવિન્દ કુમાર જગન્નાથે ગુજરાતની મુલાકાત લીધી હતી અને કેટલાક મહત્વપૂર્ણ કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. આ ઉપરાંત એપ્રિલ 2022માં, યુકેના વડા પ્રધાન બોરિસ જ્હોનસને ગુજરાતની મુલાકાત લીધી હતી અને સ્વતંત્રતા પછી ગુજરાતની મુલાકાત લેનારા પ્રથમ બ્રિટીશ વડા પ્રધાન બન્યા હતા. પ્રવાસ દરમિયાન તેમણે યુકેની એડિનબર્ગ યુનિવર્સિટીના સહયોગથી સ્થપાયેલી ભારતની પ્રથમ બાયોટેકનોલોજી યુનિવર્સિટી ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લીધી હતી. જ્હોન્સને હાલોલમાં બુલડોઝર મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની વિઝીટ પણ કરી હતી.
  Published by:kiran mehta
  First published:

  Tags: પીએમ નરેન્દ્ર મોદી, પીએમ મોદી, પ્રધાનમંત્રી, પ્રધાનમંત્રી મોદી

  આગામી સમાચાર