પટણા : ગુજરાતની જેમ બિહારમાં પણ દારૂ બંધી છે. અહીં પણ બુટલેગરો ગેરકાયદેસર દારૂનો વેપાર કરવા માટે રોજ નવા નવા આઈડીયા લગાવી પોલીસથી બચવાની કોશિશ કરતા હોય છે, પરંતુ આ વખતે પોલીસે જે રીતે દારૂ ઝડપ્યો છે, તે સાંભળી તમને પણ આશ્ચર્ય થશે.
તમને જણાવી દઈએ કે, હોળી નજીક આવતા જ પોલીસ બિહારના દારૂ માફિયાઓ પર પોતાની પકડ કડક બનાવી રહી છે. પટણા અને સોનપુરમાં પોલીસે રેતીની અંદર છુપાયેલ 20 લાખનો દારૂ કબજે કર્યો છે. હોશીને ધ્યાનમાં રાખીને દારૂ માફિયાઓએ પીરબહેર અને સૈનુપર વિસ્તારોમાં ગંગા નદીના કાંઠે ખેતરોમાં મોટી માત્રામાં દારૂ દફનાવ્યો હતો, પરંતુ પીરબહેર પોલીસ સ્ટેશનની પોલીસને તેની બાતમી મળી ગઈ હતી.
પોલીસ ગંગાના કાંઠે આવેલા એનઆઈટી ઘાટની પૂર્વ તરફ પહોંચી અને રેતી ખોદવાનું શરૂ કર્યું, અને વિદેશી દારૂ બોટલમાં બંધ હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે અહીંથી 25 કાર્ટનમાં ભરેલી વિદેશી દારૂની 520 બોટલો કબજે કરી હતી. આ તમામ કાર્ટન પ્લાસ્ટિકના બોરામાં રાખવામાં આવ્યા હતા. ટાઉન ડીએસપી સુરેશ પ્રસાદ અને પીરબહેર પીઆઈ રિઝવાન અહેમદને બાતમી મળી હતી કે, એનઆઈટી ઘાટની સામે સેનપુર વિસ્તારમાં ગંગા નજીકના ખેતરોમાં માટી નીચે ભોયરા જેવું બનાવી વિદેશી દારૂનો મોટો જથ્થો દબાવવામાં આવ્યો છે.
માહિતી મળ્યા બાદ, પોલીસની ટીમે બોટ દ્વારા ગંગા નદી પાર કરી હતી. ત્યાં પહોંચ્યા બાદ સેનપુર પોલીસને બોલાવવામાં આવી હતી અને બંને પોલીસ સ્ટેશનની પોલીસે ત્યાં આશરે બે કલાક સુધી ઓપરેશન હાથ ધર્યું, આ દરમિયાન ત્યાંથી 72 કાર્ટન દારૂનો જથ્થો કબજે કર્યો હતો. પીરબહેર પોલીસના જણાવ્યા મુજબ, જપ્ત કરેલી દારૂની કિંમત આશરે 20 લાખ છે. તેમણે જણાવ્યું હતું કે, દારૂ માફિયા અંગે પોલીસને પુરાવા મળી ગયા છે. પોલીસ તેની ધરપકડ કરવા ગઈ હતી પરંતુ તે ફરાર થઈ ગયો હતો.
દારૂની સપ્લાય બોટ દ્વારા કરવાની હતી. ઉલ્લેખનીય છે કે, દારૂ માફિયાઓ હોળીને ધ્યાનમાં રાખીને વિદેશી દારૂ ભેગો કરવામાં લાગ્યા છે, આ અંતર્ગત આ માફિયાઓએ ગંગા નદીના કાંઠે અને ગંગાની આજુબાજુ રેતી અને ખેતરોમાં દારૂ ઉતાર્યો હતો. હોડી દ્વારા દારૂનો જથ્થો સપ્લાય કરવામાં આવ્યો હતો. બોટ દ્વારા દારૂ લઈ જતા, ત્યારબાદ બાઇક અથવા કાર ચઢાવી સપ્લાયર્સ પાસે જવાનો હતો, પરંતુ પોલીસે દારૂ માફિયાઓની આખી રમત બગાડી દીધી હતી.
બીજી તરફ રુકુનપુરા મુસાહરીમાં આબકારી ખાતાએ દરોડો પાડી 4100 લિટર દેશી દારૂ બરબાદ કર્યો હતો. આ સમયગાળા દરમિયાન એક્સાઇઝ વિભાગની ટીમે બે ડઝનથી વધુ દારૂ ભઠ્ઠાઓને તોડી પાડ્યા હતા. દરોડા દરમિયાન મુશારીમાં હંગામો થયો હતો. અહીં બનાવાયેલો દેશી દારૂ પટનાના અનેક વિસ્તારોમાં સપ્લાય થાય છે. પટણા પોલીસ અને આબકારી વિભાગની ટીમે કરેલી કાર્યવાહીએ પણ સવાલો ઉભા કર્યા છે. સવાલ એ છે કે, દારૂબંધી કાયદો લાગુ થવાને પાંચ વર્ષ થવા આવ્યા, પરંતુ દારૂ માફિયાઓ પોતાની કરતૂતોથી મુકત નથી થઈ રહ્યા.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર