Char Dham Yatra: ઉત્તરાખંડમાં બે વર્ષ બાદ ભક્તોની ઉમટી ભીડ; સ્થાનિકોને પડી મોજ, પ્રશાસનને વળ્યો પસીનો!
Char Dham Yatra: ઉત્તરાખંડમાં બે વર્ષ બાદ ભક્તોની ઉમટી ભીડ; સ્થાનિકોને પડી મોજ, પ્રશાસનને વળ્યો પસીનો!
વહીવટતંત્રને વ્યવસ્થા જાળવી રાખવા બાબતે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
Char Dham Yatra: 10,000 ફૂટથી વધુ ઉંચાઈએ આવેલા ચાર ધામમાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા છે, જેમાં મોટે ભાગે હૃદય સંબંધી સમસ્યાઓ કારણ બની છે. તીર્થસ્થળો પર અવ્યવસ્થા ઉપરાંત પણ યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે, હોટેલો અને લોજ ખીચોખીચ ભરેલા છે.
Char Dham Yatra: બે વર્ષના કોવિડ અંતરાલ બાદ ઉત્તરાખંડ (Uttarakhand)માં ચાર ધામ યાત્રા (Char Dham Yatra) માટે આ સીઝનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે. જો કે, આ સ્થાનિક વ્યવસાયો માટે સારા સમાચાર છે, પરંતુ વહીવટતંત્રને વ્યવસ્થા જાળવી રાખવા બાબતે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
અત્યારસુધીમાં એક લાખથી વધુ શ્રદ્ધાળુઓ ચાર ધામ- કેદારનાથ, બદ્રીનાથ, ગંગોત્રી અને યમનોત્રીના દર્શન કરી ચૂક્યા છે.
3 મેએ યાત્રા શરુ થવાના પહેલા, લગભગ ત્રણ લાખ જેટલા શ્રદ્ધાળુઓએ પૂર્વશરત તરીકે રાજ્યની પ્રવાસન વેબસાઈટ પર રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જો કે, સ્થાનિક લોકોનું કહેવું છે કે હજારો અન્ય યાત્રાળુઓ કોઇપણ રજિસ્ટ્રેશન વગર મંદિરોમાં પ્રવેશ કરી રહ્યા છે.
સોશિયલ મીડિયા પર સામે આવેલા કેદારનાથના ફોટોઝ અને વિડીયોમાં જોવા મળ્યું છે કે કઈ રીતે લોકો હેલીપેડ અને મંદિરની નજીક લગભગ એક કિમી સુધીની લાંબી સર્પાકાર લાઈનોમાં જગ્યા મેળવવા માટે ભારે ધક્કામુક્કી કરી રહ્યા છે.
પોલીસે જણાવ્યું કે તેમણે ભીડને નિયંત્રિત કરવા માટે પૂરતો બંદોબસ્ત કર્યો છે, જો કે ક્રાઉડ મેનેજમેન્ટની પોતાની મજબૂરીઓ છે. તેમણે જણાવ્યું કે, કેદારનાથ અને બદ્રીનાથના કપાટ સપ્તાહના અંતે ખોલવામાં આવ્યા હતા, પરિણામે ભારે ભીડ ઉમટી હતી.
ડિરેક્ટર જનરલ ઓફ પોલીસ અશોક કુમારે News18 ને જણાવ્યું કે, ‘સાવચેતીના પગલા તરીકે અમે નિર્ણય લીધો છે કે પ્રવાસન વિભાગની વેબસાઈટ પર પૂર્વ નોંધણી વગર કોઈને પણ યાત્રાધામમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવશે નહીં.’
