આજથી સંસદનું બજેટ સત્ર, અરુણ જેટલી રજૂ કરશે ઇકોનોમિક સર્વે

આજથી સંસદનું બજેટ સત્ર, અરુણ જેટલી રજૂ કરશે ઇકોનોમિક સર્વે
રવિવારે મોદીએ સર્વદળીય બેઠક બોલાવી હતી

નાણા મંત્રી અરુણ જેટલી ઇકોનોમિક સર્વે 2017-18 રજૂ કરશે. પહેલી ફેબ્રુઆરીના રોજ આ વર્ષનું સામાન્ય બજેટ રજૂ થશે.

 • Share this:
  નવી દિલ્હીઃ સંસદમાં સોમવારથી બજેટ સત્ર શરૂ થઈ રહ્યું છે. લોકસભા અને રાજ્યસભાની સંયુક્ત બેઠકમાં રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના સંબોધનથી બજેટ સત્રની શરૂઆત થશે. બાદમાં નાણા મંત્રી અરુણ જેટલી ઇકોનોમિક સર્વે 2017-18 રજૂ કરશે. પહેલી ફેબ્રુઆરીના રોજ આ વર્ષનું સામાન્ય બજેટ રજૂ થશે.

  ઇકોનોમિક સર્વેમાં સરકાર ગયા વર્ષે ફાળવવામાં આવેલા ફંડનો હિસાબ રજૂ કરે છે. ઇકોનોમિક સર્વે દ્વારા એવું બતાવવામાં આવે છે કે ગયા વર્ષે કયા સેક્ટરને કેટલું બજેટ ફાળવવામાં આવ્યું હતું અને તેની સામે કેટલું કામ થયું. સરકારની નીતિઓ કેટલી સફળ રહી. સાવ સામાન્ય ભાષામાં કહીએ તો ઇકોનોમિક સર્વેમાં સરકાર ગયા વર્ષની અર્થવ્યવસ્થાની જે હાલત હતી તે લોકો સામે મૂકે છે.  મુખ્ય આર્થિક સલાહકાર અરવિંદ સુબ્રમણ્યમના જણાવ્યા પ્રમાણે, આ વખતે ઇકોનોમિક સર્વે સામાન્ય બજેટના બે દિવસ પહેલા રજૂ કરવામાં આવી રહ્યો છે. તેમણે આ વખતનો ઇકોનોમિક સર્વેમાં કૃષિ ક્ષેત્ર પર ફોકસ રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

  બજેટ સત્ર પહેલા રવિવાર વડાપ્રધાન મોદીએ તમામ પક્ષોની બેઠક બોલાવી હતી. કોંગ્રેસ સહિત તમામ પક્ષના નેતાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. પીએમ મોદીએ તમામ નેતાઓને બજેટ સત્રને સફળ બનાવવા માટે અપીલ કરી હતી. બીજી તરફ, લોકસભાના સ્પિકર સુમિત્રા મહાજને પણ તમામ પક્ષના નેતાઓને બજેટ સત્ર શાંતિપૂર્ણ રીતે ચાલે તે માટેની અપીલ કરી હતી.

  સર્વદળીય બેઠકમાં મોદી ઉપરાંત ગૃહમંત્રી રાજનાથ સિંહ, નાણા મંત્રી અરુણ જેટલી, કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગે, સપાના નેતા મુલાયમસિંહ યાદવ, સીપીઆઈના નેતા ડી. રાજા, ડીએમકે નેતા કનિમોઝી, ટીએમસી નેતા ડરેક ઓબ્રાયન અને સુદીપ બંદોપાધ્યાય અને એનસીપી નેતા તારિક અનવર સહિત લોકો હાજર રહ્યા હતા.
  Published by:News18 Gujarati
  First published:January 29, 2018, 08:38 IST

  ટૉપ ન્યૂઝ