Home /News /national-international /ઇમરાન ખાનને શપથ ગ્રહણ સમારંભમાં ન બોલાવવા ભારતની મજબૂરી : પાકિસ્તાન

ઇમરાન ખાનને શપથ ગ્રહણ સમારંભમાં ન બોલાવવા ભારતની મજબૂરી : પાકિસ્તાન

ઇમરાન ખાન- PM મોદી (ફાઇલ તસવીર)

"ઇમરાનને ન બોલાવવા એ ભારતની મજબૂરી છે, મોદીની આખી રાજનીતિ જ પાકિસ્તાનની ટીકા પર આધારિત છે, એવામાં આમંત્રણનો કોઈ સવાલ જ ઉભો નથી થતો."

  ન્યૂઝ18 ગુજરાતી : નરેન્દ્ર મોદીના શપથગ્રહણ સમારંભમાં પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને આમંત્રણ ન આપવાને પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશીએ 'ભારતની આંતરિક રાજનીતિ'નો પ્રશ્ન ગણાવ્યો છે. કુરેશીએ કહ્યુ કે, ઇમરાનને ન બોલાવવા એ ભારતની મજબૂરી છે, મોદીની આખી રાજનીતિ જ પાકિસ્તાનની ટીકા પર આધારિત છે, એવામાં આમંત્રણનો કોઈ સવાલ જ ઉભો નથી થતો.

  પાકિસ્તાન શું બોલ્યું?

  પાકિસ્તાનના અંગ્રેજી વર્તમાનપત્ર ડૉનમાં છપાયેલા રિપોર્ટ પ્રમાણે શાહે કહ્યું કે, "ચૂંટણી પ્રચાર દરમિયાન તેમનું (મોદી)"આખું ધ્યાન પાકિસ્તાનની ટીકા કરવા પર કેન્દ્રીત રહ્યું હતું. તેઓ પોતાની નીતિગત વિચારસરણીને આટલી ઝડપથી બદલી નાખશે તેવો વિચાર નરી મૂર્ખતા છે." નોંધનીય છે કે ન્યૂઝ એજન્સી એવા સમાચાર ચલાવી ચુકી છે કે નરેન્દ્ર મોદીના શપથ ગ્રહણ સમારંભમાં પાકિસ્તાનના વડાપ્રધાનના આમંત્રણ નહીં આપવામાં આવે.

  જિયો ટીવી સાથે વાતચીત કરતા કુરેશીએ કહ્યુ કે, ઇમરાન ખાને ફોન કરીને વડાપ્રધાનને અભિનંદન પાઠવ્યા તેમાં કંઈ નવું નથી. ગત વર્ષે જ્યારે ઇમરાન ખાને ચૂંટણી જીતી હતી ત્યારે પીએમ નરેન્દ્ર મોદીએ ફોન કરીને અને બાદમાં પત્ર લખીને અભિનંદન પાઠવ્યા હતા. ઇમરાને જે કર્યું તે સદભાવના સંદેશ હતો.

  'શપથ ગ્રહણમાં જવું જરૂરી નથી'

  કુરેશીએ જણાવ્યું કે શપથ ગ્રહણ સમારંભમાં જવું એ કોઈ મુદ્દો જ નથી. તેના કરતા કાશ્મીર, સિયાચીન અને સર ક્રીક જેવા વિવાદ પર કોઈ વાતચીત થાય તે જરૂરી છે. વાતચીત માટે કોઈ રસ્તો નીકળવો જોઈએ. કુરેશીએ કહ્યું કે મોદી દક્ષિણ એશિયામાં વિકાસ ઇચ્છી રહ્યા છે તો તેમણે પાકિસ્તાન સાથે મળીને વાતચીત દ્વારા આ મુદ્દાઓનું સમાધાન લાવવું પડશે. પાકિસ્તાન માટે પણ જરૂરી છે કે સરહદ પર શાંતિ જળવાઈ રહે. કુરેશીએ એવું પણ કહ્યું કે હવે દુનિયા જાણે છે કે પુલવામા હુમલામાં પોલીસનો કોઈ હાથ ન હતો.

  ભારતે કોને કોને આમંત્રણ આપ્યું

  ગુરુવારે રાષ્ટ્રપતિ ભવનમાં નવી સરકારનો ભવ્ય શપથ ગ્રહણ સમારંભ યોજાશે. વર્ષ 2014માં સાર્ક દેશોને બોલાવ્યા બાદ આ વખતે કેન્દ્ર સરકારે નરેન્દ્ર મોદીના શપથ સમારંભમાં BIMSTEC દેશોના પ્રમુખોને આમંત્રણ આપ્યું છે. BIMSTEC દેશના પ્રમુખોમાં, બાંગ્લાદેશ, મ્યાંમાર, શ્રીલંકા, થાઇલેન્ડ, નેપાળ અને ભૂટાનનો સમાવેશ થાય છે. આ દેશો ભારતના પાડોશી દેશ છે અને બંગાળની ખાડી સાથે જોડાયેલા છે. આ દેશો ઉપરાંત મોરેશિયસના વડાપ્રધાન, ચેક રિપબ્લિકનના પ્રમુખને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. આ બંને નેતાઓ આ વખતે પ્રવાસી ભારતીય દિવસમાં પણ અતિથિ તરીકે હાજર રહ્યા હતા. બાંગ્લાદેશની વડાપ્રધાન શેખ હસિના આ કાર્યક્રમમાં હાજર નહીં રહે, તેમની જગ્યાએ તેમના મંત્રી હાજર રહેશે.
  Published by:Vinod Zankhaliya
  First published:

  Tags: Imran Khan, Lok sabha election 2019, Shah Mehmood Qureshi, પાકિસ્તાન

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन