Home /News /national-international /મોદીએ બે દિ' પહેલા ઉદ્ધાટન કરેલા પ્રોજેક્ટની PAK વર્લ્ડ બેંકમાં કરશે ફરિયાદ

મોદીએ બે દિ' પહેલા ઉદ્ધાટન કરેલા પ્રોજેક્ટની PAK વર્લ્ડ બેંકમાં કરશે ફરિયાદ

જમ્મુ કાશ્મીરમાં વડાપ્રધાન મોદી દ્વારા 330 મેગાવોટના કિશનગંગા વીજળી યોજનાના ઉદ્ધાટનથી પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું છે, મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાન સિંધુ જળ સમજૂતીના કથિત ઉલ્લંઘનનો મુદ્દો વર્લ્ડ બેંક સમક્ષ ઉઠાવશે. અત્રે ઉલ્લેખનીય છે કે સિંધુ જળ સમજૂતીને લઇને પાકિસ્તાન અનેક વખત વર્લ્ડ બેંકના શરણે ગયું પરંતુ દરેક વખતે તેને ખાલી હાથે જ પરત ફરવું પડ્યું હતું.

રેડિયો પાકિસ્તાને અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત એઝાઝ અહમદ ચૌધરીના હવાલાથી જણાવ્યું કે પાકિસ્તાનના અટોર્ની જનરલ અશ્તર આસફ અલીના નેતૃત્વવાળું એક પ્રતિનિધિમંડળ વર્લ્ડ બેંકના અધ્યક્ષ સાથે વાત કરવા માટે વોશિંગ્ટનમાં છે, તેઓએ કહ્યું કે બેઠક દરમિયાન કિશનગંગા બંધનું નિર્માણ કરવા મુદ્દે ચર્ચા કરવામાં આવશે. પાકિસ્તાન સરકારના ઓફિશિયલ ટ્વીટર હેંડલમાં કહેવામાં આવ્યું કે પાકિસ્તાન આ મુદ્દે વર્લ્ડ બેંક સમક્ષ ઉઠાવશે, આ ભારત-પાકિસ્તાન વચ્ચે 1960ના સિંધુ સમજૂતીનું ઉલ્લંઘન છે.





કાશ્મીરના ગુરેજથી બાંદીપુરા વચ્ચે ફેલાયેલો આ ડેમ કિશનગંગા હાઇડ્રો ઇલેક્ટ્રિક પ્રોજેક્ટનો જ ભાગ છે જેમાં અંદાજે 5750 કરોડ રૂપિયાનો ખર્ચ છે. 9 વર્ષમાં તૈયાર થયેલા કિશનગંગા હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટને NHPC દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને જે તેની ખાસિયત છે કારણ કે આ પહેલી યોજના છે જેમાં પાણીનો સંગ્રહ ઓછો અને તેના વહેવાનું કામ વધુ કરશે. આ ડેમ ગુરેજ ઘાટીમાં ઝેલમ નદીની બાજુમાં આવેલી કિશનગંગાના પાણીને બાંદીપુરા સુધી 23.65 કિમી લાંબી ટનલ સુધી લઇ જશે. આ સુરંગ અનેક મોટા પર્વતો વચ્ચેથી પસાર થાય છે.

2007માં યુપીએ-1ની સરકાર દરમિયાન આ પ્રોજેક્ટ પર કામ શરૂ થયું હતું જે 2011માં પાકિસ્તાનની અરજી પર રોકી દેવામાં આવ્યું હતું. પાકિસ્તાને હેગ સ્થિત સ્થાયી મધ્યસ્થતા કોર્ટમાં ફરિયા કરી હતી કે કિશનગંગા પ્રોજેક્ટ સિંધુ નદી કરારનું ઉલ્લંઘન છે, પાકિસ્તાનનો આરોપ હતો કે આ સમજૂતી તોડી ભારત ઝેલમ નદી પર પોતાનું પ્રભુત્વ વધારી રહ્યું છે અને પાકિસ્તાને પોતાના પાણીના અધિકારથી વંચિત કરી રહ્યું છે. પાકિસ્તાન પણ આ નદી તરફ ઝેલમ પ્રોજેક્ટ બનાવી રહ્યું છે જો કે આ પ્રોજેક્ટ પણ 2008માં શરૂ થયો હત પરંતુ અનેક વર્ષો સુધી મોડુ થયા બાદ જુલાઇ 2018માં પૂર્ણ થવાનો અંદાજ છે.
First published:

Tags: મોદી, વર્લ્ડ બેંક