પટણા: બિહારમાં રાષ્ટ્રીય જનતાંત્રિક ગઠબંધન (એનડીએ)એ રવિવારે જેડીયુના પ્રમુખ નીતીશ કુમારને તેમના નેતા તરીકે પસંદ કર્યા અને આ સાથે નીતિશ કુમાર માટે સતત ચોથી વખત મુખ્યમંત્રી બનવાનો માર્ગ મોકળો થયો છે. મહાગઠબંધનના નેતા તરીકે ચૂંટાયા બાદ નીતિશ કુમાર મીટિંગ બાદ રાજભવન માટે રવાના થઈ ગયા અને તેમણે રાજ્યપાલ ફાગુ ચૌહાણને સરકાર રચવા માટેનો દાવો રજૂ કર્યો છે.
આ સંદર્ભમાં જેડીયુના વડા નીતીશ કુમારે કહ્યું, 'એનડીએની બેઠકમાં હું ફરીથી નેતા તરીકે ચૂંટાયો હતો. મહામુહિમ રાજ્યપાલને એક પત્ર આપવામાં આવ્યો છે. તેમણે પત્ર સ્વીકાર કરી મને મુખ્ય પ્રધાનપદે નિયુક્ત કર્યા છે. આવતીકાલે સોમવારે કોણ-કોણ શપથ ગ્રકહણ કરશે તેનો નિર્ણય હવે લેવામાં આવશે. નીતીશ કુમાર આવતીકાલે સાંજે 4.30 વાગ્યે સાતમી વખત બિહારના મુખ્યમંત્રી પદના શપથ લેશે.
ભાજપના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ અને મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં સંયુક્ત બેઠક મળી હતી. નીતિશ કુમાર ઉપરાંત આ બેઠકમાં ભાજપના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ, પાર્ટીના ચૂંટણી પ્રભારી દેવેન્દ્ર ફડણવીસ, પાર્ટીના રાજ્ય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, હિન્દુસ્તાની આવામ મોરચા (હમ) નેતા જીતનરામ માંઝી અને વિકાસશીલ ઇન્સાન પાર્ટી (વીઆઈપી) પાર્ટીના નેતા મુકેશ સહની જોડાયા હતા.
ભાજપના પર્યવેક્ષક તરીકે નિયુક્ત થયેલા વરિષ્ઠ નેતા રાજનાથ સિંહ પટના પહોંચ્યા બાદ મુખ્યમંત્રીના નિવાસસ્થાને પહોંચ્યા હતા. આ અગાઉ ભાજપ વિધાનસભા પક્ષની બેઠક મુલતવી રાખવામાં આવી હતી, જે સવારે 10 વાગ્યે યોજાવાની હતી. મુખ્યમંત્રી નિવાસસ્થાને ભાજપના ધારાસભ્ય પક્ષની બેઠકમાં કટિહારથી નવા ચૂંટાયેલા ધારાસભ્ય તારકેશ્વર પ્રસાદને ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તે જ સમયે ઉપ નેતા તરીકે રેનુ દેવીની પસંદગી કરવામાં આવી હતી. બેઠક શરૂ થતાં પહેલાં, ફડણવીસે નાયબ મુખ્યમંત્રીના નામ અંગેના સવાલનો જવાબ આપ્યો ન હતો. તેમણે કહ્યું કે થોડા સમય માટે ધૈર્ય રાખો, બધું સ્પષ્ટ થઈ જશે.