આ દરમિયાન, સૂત્રોનું કહેવું છે કે સરકાર દરેક તીર્થસ્થળ પર મહત્તમ શ્રદ્ધાળુઓની સંખ્યા પર નજર રાખવા માટે તૈયાર છે. અગાઉ એવું પણ નક્કી કરવામાં આવ્યું હતું કે કેદારનાથમાં પ્રતિ દિન માત્ર 12,000, બદ્રીનાથમાં 15,000, યમનોત્રીમાં 7,000 અને ગંગોત્રીમાં દરરોજ 4,000 શ્રદ્ધાળુઓને જ મંજૂરી આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે તેઓ મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી તરફથી લીલી ઝંડી મળવાની રાહ જોઈ રહ્યા છે.
તીર્થસ્થળો પર અવ્યવસ્થા ઉપરાંત પણ યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે કારણ કે, હોટેલો અને લોજ ખીચોખીચ ભરેલા છે, જેમાં વધારાની ભીડને સમાવવા માટે ભાગ્યે જ કોઈ જગ્યા છે.
ગંગોત્રી હાઇવે પર પાંચ કલાકના ટ્રાફિક જામના કારણે સોમવારે રાત્રે જનજીવન ઠપ થઈ ગયું હતું, જેના કારણે યાત્રાળુઓ પાણી અને ચા માટે સંઘર્ષ કરી રહ્યા હતા.
10,000 ફૂટથી વધુ ઉંચાઈએ આવેલા ચાર ધામમાં અત્યાર સુધીમાં 20 શ્રદ્ધાળુઓ મૃત્યુ પામ્યા છે, જેમાં મોટે ભાગે હૃદય સંબંધી સમસ્યાઓ કારણ બની છે. પ્રવાસન વિભાગના આંકડા દર્શાવે છે કે યમનોત્રી 10,606 ફૂટ, ગંગોત્રી (11,204 ફૂટ), કેદારનાથ (11,745 ફૂટ) અને બદ્રીનાથ 10,170 ફૂટની ઊંચાઈએ આવેલું છે.
નિષ્ણાતો કહે છે કે આ ઊંચાઈએ ઓક્સિજનનું સ્તર ઘટી જાય છે અને કાર્ડિયાક અથવા કોમોર્બિડિટીઝ વાળા લોકોને ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
2013ના પૂર પછી, તીર્થયાત્રીઓ માટે ચાર ધામ માર્ગ પર તૈનાત ડોક્ટરોની મંજૂરી લેવી ફરજિયાત કરવામાં આવી હતી. આ વર્ષે નિયમ લાગુ કરવામાં આવ્યો નથી.
ડૉ. શૈલજા ભટ્ટ, ડાયરેક્ટર જનરલ (હેલ્થ)એ ન્યૂઝ18 ને જણાવ્યું કે, ‘અમારી પાસે આરોગ્ય સુવિધા હોવા છતાં, ડોકટરો માટે દરેક યાત્રાળુની તપાસ કરવી વ્યવહારીક રીતે શક્ય નથી. અમે સમજીએ છીએ કે મોટાભાગના યાત્રાળુઓને હ્રદય સંબંધી સમસ્યાઓ હોય છે, તેથી યાત્રા પહેલા, અમે ડોકટરો માટે બે અઠવાડિયાની તાલીમની વ્યવસ્થા કરી છે જે જરૂર પડ્યે દર્દીઓની સારવાર કરી શકે છે.’
આરોગ્ય પ્રધાન ધનસિંહ રાવતે જણાવ્યું કે, ચાર ધામ માર્ગ પર એક અડ્વાન્સડ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ અને કાર્ડિયાક એમ્બ્યુલન્સ તૈનાત કરવામાં આવી છે અને ટૂંક સમયમાં વધુ સુવિધાઓ ઉમેરવામાં આવશે.
ચાર ધામ બાદ 22 મેથી 15,200 ફૂટની ઉંચાઈ પર સ્થિત શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારા શીખ શ્રદ્ધાળુઓ માટે ખોલવામાં આવશે. પંજાબ, હરિયાણા અને NCR પ્રદેશમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ શ્રી હેમકુંડ સાહિબ ગુરુદ્વારાની મુલાકાત લે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર