જયપુરમાં રહેતી એક પાકિસ્તાની હિન્દુ છોકરી મશાલ માહેશ્વરીને વિદેશ મંત્રી સુષમા સ્વરાજ તરફથી મળેલી મદદ તેનો પરિવાર ક્યારેય નહીં ભૂલે. મશાલ ધોરણ-12 સાયન્સમાં 91 ટકા માર્ક્સ મેળવી ચુકી હતી અને મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવવાનું સપનું જોઈ રહી હતી. પરંતુ મેડિકલનું ફોર્મ ભરવા ગઈ ત્યારે તેને પાકિસ્તાનની નાગરિકતા નડી હતી. એવામાં સુષમા સ્વરાજે મશાલને ટ્વિટર પર ભરોસો આપતા લખ્યું કે, "મશાલ, મારી બાળકી પરેશાન ન થતી. હું મેડિકલ કોલેજમાં તારા પ્રવેશનો મુદ્દો વ્યક્તિગત રીતે ઉઠાવીશ." પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજનું મંગળવારે રાત્રે નિધન થઈ ગયું છે. ભાજપના વરિષ્ઠ નેતા સુષમાને ગંભીર હાલતમાં એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા.
સીએનએન ન્યૂઝ18 જોયા બાદ સુષમા મશાલની મદદે આવ્યાં
પાકિસ્તાનની હિન્દુ છોકરી મશાલ મેડિકલની પ્રવેશ પરીક્ષા આપી શકતી ન હતી. સીએનએન ન્યૂઝ18 જોઈને સુષમા સ્વરાજે મશાલની મદદ માટે હાથ લંબાવ્યો હતો. સુષમાએ મશાલ સાથે ફોન પર વાતચીત કરી હતી. આ વાતચીત બાદ મંત્રાલયના એક વ્યક્તિએ મશાલને ફોન કર્યો હતો અને તેના દસ્તાવેજોની કોપી ઇમેઇલ કરવાની સૂચના આપી હતી. જે બાદમાં સરકારે તેના પ્રવેશ માટેની પ્રક્રિયાની કામગીરી શરૂ કરી હતી.
ધાર્મિક ઉત્પીડન બાદ પરિવાર જયપુર આવ્યો હતો
મશાલના માતાપિતા વર્ષ 2014માં ધાર્મિક ઉત્પીડનને કારણે પાકિસ્તાનના સિંધમાંથી જયપુર આવ્યા હતા. 20 વર્ષની મશાલના માતા-પિતાનું સપનું તેમની દીકરીને ડોક્ટર બનાવવાનું હતું. એક શરણાર્થી તરીકે મશાલનું એડમિશન મેડિકલમાં થઈ રહ્યું ન હતું. મશાલ પાકિસ્તાની નાગરિક હોવાથી તેને મુશ્કેલી નડી રહી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર